Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૭૪ ટકા મહારાષ્ટ્ર દુકાળગ્રસ્ત જાહેર

૭૪ ટકા મહારાષ્ટ્ર દુકાળગ્રસ્ત જાહેર

Published : 27 September, 2026 02:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યના ૩૫૮ તાલુકાઓમાંથી ૨૬૫ તાલુકા કોરાધાકોર: સરકારે જાહેર કર્યાં રાહતનાં ૧૨ પગલાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યમાં વરસાદે લાંબી રજા લીધી હોવાથી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગ્રાઉન્ડ લેવલ પરિસ્થિતિ જાણવા હાલમાં જ રાજ્યના અંતરિયાળ ભાગોની મુલાકાત લીધી હતી. એ પછી ગઈ કાલે તેમણે રાજ્યના ૩૫૮ તાલુકાઓમાંથી ૨૬૫ તાલુકાઓમાં દુકાળ જાહેર કર્યો છે, જે રાજ્યના ૭૪ ટકા વિસ્તારને આવરી લે છે. આ જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે ‘દુકાળ જેવી આ સ્થિતિમાં રાજ્યના ખેડૂતો, ખેતમજૂરો અને શ્રમજીવી વર્ગ અમારા રાહત-પ્રયાસોના કેન્દ્રસ્થાને છે. તેમને રાહત પૂરી પાડવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવશે. અમે અમારાં ખેડૂત ભાઈ-બહેનોના પડખે મક્કમતાથી ઊભા છીએ. આવો, આ પડકારનો સામનો કરવા માટે આપણે સૌ સંયુક્ત પ્રયાસો કરીએ.’
રાજ્યભરના ૨૬૫ તાલુકાઓમાં હાલમાં દુકાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. સરકારે આ તાલુકાઓમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, ખેતમજૂરો, નાગરિકો અને પશુધનને રાહત આપવા માટે ૧૨ રાહતપગલાં અને રાહતોનો અમલ કરવાનો નિર્ણય લીધો છે.
ધારાશિવ અને બીડ જેવા જિલ્લાઓમાં જુલાઈ મહિનાથી વરસાદ પડ્યો નથી જેને કારણે પાક, પશુધન અને ખેડૂતો તથા મજૂરોની દૈનિક પાણીની જરૂરિયાતો પર અસર પડી રહી છે. રાજ્ય સરકારના આંકડા મુજબ છત્રપતિ સંભાજીનગર વિભાગમાં પહેલી જૂનથી ૧૮ સપ્ટેમ્બરના સમયગાળા દરમ્યાન ૪૨૪.૫ મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે સામાન્ય વરસાદ ૬૧૩.૧ મિલીમીટર થવાની અપેક્ષા હતી. આમ ૩૦.૮ ટકાની ઘટ નોંધાઈ છે. મરાઠવાડાના ધારાશિવ અને અન્ય પાંચ જિલ્લાઓ છત્રપતિ સંભાજીનગર વિભાગ હેઠળ આવે છે.
પુણે અને નાશિક વિભાગોમાં પણ લગભગ ૩૦ ટકા વરસાદની ઘટ નોંધાઈ હતી, જ્યારે અમરાવતી અને નાગપુર વિભાગોમાં ૨૭ ટકા વરસાદની ઘટ નોંધાઈ હતી. કોકણ વિભાગમાં ૬.૩ ટકા વરસાદની ઘટ નોંધાઈ હતી.
એલ નિન્યોની અસર વચ્ચે રાજ્યમાં સરેરાશ ૯૩૨.૩ મિલીમીટરની સરખામણીએ જૂનથી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન ૭૫૫.૯ મિલીમીટર વરસાદ થયો હતો, જે કુલ ૧૮.૮ ટકા વરસાદની ઘટ દર્શાવે છે. અમરાવતી, સોલાપુર અને લાતુર સહિત ઓછામાં ઓછા ૬ જિલ્લામાં ૪૦-૫૦ ટકા વરસાદની ઘટ નોંધાઈ હતી.

છ મહેસૂલી વિભાગોના ટ્રિગર-૧ હેઠળ આવરી લેવાયેલા ૨૬૫ તાલુકાની સંખ્યા
થાણે ડિવિઝનના ૧૨ તાલુકા 
નાશિક ડિવિઝનના ૪૯ તાલુકા 
પુણે ડિવિઝનના ૩૫ તાલુકા
છત્રપતિ સંભાજીનગર ડિવિઝનના ૭૪ તાલુકા
અમરાવતી ડિવિઝનના ૫૬ તાલુકા 
નાગપુર ડિવિઝનના ૩૯ તાલુકા



પાક નિષ્ફળ
ખરીફ સીઝન દરમિયાન રાજ્યના ખેડૂતો સોયાબીન, કપાસ, બાજરી, મકાઈ, તુવેર, મગ અને અડદ જેવા પાકોનું વાવેતર કરે છે. અનેક જિલ્લાઓમાં ખેડૂતોએ વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાની ફરિયાદ કરી છે અને જીવાત તથા રોગચાળાનું પ્રમાણ પણ મોટા પાયે વધ્યું છે. ૧૬ સપ્ટેમ્બરે અનેક જિલ્લાઓમાં ખેડૂતોએ દુકાળ-રાહતનાં પગલાં અને પાક-નુકસાનના વળતરની માગણી સાથે વિરોધ-પ્રદર્શનો કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK