મુંબઈનાં આ મંદિરોમાં બુધવારે પૂજ્ય જલારામબાપાની ૨૨૬મી જયંતી ઊજવાશે
જલારામ બાપા
જલારામ મંદિર, ભુલેશ્વર
ભુલેશ્વરના શ્રી જય જલારામબાપા ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાનારી ઉજવણીમાં સવારે ૯થી બપોરના ૧૨ વાગ્યા સુધી પાદુકાપૂજન, બપોરે ૧૨ વાગ્યે મધ્યાહ્ન મહાઆરતી તેમ જ બપોરે ૧૨થી બે વાગ્યા સુધી હાલાઈ લોહાણા મહાજનવાડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં સવારે ૧૦થી ૧૧.૩૦ વાગ્યા સુધી જલારામ મહિલા ભજન મંડળની બહેનો ભજનો જૂ કરશે. સાંજે ૬થી ૭ વાગ્યે શ્રી રામ ખીચડી વિતરણ અને ૭ વાગ્યે સંધ્યા મહાઆરતી થશે. આ ઉપરાંત રાતે ૮થી ૧૧ વાગ્યા સુધી કેતન કનબી અને સાથી ભજનિકો રંગ કસુંબલ ડાયરો પ્રસ્તુત કરશે. આ અંગે વધુ વિગતો માટે મંદિરના સેવક સુભાષ જાનીનો ૭૦૪૫૦ ૮૮૪૩૪ નંબર પર સંપર્ક કરવો.
ADVERTISEMENT
શ્રી જય જલારામધામ, ઘાટકોપર-ઈસ્ટ
ઘાટકોપર-ઈસ્ટમાં રાજાવાડી નાકા, એમ. જી. રોડ પર આવેલા શ્રી જય જલારામધામમાં પૂ. બાપાનાં દર્શન સવારે ૭થી બપોરના બે વાગ્યા સુધી અને સાંજે ૪થી ૧૧ વાગ્યા સુધી થશે. બપોરે ૧૨.૩૦થી બે વાગ્યા દરમ્યાન મહાપ્રસાદ યોજાશે. ઉત્સવની વધુ વિગતો માટે પૂ. જલારામબાપાના પરમ ઉપાસક વિરલ જોશીનો ૯૮૬૭૯ ૨૬૧૨૬ નંબર પર સંપર્ક કરવો.
દહિસરમાં જલારામજયંતીની ઉજવણી
દહિસર-ઈસ્ટમાં આવેલા આશિષ કૉમ્પ્લેક્સમાં બુધવાર ૨૯ ઑક્ટોબરે શ્રી જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આશિષ કૉમ્પ્લેક્સના કૉમન ગ્રાઉન્ડમાં યોજાનારી આ ઉજવણીમાં સાંજે ૭ વાગ્યે મહાઆરતી બાદ ૭.૩૦ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા ભક્તોને આ ઉજવણીમાં સહપરિવાર પધારવા આમંત્રણ છે.
શ્રી જય જલારામ રામરોટી ભંડાર મંદિર ટ્રસ્ટ દ્વારા કાંદિવલીમાં જલારામ જયંતી મહોત્સવનું આયોજન
કાંદિવલી-વેસ્ટમાં વ્યાસ ક્લાસિસની સામે આવેલા શ્રી જય જલારામ રામરોટી ભંડાર મંદિર ટ્રસ્ટ મુંબઈ દ્વારા બુધવારે ૨૯ ઑક્ટોબરે મહંત ધર્માનંદજી મહારાજના માર્ગદર્શનમાં ૨૨૬મી જલારામ જયંતી અને મંદિરનો બાવનમો પાટોત્સવ ભવ્યતાથી ઊજવાશે. સવારે ૫.૩૦ વાગ્યે મંગળસ્નાન અને મંગળાઆરતી, ૮.૩૦ વાગ્યે અભિષેક અને પૂજાપાઠનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૧.૩૦ વાગ્યે થાળ ધરાવવામાં આવશે. ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન બપોરે ૧૨થી ૩ વાગ્યા દરમ્યાન હાલાઈ લોહાણા મહાજનવાડીમાં કરવામાં આવ્યું છે. સાંજે ૭થી ૧૦ વાગ્યા દરમ્યાન જાણીતા કલાકાર બિંદુ ભટ્ટ અને સાથીઓ કસુંબલ ડાયરો અને ભજનની રમઝટ બોલાવશે. રાતે ૯થી ૧૦ વાગ્યા દરમ્યાન શ્રી વીરપુર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જયેશ શુક્લ કાર્યક્રમનું સંચાલન કરશે. ટ્રસ્ટીગણ દ્વારા સર્વે ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે.
કાંદિવલીમાં જલારામ જયંતી મહોત્સવની સાથે ડાયરો અને નિઃશુલ્ક તબીબી શિબિર
કાંદિવલી-વેસ્ટમાં RH-6, ગોકુલધામ સોસાયટી, દેવનગર, ભાટિયા સ્કૂલની બાજુમાં આવેલા બાપલી બંગલામાં જલારામ જયંતી નિમિત્તે ભજન-ડાયરો, મહાપ્રસાદ અને નિઃશુલ્ક તબીબી પરીક્ષણની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે સવારે ૭ વાગ્યે મંગળા આરતી અને સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી થશે. સવારે ૭થી સાંજે ૭ વાગ્યા સુધી સળંગ પૂ. બાપાનાં દર્શન થશે. આ ઉપરાંત સાંજે પાંચથી ૭ વાગ્યા સુધી રંગ કસુંબલ ડાયરો તેમ જ સાંજે ૭ વાગ્યા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરામાં જાણીતા ભજનિકો દુહા અને છંદની રમઝટ સાથે પૂ. બાપાનાં જાણીતાં ભજનો અને સંતવાણી પ્રસ્તુત કરશે. આ મંદિરમાં વિરપુરના પ્રખ્યાત શ્રી જલારામધામની જેમ કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી અને સમગ્ર ઉજવણી સર્વે ભક્તો/ વૈષ્ણવો માટે નિઃશુલ્ક છે.
આ ઉપરાંત નિ:શુલ્ક તબીબી પરીક્ષણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં જાણીતા ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. કપિલ લાલવાણી અને ચેસ્ટના નિષ્ણાત તબીબ/સ્પેશ્યલિસ્ટ ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. વિધિ જોબનપુત્રા અનુક્રમે મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઑર્ડર્સ, જૉઇન્ટ્સના દુખાવા, આર્થ્રાઇટિસ, રમતગમતમાં થયેલી નાની/મોટી ઈજાઓ અને શ્વાસોચ્છ્વાસની તકલીફો શરદી/કફ, ચેસ્ટ ઇન્ફેક્શન જેવી ફેફસાંની વિવિધ બીમારીઓ તેમ જ સમસ્યાઓનું નિદાન કરશે અને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ફિઝિયોથેરપી, આહાર અને દાંતની ચિકિત્સા તેમ જ નિદાન પણ કરવામાં આવશે. જલારામ જયંતી અને તબીબી ચિકિત્સા શિબિરની વધુ વિગતો માટે નરેશ જોબનપુત્રાનો ૯૮૨૧૧ ૧૨૭૯૬ નંબર પર સંપર્ક કરવો.


