લોકલ ટ્રેનની ભીડ ઓછી કરવા તમારા કર્મચારીઓને અલગ-અલગ ટાઇમે બોલાવો
પ્રતીકાત્મક તસવીર
લોકલ ટ્રેનમાં વધતી જતી મુસાફરોની ભીડને લીધે અનેક વાર મુસાફરોનો જીવ જોખમમાં મુકાય છે. આ પરિસ્થિતિમાંથી મુંબઈગરાઓને ઉગારવા માટે રેલવે પ્રશાસન દ્વારા અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. એમાંથી એક ઉપાય છે મુસાફરોની ઑફિસના સમયમાં ફેરફાર કરવાનો. ઑફિસ જવાના અને છૂટવાના સમયે પીક અવર્સમાં ટ્રેનો ઓવરક્રાઉડેડ થઈ જાય છે. એટલે જો ઑફિસો કર્મચારીઓના કામકાજના સમયમાં બદલાવ લાવે અથવા તો શિફ્ટ પ્રમાણે બોલાવાય તો પીક અવર્સની ભીડને અમુક હદે કાબૂમાં લઈ શકાય એવો પ્રસ્તાવ સેન્ટ્રલ રેલવેએ આશરે ૮૦૦ જેટલી ઑફિસો સમક્ષ રજૂ કર્યો છે.
એક રિપોર્ટ મુજબ ચાલુ વર્ષના જાન્યુઆરીથી મે મહિના વચ્ચે લોકલ ટ્રેન નેટવર્કમાં ૯૨૨ મુસાફરોએ જીવ ગુમાવ્યો છે. એમાંથી ૨૧૦ મુસાફરોનાં મૃત્યુ વધુ પડતી ભીડને લીધે ટ્રેનમાંથી પડી જવાને કારણે થયાં હતાં. સેન્ટ્રલ રેલવે પ્રશાસનના જણાવવા મુજબ સવારે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યાથી ૭ વાગ્યા સુધી પીક અવર્સમાં ટ્રેનો ઓવરક્રાઉડેડ હોય છે. જો ઑફિસોના ટાઇમમાં ફેરફાર કરવામાં આવે અને આખા દિવસમાં વિવિધ શિફ્ટ પ્રમાણે કર્મચારીઓને બોલાવવામાં આવે તો ટ્રેનોમાં પીક અવર્સની ભીડને હળવી કરી શકાય છે.
ADVERTISEMENT
સેન્ટ્રલ રેલવેમાં રોજ ૧૮૧૦ લોકલ ટ્રેન-સર્વિસ ચાલે છે, જેમાં આશરે ૩૫ લાખ મુસાફરો મુસાફરી કરે છે. લોકલ ટ્રેનની સર્વિસ વધારવા સાથે વધારાની લાઇન નાખવાની યોજના છે, પરંતુ તાત્કાલિક ધોરણે જો સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો ઑફિસના સમયમાં ફેરફાર કરી શકાય એમ સેન્ટ્રલ રેલવેનું માનવું છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી થાણે વચ્ચે આવેલી સરકારી અને પ્રાઇવેટ ઑફિસોને સેન્ટ્રલ રેલવેએ કામકાજના સમયમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે.
ગુરુપૂર્ણિમાનો ગજબ શણગાર
ગઈ કાલે ગુરુપૂર્ણિમા નિમિત્તે બૅન્ગલોરના શ્રી સાઈ સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં ફળો અને શાકભાજીનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો.

