બૉયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા કરીને તેને ઘરમાં જ દાટી દીધો : ૧૫ દિવસથી અતોપતો નહોતો એટલે ઘરે આવી ચડેલા ભાઈને નવી ટાઇલ્સ જોઈને શંકા ગઈ અને એમાંથી ફૂટ્યો ભાંડો : બન્ને આરોપી ફરાર
જીવ ગુમાવનાર વિજય ચૌહાણ
નાલાસોપારામાં પત્નીએ પતિની હત્યા કરીને તેનો મૃતદેહ પોતાના જ ઘરમાં દાટી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. બૉયફ્રેન્ડની મદદથી ૧૫ દિવસ પહેલાં આ કાવતરાને અંજામ આપનારી ચમન ચૌહાણ અને તેનો પાડોશી પ્રેમી મોનુ વિશ્વકર્મા ફરાર છે. પોલીસે તેમની શોધખોળ આદરી છે.
ADVERTISEMENT
આરોપીની પત્ની ચમન ચૌહાણ અને તેનો બૉયફ્રેન્ડ મોનુ વિશ્વકર્મા
પોલીસે આપેલી માહિતી મુજબ નાલાસોપારા-ઈસ્ટમાં ધાનિવ બાગ વિસ્તારમાં સાઈ વેલ્ફેર સોસાયટીમાં રહેતી ચમન ચૌહાણને તેના પાડોશી ૨૨ વર્ષના મોનુ વિશ્વકર્મા સાથે આડા સંબંધો હતા. તેની જ મદદથી ચમને રિનોવેશન કૉન્ટ્રૅક્ટર તરીકે કામ કરતા તેના પતિ વિજય ચૌહાણની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે. હત્યા કર્યા બાદ કોઈને શંકા ન જાય એ માટે મૃતદેહને પોતાના જ ઘરમાં દાટી દીધો હતો. ૧૫ દિવસથી વિજયનો કોઈ અતોપતો નહોતો. એ દરમ્યાન વિજયનો ભાઈ તેને મળવા આવ્યો ત્યારે ચમને કહ્યું હતું કે તે કામસર બહાર ગયો છે, થોડા દિવસ પછી આવશે. ત્યાર બાદ ચમન તેના ૭ વર્ષના દીકરાને લઈને ફરાર થઈ ગઈ હતી. એ પછી તેનો બૉયફ્રેન્ડ મોનુ પણ ગાયબ છે. થોડા દિવસ પછી વિજયના ભાઈ અને કાકા ફરી ઘરે આવ્યા હતા ત્યારે ઘર બંધ હતું. શંકા જતાં તેમણે દરવાજો તોડીને ઘરની તપાસ કરી હતી. દરમ્યાન ફ્લોર પર અમુક ટાઇલ્સ નવી લાગતાં તેમને શંકા ગઈ હતી. ટાઇલ્સ કાઢતાં તેમને નીચેથી બનિયાન મળ્યું હતું. એ પછી ભારે દુર્ગંધ આવવા માંડતાં તેમણે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. સોમવારે પોલીસ અને ફૉરેન્સિક ટીમે ઘટનાસ્થળે જઈને વધુ સંશોધન કરતાં ૧.૫ ફુટ નીચેથી વિજયનો મૃતદેહ ઘરની ટાઇલ્સ નીચેથી નીકળ્યો હતો.
અત્યારે પોલીસે બન્ને આરોપીઓને પકડવા માટે સર્ચ-ઑપરેશન હાથ ધર્યું છે તેમ જ કોઈને આરોપીઓ મળે તો પોલીસને જાણ કરવાની સૂચના આપી છે. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
ફ્લોરની નીચેની એ જગ્યા જ્યાં મૃતદેહ દાટી દેવાયો હતો.
વિજયના મોબાઇલ પર OTP આવતા, એના ઉપયોગથી બૅન્કમાંથી પૈસા ઉપાડ્યા
પોલીસે જણાવ્યું હતું કે ‘વિજયની ઇન્શ્યૉરન્સ પૉલિસી પાકતાં તેને ૬ લાખ રૂપિયા મળ્યા હતા અને તેના બૅન્ક-અકાઉન્ટમાં ત્રણેક લાખ રૂપિયા હતા. તેને નવું ઘર લેવાની ઇચ્છા હતી તેમ જ તે હાલમાં જ્યાં રહેતો હતો એ ઘર પત્નીના નામે કર્યું હતું. મરનાર વિજયના ભાઈઓનું કહેવું છે કે ચમન બધા રૂપિયા લઈને ભાગી ગઈ છે. વિજયની હત્યા બાદ પૈસા ઉપાડવા માટે તેણે વિજયના મોબાઇલમાંથી જ ટ્રાન્ઝૅક્શન કર્યાં હતાં. એના વન ટાઇમ પાસવર્ડ (OTP) વિજયના મોબાઇલમાંથી મેળવ્યા હતા તેમ જ જુદાં-જુદાં ATMમાં જઈને પૈસા ઉપાડ્યા હતા.’
મૃતદેહને દાટવા માટે ખાડો ખોદવા અને ફરી ટાઇલ્સ બેસાડવા માટે જુદા-જુદા મજૂરોને બોલાવ્યા
ચમને પૂરા પ્લાનિંગ સાથે મર્ડર કર્યું હોવાનું જણાયું હતું. તેણે આશરે ૧૨ દિવસ અગાઉ મજૂરો બોલાવીને ૩.૫ ફુટ ઊંડો અને ૬ ફુટ લાંબો ખાડો ખોદાવ્યો હતો. એના બે દિવસ પછી ટાઇલ્સની દુકાનમાંથી બીજા મજૂરને બોલાવીને ૧૨૦૦ રૂપિયા આપીને ખાડો ખોદ્યો હતો એ જગ્યાએ નવી ટાઇલ્સ બેસાડી હતી. આ ખાડામાં પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને વિજયનો મૃતદેહ દાટવામાં આવ્યો હતો એમ પોલીસે જણાવ્યું હતું.

