૩ દિવસના આંદોલન બાદ બચ્ચુ કડુની ફડણવીસ સાથેની મીટિંગ પછી જાહેરાત
					 
					
બચ્ચુ કડુએ કરેલા ૩ દિવસના આંદોલન બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરી હતી
ખેડૂતોની લોનમાફી માટે પ્રહાર જનશક્તિ પક્ષના નેતા બચ્ચુ કડુએ કરેલા ૩ દિવસના આંદોલન બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે બેઠક બાદ ઉચ્ચ સ્તરની સમિતિની રચનાની જાહેરાત કરી છે. દેવેન્દ્ર ફડણવીસના મુખ્ય આર્થિક સલાહકાર પ્રવીણ પરદેશીને ખેડૂતોને દેવાંની જાળમાંથી મુક્ત કરવા અને તેમના જીવનધોરણમાં સુધારો લાવવાના હેતુથી ટૂંકા અને લાંબા ગાળાનાં પગલાંની ભલામણ કરવા માટે આ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR)માં જણાવવામાં આવ્યું છે કે લોનમાફીની અનેક યોજનાઓ છતાં ખેડૂત દેવાંના બોજ તળે કેમ રહે છે એ જાણવા અને ફાર્મિંગ સેક્ટરમાં ટ્રાન્સફૉર્મેશન લાવવા માટે ૯ સભ્યોની સમિતિ ૬ મહિનામાં પોતાનાં સૂચનો રજૂ કરશે.
બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે લોનમાફીનો વાયદો અમે પાળીશું અને અગાઉ જાહેર કરેલી રાહત ફન્ડની રકમ ૧૫થી ૨૦ દિવસમાં ૯૦ ટકા ખેડૂતો સુધી પહોંચી જશે.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	