મહારાષ્ટ્ર સરકારે ૯ વર્ષ બાદ નવા નિયમો જાહેર કર્યા : હાઉસિંગ સોસાયટીઓની લિફ્ટનું દર મહિને સર્વિસિંગ અને થર્ડ-પાર્ટી ઇન્શ્યૉરન્સ ફરજિયાત
CCTV ફૂટેજ
જૂની લિફ્ટમાં CCTV કૅમેરા, ઑટોમૅટિક રેસ્ક્યુ ડિવાઇસ અને ઓવરલોડ પ્રોટેક્શન ૨૮ આૅક્ટોબર, ૨૦૨૭ સુધીમાં લગાવવાં પડશે
રાજ્યભરની હાઉસિંગ સોસાયટીઓમાં લિફ્ટની સુરક્ષાને લઈને મહારાષ્ટ્ર સરકારે નવા નિયમોનું જાહેરનામું બહાર પાડ્યું છે. ૨૦૧૭માં મહારાષ્ટ્ર લિફ્ટ્સ, એસ્કેલેટર્સ ઍન્ડ મૂવિંગ વૉક્સ ઍક્ટ પસાર કર્યાનાં ૯ વર્ષ બાદ આ નિયમો અમલમાં મુકાયા છે. પહેલી નવેમ્બરથી લાગુ થયેલા મહારાષ્ટ્ર લિફ્ટ્સ, એસ્કેલેટર્સ ઍન્ડ મૂવિંગ વૉક્સ રૂલ્સ, ૨૦૨૬ મુજબ હવે માન્યતાપ્રાપ્ત કૉન્ટ્રૅક્ટરો દ્વારા લિફ્ટનું માસિક સર્વિસિંગ, વાર્ષિક સેફ્ટી-ઑડિટ અને થર્ડ-પાર્ટી ઇન્શ્યૉરન્સ ફરજિયાત બનાવવામાં આવ્યાં છે.
જે હાઉસિંગ સોસાયટીઓમાં પહેલેથી જ લિફ્ટ કાર્યરત છે તેમણે ૨૮ ઑક્ટોબર, ૨૦૨૭ સુધીમાં એમાં CCTV કૅમેરા, ઑટોમૅટિક રેસ્ક્યુ ડિવાઇસ (ARD) અને ઓવરલોડ પ્રોટેક્શન ડિવાઇસ લગાવીને અપગ્રેડ કરવી પડશે. સોસાયટીઓની મૅનેજિંગ કમિટીઓએ ઇન્સ્પેક્શનનો તમામ રેકૉર્ડ જાળવવો પડશે.
નવા નિયમો હેઠળ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરોને અસુરક્ષિત લિફ્ટનું સંચાલન અટકાવવાની અને જો સુધારાત્મક પગલાં લેવામાં ન આવે તો એને સીલ કરવાની સત્તા આપવામાં આવી છે. લિફ્ટ, એસ્કેલેટર કે મૂવિંગ વૉક-વેને સંબંધિત કોઈ પણ અકસ્માતની જાણ ૨૪ કલાકની અંદર ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસને કરવી ફરજિયાત રહેશે. ૬ મહિના કે એથી વધુ સમયથી બંધ પડેલી લિફ્ટ કે ઉપકરણોને માન્યતાપ્રાપ્ત કૉન્ટ્રૅક્ટર દ્વારા નિર્ધારિત ઑન-સાઇટ ટેસ્ટ કરાવ્યા વિના ફરી શરૂ કરી શકાશે નહીં. સુરક્ષાના ભાગરૂપે ૧૨ વર્ષથી ઓછી વયનાં બાળકોને પુખ્ત વ્યક્તિની દેખરેખ વિના લિફ્ટ કે એસ્કેલેટરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે લિફ્ટ ઑપરેટર માટે લઘુતમ વય ૧૮ વર્ષ નક્કી કરાઈ છે.
