Mulund Water Cut: ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોવાથી ૨૧મી ઓગસ્ટે ૧૮ કલાક માટે પાણી પુરવઠો બંધ કરવામાં આવનાર છે.
પ્રતીકાત્મક તસવીર
મુલુંડવાસીઓ માટે મહત્વના સમાચાર છે. આવતા ગુરૂવારે એટલે કે ૨૧મી ઓગસ્ટે ૧૮ કલાક માટે પાણી પુરવઠો બંધ (Mulund Water Cut) કરવામાં આવનાર છે.
રિપોર્ટ અનુસાર ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોવાથી આ નિર્ણય (Mulund Water Cut) લેવામાં આવ્યો છે. મુંબઈના `ટી` વોર્ડમાં ૧૮ કલાક પાણીનો કાપ મુકાશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા જીએમએલઆર બ્રિજ પ્રોજેક્ટને અંતર્ગત એક મોટી પાઇપલાઇનના ડાયવર્ઝનનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી ગુરુવારના રોજ સવારે 10 વાગ્યાથી શુક્રવાર એટલે કે ૨૨ ઓગસ્ટના રોજ સવારે ૪ વાગ્યા સુધી પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. સિવિક અધિકારીઓના જણાવ્યાનુસાર મુલુંડમાં મેરેથોન મેક્સિમા બિલ્ડિંગથી તાનસા બ્રિજ સુધીના રસ્તા પર આવેલ ૧,૨૦૦ મીમી વ્યાસની મોટી પાણીની પાઇપલાઇન પર જીએમએલઆરના નિર્માણની અસરને કારણે બંધ કરવાની જરૂર પડી છે. બીએમસી આ સમયગાળા દરમિયાન પાઇપલાઇનના બે પોઈન્ટ પર કનેક્શનનું કામ હાથ ધરવાની છે. જેના માટે વોર્ડના કેટલાક ભાગોમાં પુરવઠો સંપૂર્ણપણે સ્થગિત કરવાની જરૂર પડશે.
ADVERTISEMENT
કયા વિસ્તારોમાં અસર થશે?
અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ તો મુલુંડ (પશ્ચિમ)માં ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ અને લાલ બહાદુર શાસ્ત્રી રોડનો સમાવેશ થાય છે અન્ય અસરગ્રસ્ત વિસ્તારમાં જવાહરલાલ નહેરુ રોડ, દેવીદયાળ રોડ, ડમ્પિંગ ગ્રાઉન્ડ રોડ, ડૉ. આર. પી. રોડ, પી. કે. રોડ, ઝવેર રોડ, મહાત્મા ગાંધી રોડ, એન. એસ. રોડ, એસ. એન. રોડ, આર. એચ. બી. રોડનો સમાવેશ થાય છે. તે ઉપરાંત વાલજી લાઢા રોડ, વી. પી. રોડ, મદન મોહન માલવિયા રોડ, એસીસી રોડ, બી.આર. રોડ, ગોશાલા રોડ, એસએલ રોડ, નાહુર વિલેજ અને આસપાસના વિસ્તારોમાં પાણીકાપ (Mulund Water Cut)ની અસર જોવા મળશે.
બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઝોનમાં હંમેશા પાણી પુરવઠો સામાન્ય રીતે ચોવીસ કલાક ચલાવવામાં આવે છે. પણ, આ ચોક્કસ સમયગાળા દરમિયાન પાણીપુરવઠો બંધ રાખવાની ફરજ પડી છે. માટે આ સમયગાળા દરમિયાન રહેવાસીઓએ અગાઉથી પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી લેવો અને કાપના સમયે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. અસરગ્રસ્ત વિસ્તારોના ઘરોને પુરવઠો ફરી શરૂ થયા પછી પણ ચારથી પાંચ દિવસ સુધી પાણી ઉકાળીને ફિલ્ટર કરીને જ પીવાની સલાહ છે. કારણકે જ્યારે મોટા સમારકામ અથવા ડાયવર્ઝન કાર્યો હાથ ધરાય છે ત્યારપછી મોટી પાઇપલાઇન ફરીથી જોડવામાં આવે છે ત્યારે પાણીના પ્રેશરમાં વધઘટ તેમ જ દુષિત પાણી પણ આવવાના ચાન્સ હોય છે.
તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવનાર ટનલ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Mulund Water Cut) દ્વારા હાથ ધરવામાં આવેલી સૌથી પહોળી રોડ-ટનલમાંથી એક હશે. 6, 500 કરોડનો આ પ્રોજેક્ટ પશ્ચિમી ઉપનગરોમાં ગોરેગાંવને પૂર્વીય ઉપનગરોમાં મુલુંડ સાથે જોડીને ટ્રાફિકને ઘટાડવા માટે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.

