શિવસૈનિકો રસ્તા પર ઊતરી આવવા માટે ઉતાવળા થયા છે, પણ મહાવિકાસ આઘાડીએ સમજી લેવું જોઈએ કે જો હિંસા બેલગામ થશે તો એ બૂમરૅન્ગ થશે અને રાજ્યપાલ રાષ્ટ્રપતિશાસન પણ લાદી શકે
દાદરના શિવાજી પાર્કમાં શિવસેના ભવનની બહાર ગઈ કાલે આક્રમક બનેલા શિવસૈનિકો. (તસવીર : આશિષ રાજે)
આ ઘાટ તો બીજેપી માટે ભાવતું`તું ને વૈદે કર્યું જેવો થઈ જશે અને આમાં સીધું નુકસાન શિવસેનાનું છે
શિવસેનાના કાર્યકરોના રોષનું લક્ષ્ય ગઈ કાલે બળવાખોર વિધાનસભ્યોના પરિવારના સભ્યોની ઑફિસો અને ઘરો બન્યાં અને શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે અને તેમના જૂથે રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન અને રાજ્યના પોલીસવડાને પત્ર લખીને આક્ષેપ કર્યો કે તેમને અપાયેલી સલામતી પાછી ખેંચી લેવાઈ છે ત્યારે ભલભલાની ખતરાની ઘંટીઓ વાગવા માંડી હતી.
ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલે તરત જ આ આક્ષેપને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે આનાથી સાવ જ વિપરીત અમે તો સલામતીમાં વધારો કર્યો છે.
ADVERTISEMENT
આ ઉપરાંત એકનાથ શિંદેના દીકરાની ઑફિસમાં તોડફોડ થઈ હતી અને આવા કેટલાક બનાવ અન્ય સ્થળોએથી પણ જાણવા મળ્યા. આવી પરિસ્થિતિમાં શક્યતા પૂરેપૂરી હોય કે રસ્તાઓ પર બંને જૂથ વચ્ચે તોફાનો ફાટી નીકળે અને શાંતિ જોખમાય એવી સીધી ચેતવણી અત્યારે આસામમાં ભરાઈ બેઠેલા બળવાખોર જૂથ તરફથી આવી.
આ જૂથના પ્રવક્તા દીપક કેસરકર જણાવ્યું હતું કે જો મુખ્ય પ્રધાન હિંસા પર લગામ ન તાણી શકે અને કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે તો અમને દોષ ન આપતા.
રાજકીય વર્તુળોના કહેવા પ્રમાણે કેસરકરનું વિધાન કાળના ગર્ભમાં શું છુપાયેલું છે એ દર્શાવે છે અને એ છે રાષ્ટ્રપતિશાસન લદાવાની શક્યતા.
એક વરિષ્ઠ રાજકીય નેતાએ જણાવ્યું હતું કે ‘જો સરકાર અસ્થિર રહે અને હિંસાચાર થતો રહે તો રાજ્યપાલ કેન્દ્રને હસ્તક્ષેપ કરવાનું કહી શકે અને એ રાષ્ટ્રપતિશાસનના સ્વરૂપમાં પણ હોઈ શકે. બીજેપીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને કોઈ જ તક તાસક પર ધરી ન દેવાનું મહાવિકાસ આઘાડી માટે અત્યંત મહત્ત્વનું છે.’

