બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ તરીકેના પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા
મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની હાજરીમાં બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે આચાર્ય દેવવ્રતને ગઈ કાલે શપથ લેવડાવ્યા હતા (તસવીર : સૈયદ સમીર અબેદી)
સોમવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે શપથ લીધા હતા. બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ તરીકેના પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. રાજભવનમાં યોજાયેલા શપથવિધિ-સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત રાજ્યના વિવિધ ખાતાના પ્રધાનો, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ-અધિકારીઓની ખાસ ઉપસ્થિતિ હતી.
પંજાબમાં જન્મેલા ૬૬ વર્ષના આચાર્ય દેવવ્રતે હિન્દી અને ઇતિહાસ વિષય સાથે પોસ્ટ ગ્રૅજ્યુએશન કર્યું છે. નૅચરોપથી અને યોગિક વિજ્ઞાનમાં ડૉક્ટરેટની પદવી મેળવી છે. તેઓ આર્ય સમાજના પ્રચારક તથા આયુર્વેદ, નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક છે. તેઓ હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા ગુરુકુલના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે અને ગુજરાત રાજ્યના વીસમા રાજ્યપાલ તથા ગુજરાત વિદ્યાપીઠના બારમા કુલપતિ છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી. પી. રાધાક્રિષ્નન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો પદભાર સોંપ્યો છે. આ પદ માટે ગઈ કાલે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે શપથ લીધા હતા.

