રાષ્ટ્રપ્રેમ અને મોદીપ્રેમ માટે ઈસ્ટ આફ્રિકા છોડીને ભારત આવી ગયેલા ૯૦ વર્ષના ચંપક શેઠે પહેલી વાર મત આપ્યો
ચંપક શેઠ
વર્ષોથી ઈસ્ટ આફ્રિકામાં વસેલા અને હાલમાં ઘાટકોપર-ઈસ્ટના સુધા પાર્કમાં રહેતા ૯૦ વર્ષના ચંપક શેઠને રાષ્ટ્રપ્રેમ અને નરેન્દ્ર મોદીપ્રેમ ભારતની ધરતી પર પાછા ખેંચી લાવ્યા અને તેમણે ગઈ કાલે પહેલી વાર મતદાન કર્યું હતું. આ મતદાન પછી ચંપકભાઈના ચહેરા પર દેશ પ્રત્યેની જવાબદારી અને ફરજ બજાવ્યાનો અહેસાસ વર્તાઈ રહ્યો હતો. માતૃભૂમિ પર આવ્યા પછી દોઢ મહિના પહેલાં પડી જવાથી તેમના હાથમાં અને પગના હિપબૉલમાં ફ્રૅક્ચર આવી જવાથી હિપબૉલ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી છે. આમ છતાં તેમનામાં જોશ અને હિંમતને કારણે તેમણે ગઈ કાલે વ્હીલચૅરમાં બેસીને મતદાન કરવાની ફરજ બજાવી હતી. તેઓ મતદાન કર્યા પછી કહે છે કે મને મારી લાંબી જિંદગીમાં પહેલી વાર મતદાન કરવાથી રાષ્ટ્રનિર્માણમાં સહકાર આપ્યાનો સંતોષ થયો છે.
મારા દાદા ૧૦૦ વર્ષ પહેલાં ભારતથી ઈસ્ટ આફ્રિકામાં જઈને વસ્યા હતા. એમ જણાવતાં ચંપક શેઠના પુત્ર નૈનેશ શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાદા ત્યાં કાર્પેટના ઇમ્પોર્ટર હતા. જોકે ઈસ્ટ આફ્રિકા કર્મભૂમિ બની ગઈ હોવા છતાં મારા દાદા તેમની માતૃભૂમિને ક્યારેય ભૂલ્યા નહોતા. આવો જ રાષ્ટ્રપ્રેમ મારા પિતા અને અમારા પરિવારમાં આજ સુધી અકબંધ છે. આ રાષ્ટ્રપ્રેમને કારણે હું ૧૫ વર્ષ પહેલાં જ ઘાટકોપરમાં રહેવા આવી ગયો હતો. મારા પિતાનું અપડાઉન હતું પણ તેમનો આપણા દેશ પ્રત્યે અને એમાં પણ મોદી પ્રત્યે એક અનોખો પ્રેમ છે. હજારો કિલોમીટર દૂર હોવા છતાં તેઓ મોદીભક્ત રહ્યા છે. બિઝનેસમાં વ્યસ્ત હોવા છતાં તેઓ દિવસના છ કલાક ન્યુઝ ચૅનલ પર સમાચારો જોવામાં મશગૂલ રહે છે. આ પહેલાં ઇન્ડિયન એમ્બેસી તરફથી જોઈતો સહકાર મળતો નહોતો, પરંતુ હમણાં-હમણાં તેમના તરફથી સહકાર મળતાં એક મહિના પહેલાં જ પપ્પાએ તેમનું મતદાનયાદીમાં નામ ઍડ કરાવ્યું છે. આ પહેલાં લોકસભાના ઇલેક્શન વખતે પણ તેમની મતદાન કરવાની તીવ્ર ઇચ્છા હતી. જોકે તેઓ વોટિંગ કાર્ડ મેળવી શક્યા નહોતા. આખરે ગઈ કાલે તેમના રાષ્ટ્રપ્રેમની જીત થઈ હતી. તેઓ વ્હીલચૅર પર બેસીને મતદાન-મથકે પહોંચી ગયા હતા અને મતદાન કરીને આવ્યા હતા.’