બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં આ વખતે ૧.૦૩ કરોડ મતદારોનાં નામ સાથેની યાદી તૈયાર થશે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં નવેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ બાદ ૧૪.૭૧ લાખ મતદારોનો વધારો થયો છે, જ્યારે ૪.૦૯ લાખ મતદારોનાં નામ ડિલીટ કરવામાં આવ્યાં છે. જોકે એક પણ રાજકીય પક્ષે આ બાબતે વાંધો નોંધાવ્યો નથી એમ એક ઉચ્ચ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
જો જિલ્લા સ્તરે આંકડા ચકાસવામાં આવે તો થાણેમાં સૌથી વધુ ૨.૨૫ લાખ મતદારોનો વધારો થયો છે. એ પછી બીજા નંબરે પુણેમાં ૧.૮૨ લાખ મતદારો વધ્યા છે. મુંબઈ ઉપનગર જિલ્લામાં ૯૫,૬૩૦ મતદારોનો વધારો થયો છે જેને કારણે ઉપનગરના કુલ મતદારોની સંખ્યા ૭૭.૮૧ લાખ પર પહોંચી ગઈ છે. રાજ્યમાં હવે કુલ મતદારોની સંખ્યા ૯.૮૪ કરોડ પર પહોંચી ગઈ છે.
અધિકારીએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘હાલ રાજ્યમાં વોટર્સ-લિસ્ટમાં ચેડાં થયાં હોવાની ચર્ચાએ રાજકીય પક્ષોમાં જોર પકડ્યું છે. ૧૪ લાખ મતદારોનાં નામ ઉમેરાયાં હોવા છતાં એક પણ રાજકીય પક્ષે આ બદલ ઊહાપોહ કર્યો નથી એટલું જ નહીં, એક પણ પક્ષે એ સામે વાંધો પણ નોંધાવ્યો નથી. હવે એ નવી મતદાર યાદીનો નગરપાલિકા અને સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવશે.’
ADVERTISEMENT
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં આ વખતે ૧.૦૩ કરોડ મતદારોનાં નામ સાથેની યાદી તૈયાર થશે. રાજ્યમાં વધુ ૧૬.૮૩ લાખ મતદારોએ તેમનાં નામ યાદીમાં સામેલ કરવા અરજી કરી છે. એમાં ૧.૯૭ લાખ મતદારો એવા છે જેઓ એક વૉર્ડમાંથી બીજા વૉર્ડમાં શિફ્ટ થયા છે. અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ‘પહેલી નજરે આ શંકાસ્પદ લાગે, પણ રાજકીય પક્ષોના કાર્યકરોને એ બાબતનો ખ્યાલ હતો કે વિધાનસભાની ચૂંટણી વખતે નહીં, પણ એ પછી નવી મતદારયાદી તૈયાર કરવામાં આવશે અને એના આધારે જ આગામી ચૂંટણીમાં મતદાન થશે. એથી ૩૦ જૂન પહેલાં જ તેમણે રજિસ્ટ્રેશન કૅમ્પેન ચલાવી લીધું હતું.’

