ગઈ કાલે મુંબઈની કોલાબા ઑબ્ઝર્વેટરીમાં ૩૪.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝમાં પારો ૩૬.૩ ડિગ્રી પહોંચી ગયો હતો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હાલ ગરમીથી હેરાનપરેશાન મુંબઈગરાને આ અઠવાડિયામાં ગરમીથી રાહત મળી શકે એવી શક્યતા છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર સોમવારથી લઈને આગલા બે-ચાર દિવસ ગાજવીજ અને કડાકાભડાકા સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે એવી આગાહી કરવામાં આવી છે.
ઉનાળમાં વરસાદની આગાહી બદલ માહિતી આપતાં હવામાન ખાતાના ઑફિસરે કહ્યું હતું કે ‘મોટા ભાગે દર વર્ષે ઉનાળામાં આવું બનતું હોય છે. પવનોની દિશા બદલાય એટલે આવું થતું હોય છે. સામસામે પવનો અથડાતા હોય છે અને એ વખતે ગરમ હવા, જેમાં ભેજ પણ હોય છે એ ઉપર ચડતાં કડાકાભડાકા સાથે છૂટોછવાયો વરસાદ પડતો હોય છે. એવા જ પ્રકારની પરિસ્થિતિ વાતાવરણમાં આકાર લઈ રહી હોવાથી આગલા બે-ચાર દિવસ આ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે. સાથે પવન પણ કલાકના ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે ફૂંકાશે.’

