બીડના આ મેકૅનિકલ એન્જિનિયરની માગણી છે કે દરેક જિલ્લામાં ફક્ત ઑર્ગેનિક વસ્તુઓ વેચવા મૉલ બનાવવામાં આવે
ઝાડ પર ચડી ગયેલા ઈશ્વર શિંદેને ફાયર-બ્રિગેડે સીડી લાવીને ઉતાર્યો હતો
ગઈ કાલે તિરંગાની સાથે બીડ જિલ્લાથી આવેલો ૩૦ વર્ષનો એન્જિનિયર ઈશ્વર શિંદે વિધાનભવનની સામે આવેલા ઝાડ પર ચડી ગયો હતો. આમ તો તે વહેલી સવારે જ ઝાડ પર ચડી ગયો હતો, પણ ૧૦.૧૫ વાગ્યે કોઈની તેના પર નજર ગઈ હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસ અને ફાયર-બ્રિગેડના જવાનોએ તેને નીચે આવવા માટે બહુ જ સમજાવ્યો હતો, પણ તે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. છેવટે સીડીની મદદથી ફાયર-બ્રિગેડના જવાનો તેના સુધી પહોંચ્યા હતા અને ૧૧.૩૦ વાગ્યે તેને નીચે લઈ આવ્યા હતા. આ મેકૅનિકલ એન્જિનિયર આ યુવાન ઑર્ગેનિક ખેતી પણ કરે છે અને રાજ્યના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન પણ તેને ઓળખે છે. તેણે સરકાર પાસે માગણી કરી છે કે દરેક જિલ્લામાં એવો મૉલ ઊભો કરવામાં આવે જ્યાં ફક્ત ઑર્ગેનિક વસ્તુઓ જ વેચવામાં આવે. આ જ વાત સરકાર સુધી પહોંચાડવા તે ઝાડ પર ચડી ગયો હતો.

