કૅપ્ટન હાર્દિક પંડ્યાની વાપસી થઈ હોવા છતાં જીતનું ખાતું ન ખોલાવી શક્યું મુંબઈ
કૅપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને કરી ૭૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ.
IPL 2025ની નવમી મૅચમાં ગુજરાત ટાઇટન્સે ૩૬ રને મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત મેળવી હતી. અમદાવાદમાં ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી યજમાન ટીમે ઓપનર સાઈ સુદર્શનની સતત બીજી ૫૦ પ્લસ રનની ઇનિંગ્સની મદદથી આઠ વિકેટ ગુમાવીને ૧૯૬ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં કૅપ્ટન હાર્દિક પંડ્યાની ટીમ ૬ વિકેટે ૧૬૦ રન બનાવી ૧૮મી સીઝનમાં સતત બીજી મૅચ હારી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ સામે ચોથી જીત મેળવીને વર્તમાન સીઝનની પહેલી જીત નોંધાવી હતી. ઓવરઑલ મુંબઈ સામે ગુજરાતની આ સતત ત્રીજી જીત પણ હતી. આમ સતત ચોથી સીઝનમાં પહેલી બન્ને મૅચ હાર્યું છે મુંબઈની ટીમ.
ઓપનર સાઈ સુદર્શને ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૧ બૉલમાં ૬૩ રનની ઇનિંગ્સ રમીને ૧૮મી ઓવર સુધી ગુજરાત માટે બાજી સંભાળી હતી. તેણે કૅપ્ટન શુભમન ગિલ (૨૭ બૉલમાં ૩૮ રન) સાથે ૭૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ અને જૉસ બટલર (૨૪ બૉલમાં ૩૯ રન) સાથે બીજી વિકેટ માટે ૫૧ રનની પાર્ટનરશિપ કરી હતી.
ADVERTISEMENT
ગઈ કાલે મોહમ્મદ સિરાજે શરૂઆતની બન્ને વિકેટ લઈને મુંબઈની કમર તોડી નાખી.
ટોચના ત્રણ બૅટ્સમેન સિવાય, ગુજરાતના અન્ય બૅટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો અને ફક્ત ઑલરાઉન્ડર શેરફેન રૂધરફોર્ડ (૧૧ બૉલમાં ૧૮ રન) જ ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો હતો. મુંબઈ માટે કૅપ્ટન હાર્દિક પંડ્યા (૨૯ રનમાં બે વિકેટ)એ સૌથી વધુ વિકેટ લીધી હતી, જ્યારે ચાર વર્ષ બાદ IPLમાં વાપસી કરનાર અફઘાની ઑલરાઉન્ડર મુજીબ-ઉર-રહેમાન સહિત ચાર બોલરને ૧-૧ વિકેટ મળી હતી. ગુજરાતની ટીમ છેલ્લા ૧૩ બૉલમાં ૧૭ રનની અંદર પાંચ વિકેટ ગુમાવીને ૨૦૦ રનનો સ્કોર કરવાની તક ચૂકી ગઈ હતી.
સૂર્યકુમાર યાદવની ૨૮ બૉલમાં ૪૮ રનની ઇનિંગ્સ પર ફરી વળ્યું પાણી.
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે (૩૪ બૉલમાં બે વિકેટ) પોતાની નવી ફ્રૅન્ચાઇઝી ગુજરાત માટે રોહિત શર્મા (૪ બૉલમાં ૮ રન) રૂપે પહેલવહેલી વિકેટ લીધી હતી. ૪.૩ ઓવરમાં ૩૫ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવ્યા બાદ મિડલ ઑર્ડર બૅટર્સ તિલક વર્મા (૩૬ બૉલમાં ૩૯ રન) અને સૂર્યકુમાર યાદવે (૨૮ બૉલમાં ૪૮ રન) ત્રીજી વિકેટ માટે ૬૨ રનની પાર્ટનરશિપ કરીને જીતની આશા જીવંત રાખી હતી, પણ પ્રસિદ્ધ ક્રિષ્ના (૧૮ રનમાં બે વિકેટ) બન્નેની વિકેટ ઝડપીને મૅચ ગુજરાતના પક્ષમાં લાવી દીધી હતી. અંતિમ ઓવર્સમાં નમન ધીર અને મિચલ સૅન્ટનરે ૧૮-૧૮ રનની અણનમ ઇનિંગ્સ રમીને હારનું માર્જિન ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો.
45
આટલામી T20 મૅચ રમનાર પહેલો ભારતીય અને ઓવરઑલ ૧૨મો પ્લેયર બન્યો રોહિત શર્મા.
20
આટલી ઇનિંગ્સમાં એક વેન્યુ પર ફાસ્ટેસ્ટ ૧૦૦૦ IPL રન કરનાર ભારતીય બન્યો શુભમન ગિલ.
1000
આટલા IPL રન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફટકારનાર પહેલો બૅટર બન્યો શુભમન ગિલ.

