BJP-NCPના ગઠબંધને ૧૭માંથી ૧૦ બેઠકો જીતીને નગરપંચાયત કબજે કરી
પ્રતીકાત્મક તસવીર
માલેગાંવ નગરપંચાયત ભારતીય જનતા પાર્ટી (BJP) અને અજિત પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ગઠબંધને કબજે કરી હતી. આ ગઠબંધને ૧૭થી ૧૦ બેઠક જીતી હતી. જોકે આ ઇલેક્શનનો સૌથી મોટો ટ્વિસ્ટ એક અપક્ષ ઉમેદવારના વિજય સાથે આવ્યો હતો. એક બેઠક પર NCPનાં ઉમેદવાર ગાયત્રી રાહુલ તાવરે અને અપક્ષ ઉમેદવાર જયશ્રી બાળાસાહેબ તાવરે બન્નેને એકસરખા ૬૧૬ મત મળ્યા હતા એટલે ઈશ્વર-ચિઠ્ઠી ઉપાડવામાં આવી હતી, એટલે કે ડ્રૉ કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠીમાં અપક્ષ ઉમેદવાર જયશ્રી તાવરેનું નામ આવતાં તેમને વિજયી જાહેર કરવામાં આવ્યાં હતાં.
શું હોય છે ઈશ્વર-ચિઠ્ઠી?
ADVERTISEMENT
મતગણતરીના અંતે જ્યારે બે ઉમેદવારોને એકસરખા વોટ મળે ત્યારે ઇલેક્શન કમિશન દ્વારા ડ્રૉની પ્રોસેસ નક્કી કરવામાં આવે છે. જોકે આવા કિસ્સામાં સૌથી પહેલાં મતોની ફરી એક વાર કાળજીપૂર્વક ગણતરી કરવામાં આવે છે. એ પછી પણ વોટ એકસરખા હોય તો એક ઈશ્વર-ચિઠ્ઠી કાઢવામાં આવે છે. અલગ-અલગ ચિઠ્ઠીઓમાં બન્ને ઉમેદવારોનાં નામ લખવામાં આવે છે અને પારદર્શક રીતે એક ચિઠ્ઠી કાઢવામાં આવે છે. એમાં જે ઉમેદવારનું નામ હોય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.
ચંદ્રપુરમાં BJP ઉમેદવારનો માત્ર એક વોટથી વિજય થયો
ચંદ્રપુર જિલ્લાની ભદ્રાવતી નગરપરિષદમાં BJPનાં ઉમેદવાર વૃષાલી વિનોદ પાંઢરેએ કૉન્ગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. આ જીતે ખૂબ ચર્ચા જમાવી હતી, કારણ કે જીતનું માર્જિન માત્ર એક વોટનું હતું.
સાતારામાં BJPના નગરાધ્યક્ષે ૪૧,૦૦૦ મતના તોતિંગ માર્જિનથી વિજય મેળવ્યો
ભારતીય જનતા પાર્ટી (BJP)એ સાતારા નગરપરિષદની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. BJPના અધ્યક્ષપદના ઉમેદવાર અમોલ મોહિતેએ ૪૧,૦૪૦ મતોના વિક્રમી માર્જિનથી જીત મેળવીને સાતારા શહેરમાં BJPનું વર્ચસ જાહેર કર્યું હતું. વિધાનસભ્યને પણ મુશ્કેલીથી મળતા હોય એટલા મોટા માર્જિનની આ જીતને લીધે અમોલ મોહિતે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. તેમને ૫૭,૫૯૬ વોટ મળ્યા હતા, જ્યારે તેમનાં પ્રતિસ્પર્ધી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)નાં ઉમેદવાર સુવર્ણાદેવી પાટીલને ૧૫,૫૫૬ વોટ મળ્યા હતા. સાતારા શહેર ઉપરાંત સમગ્ર સાતારા જિલ્લામાં પણ BJPએ પોતાનું વર્ચસ સ્થાપિત કર્યું હતું. ૧૦માંથી ૭ નગરપરિષદોમાં BJPએ વિજય મેળવ્યો હતો.


