Mumbai Rains Updates: મુંબઈ અને તેના ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી; આગામી ૪૮ કલાક શહેર પર ખતરો; હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
તસવીરઃ શાદાબ ખાન
મુંબઈ (Mumbai)માં વરસાદનું લૉન્ગ વીકએન્ડ સોમવાર સુધી લંબાયુ છે. સોમવારની સવાર મુંબઈમાં અંધકારમય અને વરસાદી રહી, કારણ કે સતત ત્રીજા દિવસે પણ શહેરમાં ભારે વરસાદ (Mumbai Rains Updates) ચાલુ રહ્યો. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ શહેરને રેડ એલર્ટ હેઠળ રાખ્યું છે, જેમાં મંગળવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી ૪૮ કલાક મુંબઈ અને તેના ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. સતત પડી રહેલા વરસાદને કારણે વાહનવ્યવહાર અને ટ્રેન વ્હવહાર ખોરવાયો છે. શહેરમાં અનેક ઠેકાણે ટ્રાફિક જામ પણ છે.
મુંબઈ અને ઉપનગરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનું જે જોર હતું તે આજે સોમવારે સવારે પણ ચાલુ જ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે, મુંબઈ અને તેના ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે, ખાસ કરીને રાત્રિ દરમિયાન તેજ પવનો સાથે ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. શહેરનું તાપમાન સ્થિર રહેવાની સંભાવના છે, મહત્તમ તાપમાન 27°C અને લઘુત્તમ તાપમાન 24°C ની આસપાસ રહેશે.
ADVERTISEMENT
છેલ્લા ચોવીસ કલાકમાં, મુંબઈ અને તેના ઉપનગરોમાં અવિરત વરસાદ પડ્યો છે. તેના પરિણામે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે શહેરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મુંબઈની જીવાદોરી ગણાતા રેલવે નેટવર્ક (Mumbai Local Train Updates) પર પણ તેની અસર પડી છે, જેમાં સેન્ટ્રલ રેલવે (Central Railway) અને હાર્બર રેલવે (Harbour Railway) લગભગ દસ મિનિટ મોડી પડી રહી છે. જ્યારે વેસ્ટર્ન રેલવે (Western Railway) પાંચ મિનિટ મોડી દોડી રહી છે.
હવામાન પરિસ્થિતિઓના કારણે એરલાઇન્સે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. ઇન્ડિગો (IndiGo)એ તેના વહેલી સવારના નિવેદનમાં મુસાફરોને એરપોર્ટની મુસાફરીનું સાવધાની સાથે આયોજન કરવા વિનંતી કરી છે, ધમનીય માર્ગો પર પાણી ભરાવાના કારણે સંભવિત વિલંબની ચેતવણી આપી છે.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયાના અહેવાલો મળ્યા છે.
રવિવાર સવાર સુધીમાં, મુંબઈમાં કુલ વાર્ષિક સરેરાશના ૬૩.૩૯ ટકા વરસાદ પડી ચૂક્યો છે. કોલાબા વેધશાળાએ ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૨૫૭ મીમી વરસાદ નોંધ્યો છે, જે તેની વાર્ષિક સરેરાશના ૬૦ ટકા છે, જ્યારે સાન્તાક્રુઝમાં ૧૫૬૪.૨ મીમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશના ૭૬.૦૮ ટકા છે.
ભારે વરસાદની આ પરિસ્થિતિમાં સાવચેતીના ભાગ રૂપે મુંબઈમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (National Disaster Response Force - NDRF)ની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારના કંટ્રોલ રૂમ અનુસાર, મુંબઈ અને રાજ્યભરમાં ૨૧ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. IMD ના સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને તેની આસપાસના દક્ષિણ ગુજરાત, કોંકણ અને દક્ષિણ ગોવા પર ઉપરી હવાના ચક્રવાતી પરિભ્રમણને કારણે છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી છત્તીસગઢ ઉપરના ઓછા દબાણવાળા ક્ષેત્ર સાથે સંકળાયેલ પરિભ્રમણ સુધી એક ટ્રફ પણ ફેલાયેલો છે. આના કારણે સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.’
IMD મુજબ, કોંકણ (Konkan) ક્ષેત્રના ઘણા જિલ્લાઓ જેમાં થાણે (Thane), રાયગઢ (Raigad), રત્નાગિરી (Ratnagiri) અને સિંધુદુર્ગ (Sindhudurg)નો સમાવેશ થાય છે, તેમાં પણ આગામી ત્રણથી ચાર કલાકમાં મધ્યમથી તીવ્ર વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે રહેવાસીઓને સતર્ક રહેવાની ચેતવણી આપી છે કારણ કે ટૂંકા ગાળામાં ભારે વરસાદ પાણી ભરાવાની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે અને પરિવહનને અસર કરી શકે છે. દરમિયાન, ભારે વરસાદની શક્યતાને કારણે રાયગડ, રત્નાગિરી, સતારા (Satara), કોલ્હાપુર (Kolhapur) અને પુણે (Pune)ને રેડ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

