Mumbai Crime: સ્ટુડન્ટના હેન્ડરાઇટિંગ ખરાબ હતા. આ જ વસ્તુ પર નારાજ થયેલ ટીચર રાજશ્રી રાઠોડે સળગતી મીણબત્તી બાળકના હાથ પર મૂકી દીધી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
મુંબઈમાંથી એક એવી દર્દનાક ઘટના (Mumbai Crime) બની છે કે જે વિષે જાણતા જ કંપારી છૂટે. મલાડમાં એક ટ્યુશન ટીચરે આઠ વર્ષના બાળકને ક્રૂરતાભરી સજા કરી હતી. આ સજા માત્ર એટલા માટે જ કે આ સ્ટુડન્ટના હેન્ડરાઇટિંગ ખરાબ હતા. આ જ વસ્તુ પર નારાજ થયેલ ટીચર રાજશ્રી રાઠોડે સળગતી મીણબત્તી બાળકના હાથ પર મૂકી દીધી. બાળકના હાથમાં ઈજા થઇ હતી. બાળકના પિતાએ કુરાર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી છે.
હેન્ડરાઇટિંગ ગંદા હતા એટલે સળગતી મીણબત્તી પર હાથ મુકાવડાવ્યો
ADVERTISEMENT
રિપોર્ટ પ્રમાણે આ ઘટના ડિંડોશી કોર્ટ નજીક આવેલી એક બિલ્ડિંગમાં બની હતી. અહીં એક મહિલા ટ્યુશનક્લાસ ચલાવે છે. એક બાળકના હેન્ડરાઇટિંગ સારા નહોતા એટલે તેનાથી ગુસ્સે થઇ આ ટીચરે સૌ પ્રથમ તો બાળકને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ આ ટીચરે નિર્દય થઈને સળગતી મીણબત્તી બાળકના હાથ પર મૂકી હતી. આ ક્રૂર કૃત્યથી બાળકના હાથ પર ફોલ્લા પડી ગયા હતા. આ ઘટના બની તે દિવસે આ પીડિત (Mumbai Crime) બાળકને તેની બહેન ટ્યુશન છોડવા માટે ગઈ પણ આ ઘટના બન્યા બાદ પેલો બાળક માનસિક આઘાતમાં સરી પડ્યો હતો અને ખુબ જ રડ્યા કરતો હતો. એટલે આ નિર્દયી મહિલા ટીચરે તેની બહેનને બોલાવીને તેના ભાઈને પાછો લઈ જવા માટે કહ્યું. બહેન જયારે પોતાના ભાઈને ટ્યુશનમાંથી પાછો ઘરે લાવવા માટે પહોંચી ત્યારે તેણે જોયું તો ભાઈ ખુબ જ રડતો હતો. વળી ભાઈના જમણા હાથમાં દાઝ્યાના નિશાન પણ દેખાતા હતા. બહેને ટીચરને આ બાબતે પૂછ્યું તો આરોપી ટીચરે કહ્યું કે તેનો ભાઈ ખોટું નાટક કરી રહ્યો છે. પરંતુ ઘરે પહોંચ્યા બાદ બાળકે તેના પિતાને કહ્યું હતું કે રાજશ્રી મેડમે સળગતી મીણબત્તી પર તેનો હાથ મૂક્યો હતો કારણકે તેના હેન્ડરાઇટિંગ ખરાબ હતા.
આ બીના બાદ બાળકને માનસિક આઘાત પણ લાગ્યો હતો. બાળકની ફરિયાદના આધારે આરોપી મહિલા ટીચરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 324 હેઠળ કેસ નોંધ્યો છે. ગુરુવારે આરોપી મહિલા ટીચરને બોરીવલી કોર્ટમાં (Mumbai Crime) રજૂ કરવામાં આવશે.
હાલમાં બાળકની સ્થિતિ અને પીડા ગંભીર હોઈ તેને કાંદિવલીની ડૉ. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. બાળકના પિતાનું કહેવું છે કે આટલી નાની ઉંમરના બાળકને આવી નિર્દયી સજા આપવી એ માત્ર શારીરિક ત્રાસ જ નહીં પરંતુ માનસિક સતામણી પણ છે. અહેવાલો અનુસાર આ આરોપી મહિલા ટીચરે ભૂતકાળમાં પણ બાળકોને આ પ્રકારની આકરી સજા આપી હતી. અત્યારે પોલીસે શિક્ષકની ધરપકડ (Mumbai Crime) કરી છે અને તપાસ ચાલી રહી છે.

