દૂધના યોગ્ય ભાવ ન મળતાં ઉત્તર ગુજરાતના હારીજમાં પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને કર્યો વિરોધ
ચાર રસ્તા પર દૂધ ઢોળીને દૂધ સાગર ડેરી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો
ઉત્તર ગુજરાતના હારીજમાં પશુપાલકોને દૂધના પૂરતા ભાવ ન મળતાં ગઈ કાલે રોડ પર દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. દૂધના ભાવ સહિતના મુદ્દાઓને લઈને હારીજ ઉપરાંત સમી અને શંખેશ્વરના પશુપાલકોનું હારીજમાં સંમેલન યોજાયું હતું. મોંઘવારીના સમયે દૂધ સાગર ડેરી તરફથી પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ અપાતા ન હોવાથી ડેરી સામે વિરોધ નોંધાવવા માટે સંમેલન યોજાયું હતું. સંમેલન બાદ પશુપાલકોએ મામલતદાર કચેરી સુધી રૅલી કાઢી હતી અને ચાર રસ્તા પર દૂધ ઢોળીને દૂધ સાગર ડેરી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે પશુપાલકોને દૂધના પૂરતા ભાવ નહીં આપવામાં આવે તો દૂધ સાગર ડેરીનો પશુપાલકો ઘેરાવો કરશે.

