Mumbai Police: એક મહિના માટે શહેરમાં ડ્રોન, રિમોટ-નિયંત્રિત માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, પેરા-ગ્લાઈડર અને હૉટ એર બલૂન વગેરેને ઉડાડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો.
મુંબઈ પોલીસની ફાઇલ તસવીર
Mumbai Police: મુંબઈવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ વક્ફ બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ જ સંદર્ભમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ સતર્ક થઈ છે. અને મુંબઈ પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે. મુંબઈ પોલીસે એક મહિના માટે શહેરમાં ડ્રોન, રિમોટ-નિયંત્રિત માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, પેરા-ગ્લાઈડર અને હૉટ એર બલૂન વગેરેને ઉડાડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ચોથી એપ્રિલથી પાંચમી મે સુધી કેટલાંક કાયદાઓનું કડકપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એમ મુંબઈ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓ અને અસામાજિક તત્વો દ્વારા હુમલા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. જેમાં ડ્રોન, રિમોટ-નિયંત્રિત માઇક્રોલાઇટ એરક્રાફ્ટ અને પેરાગ્લાઇડરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ખાસ કરીને આ પ્રકારના લોકો વીવીઆઈપીને ટાર્ગેટ બનાવી શકે છે. આને કારણે સામાન્ય લોકોના જીવનને જોખમ પણ રહેલું છે. જાહેર સંપત્તિને પણ નુકસાન થઈ શકે તેમ છે. આ બધી જ બાબતોને કારણે મુંબઈ પોલીસ (Mumbai Police) કમિશનરેટ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચી શકે છે. પણ, આવું કશું જ ન બને તે માટે આદેશ જારી કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Mumbai Police: મોટેભાગે હવામાં ઉડાડવામાં આવતી વસ્તુઓ કે મશીન દ્વારા સંભવિતરીતે તોડફોડ થઈ શકે છે. આ પ્રકારની ઘટના ન બ્ને તે માટે મુંબઈમાં આવા તત્વોની પ્રવૃત્તિઓ પર કેટલાક પ્રતિબંધો મૂકવાની જરૂર જણાઈ હતી. તે માટેના સુરક્ષા પગલાં તરફ નજર કરતાં આદેશ જારી કરવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર મુંબઈ પોલીસના અધિકારક્ષેત્રમાં ડ્રોન, રિમોટ-નિયંત્રિત માઇક્રોલાઇટ એરક્રાફ્ટ અથવા તો પેરાગ્લાઇડર વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસની હવાઈ દેખરેખ અથવા ડીસીપી (ઓપરેશન્સ)ની ચોક્કસ પરવાનગી હોય તો જ તે કરી શકાશે, નહિતર બિલકુલ જ નહીં. અને આ આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 (જાહેર સેવક દ્વારા જાહેર કરાયેલા કાયદેસરના આદેશની અવજ્ઞા) હેઠળ સજા કરવામાં આવશે.
આ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે (Mumbai Police) અંધેરી વિસ્તારમાંથી એક ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી સાત પિસ્તોલ અને ૨૧ લાઈવ રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. એમ પોલીસે બુધવારે જણાવ્યું હતું, અને ઉમેર્યું હતું કે તેમને શંકા છે કે એક સેલિબ્રિટી ગેંગને નિશાન બનાવી રહી છે. ચોક્કસ માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે શનિવારે તેમને દબોચી લેવામાં આવ્યા હતા, એમ અધિકારીઓ પાસેથી માહિતી મળી છે.

