૨૦૨૩માં પુણેમાં વિસ્ફોટક બનાવવાના કેસના ISISના આ આરોપીઓ પલાયન થઈ ગયા હતા, ઇન્ડોનેશિયાથી પાછા આવ્યા અને ઝડપાયા
મુંબઈના ઍરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓ અબદુલ્લા શેખ અને તલ્હા ખાન.
પુણેમાં ૨૦૨૩માં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS)ના સ્લીપર સેલ દ્વારા ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED)નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ મામલામાં અબદુલ્લા ફૈયાઝ શેખ અને તલ્હા ખાન નામના બે આતંકવાદીઓ પલાયન થઈ ગયા હતા. આ બન્નેની નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગઈ કાલે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. આતંકવાદીઓ ઇન્ડોનેશિયાના જકાર્તાથી મુંબઈ પહોંચ્યા ત્યારે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
અબદુલ્લા શેખ
અબદુલ્લા શેખ અને તલ્હા ખાન સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કરવા ઉપરાંત તેમની માહિતી આપનારને ત્રણ-ત્રણ લાખ રૂપિયાનાં ઇનામ પણ જાહેર કરવામાં આવ્યાં હતાં. ૨૦૨૩માં પુણેમાં બૉમ્બ બનાવીને વિસ્ફોટ કરવાની વર્કશૉપ ચાલતી હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે ISISના આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી ત્યારે આઠ આતંકવાદી હાથ લાગ્યા હતા, પણ અબદુલ્લા શેખ અને તલ્હા ખાન વિદેશ ભાગી ગયા હતા. તેમના પર ભારતમાં બૉમ્બ-બ્લાસ્ટ કરીને શાંતિને ડહોળીને માહોલ ખરાબ કરવાનો મામલો નોંધવામાં આવ્યો છે.
તલ્હા ખાન
ઉલ્લેખનીય છે કે ૨૦૨૩માં પુણે પોલીસે મોહમ્મદ ઇમરાન ખાન, મોહમ્મદ યુનુસ સાકી, અબ્દુલ કાદિર પઠાણ, સિમબ નસીરુદ્દીન કાઝી, ઝુલ્ફીકાર અલી બડોદાવાલા, શમીલ નાચન, આફીક નાચન અને શાહનવાઝ આલમ નામના ૮ આતંકવાદીની ધરપકડ કરી હતી.

