થાણેમાં બુધવારે એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના ૩૭મા માળેથી કૂદી પડવાની ધમકી આપનારા ૨૭ વર્ષના મજૂરને સમજાવીને નીચે ઉતારવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના ૩૭મા માળે ચડેલા મજૂરે ત્રણ કલાક સુધી સુસાઇડ-નાટક કર્યું
થાણેમાં બુધવારે એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના ૩૭મા માળેથી કૂદી પડવાની ધમકી આપનારા ૨૭ વર્ષના મજૂરને સમજાવીને નીચે ઉતારવામાં આવ્યો હતો. વતનમાં પાછા જવાના પૈસા ન હોવાથી સતેન્દ્ર કુમાર નામના મજૂરે ફિલ્મી સ્ટાઇલમાં ૩૭મા માળે ચડીને બૂમાબૂમ કરી મૂકી હતી. અનેક લોકોના સમજાવ્યા છતાં તે માન્યો નહીં એટલે પોલીસ, ફાયર અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમે સાથે મળીને ત્રણ કલાક સુધી તેની સાથે વાટાઘાટ કરી હતી. આખરે તેને સમજાવીને નીચે ઉતારવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
બાવીસમા માળેથી કૂદવા તૈયાર ૬૦ વર્ષના વડીલને સમજાવીને ઘરે મોકલ્યા
અન્ય એક બનાવમાં મલાડ-ઈસ્ટના દુર્ગા માતા સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)ના મકાનમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધ વિવેક ગોગટેએ નજીકમાં આવેલા બાવીસ માળના બિલ્ડિંગ પર ચડીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. બિલ્ડિંગના રહેવાસીઓએ તાત્કાલિક કુરાર પોલીસને ખબર આપતાં પોલીસ અને ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમને સમજાવીને નીચે ઉતાર્યા બાદ કુરાર પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તેમનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. ગયા વર્ષે છૂટાછેડા થતાં માનસિક તાણને લીધે તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.


