મીડિયાથી ડર લાગે છે એવું કારણ આપીને ગઈ કાલે હાજર નહોતો રહ્યો : અમેરિકામાં બેઠેલા સમય રૈનાને પણ પાંચ દિવસની અંદર હાજર થવાનો આદેશ
રણવીર અલાહાબાદિયા, સમય રૈના
જાણીતો યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયા ગઈ કાલે પણ પોલીસ સમક્ષ હાજર ન રહેતાં ખાર પોલીસે તેને આજે હાજર રહેવાનું ફરમાન જાહેર કર્યું છે. આ સિવાય ખાર પોલીસ અને મહારાષ્ટ્ર સાઇબર ડિપાર્ટમેન્ટે પણ ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોના કર્તાહર્તા અને સ્ટૅન્ડઅપ કૉમેડિયન સમય રૈનાને આગામી પાંચ દિવસની અંદર હાજર થવાનો આદેશ આપ્યો છે.
અત્યારે અમેરિકામાં હોવાથી સમયે ૧૭ માર્ચ સુધીનો સમય પોલીસ પાસે માગ્યો હતો, પણ પોલીસે એનો ઇનકાર કરી દીધો છે. ગઈ કાલે પોલીસ સામે હાજર ન રહેવા બદલ રણવીરે કહ્યું હતું કે તેને મીડિયાનો ડર લાગી રહ્યો છે એટલે તે નહોતો આવ્યો.
ADVERTISEMENT
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં અશ્લીલ ટિપ્પણી કરવા બદલ પોલીસે રણવીર અલાહાબાદિયા, સમય રૈના, ઇન્ફ્લુએન્સર અપૂર્વા માખીજા, આશિષ ચંચલાણી સહિત સાત જણને તપાસ માટે બોલાવ્યાં છે. એ સિવાય મુંબઈ પોલીસે આ શોના જૂના શોમાં હાજર રહેલા સ્પર્ધક અને ગેસ્ટને પણ તપાસ માટે બોલાવ્યા છે.
મુંબઈ પોલીસે સમયને સોમવાર સુધીમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવા માટે આવવા કહ્યું છે, જ્યારે સ્ટેટ સાઇબર ડિપાર્ટમેન્ટે તેને મંગળવાર સુધીમાં હાજર રહેવાના સમન્સ મોકલાવ્યા છે.
બીજી બાજુ આસામમાં પણ કેસ રજિસ્ટર થયો હોવાથી ત્યાંની પોલીસ પણ હમણાં તપાસ માટે મુંબઈમાં છે અને ગઈ કાલે તેઓ સ્ટેટ સાઇબર ડિપાર્ટમેન્ટના અધિકારીઓને મળ્યા હતા.
ખાર પોલીસે અત્યાર સુધીમાં અપૂર્વા માખીજા, આશિષ ચંચલાણી સહિત સાત જણનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં છે, પણ હજી સુધી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ નથી કર્યો. જ્યારે સ્ટેટ સાઇબર ડિપાર્ટમેન્ટે રણવીર અલાહાબાદિયાએ પૂછેલા અભદ્ર સવાલના સંદર્ભમાં FIR દાખલ કર્યો છે અને ૪૦ જેટલા લોકોને તપાસ માટે હાજર થવા કહ્યું છે.

