ચહેરા પર નાક અને એની આજુબાજુના ભાગને કવર કરતો એક ત્રિકોણ દોરીએ તો આટલા ભાગમાં રહેલી રક્તવાહિનીઓ સીધી મગજ સાથે જોડાયેલી હોય છે
પ્રતીકાત્મક તસવીર
ચહેરા પર નાક અને એની આજુબાજુના ભાગને કવર કરતો એક ત્રિકોણ દોરીએ તો આટલા ભાગમાં રહેલી રક્તવાહિનીઓ સીધી મગજ સાથે જોડાયેલી હોય છે. આ જગ્યાએ જો વ્યક્તિને ખીલ થાય અને એને ખોદવામાં આવે તો એ ઇન્ફેક્શન સીધું મગજ સુધી પહોંચી શકે છે. જોકે આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળે છે છતાં ખીલ ખોદવાથી કે ફોડવાથી બચવું જરૂરી તો છે જ
શરીર એક એવું મશીન છે જેના વિશે માણસજાત વર્ષોથી રિસર્ચ કરી રહી છે. એનું મેકૅનિઝમ એવું છે કે એને સંપૂર્ણ રીતે જાણવું ક્યારેક અશક્ય લાગે. આપણે સામાન્ય મનુષ્યો તો આમ પણ ઘણી બાબતોથી અજાણ છીએ પણ આજે મેડિકલ સાયન્સ શરીરવિજ્ઞાન વિશે ઘણું જાણે છે. ભાગ્યે જ લોકોને ખબર છે કે તેમના ચહેરા પર એક ત્રિકોણ છે જેને ડેન્જર ટ્રાયેન્ગલ ઑફ ધ ફેસ કહેવાય છે. આ ત્રિકોણ ઉપર દેખાતો નથી. નાકને એકદમ મધ્યમાં રાખીને જો એક નાનું ત્રિકોણ દોરીએ તો આખું નાક, ગાલનો થોડો ભાગ અને હોઠની ઉપરની બાજુને સામેલ કરતો એક ત્રિકોણ બને છે. આ ત્રિકોણનું નામ ડેન્જર ટ્રાયેન્ગલ એટલે કે ચહેરાનો ખતરનાક ત્રિકોણ કહેવાય છે. એવું શું છે આ ત્રિકોણમાં જે એને ખતરનાક બનાવે છે એ આજે સમજવાની કોશિશ કરીએ.
ADVERTISEMENT
ચહેરા પર ખીલ થવા એક સામાન્ય બાબત છે પરંતુ આ ખીલ કઈ જગ્યાએ થાય છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. જો આ ખીલ આપણે જે વાત કરી એ ત્રિકોણની અંદર થાય છે તો થોડી સાવધાની રાખવાની જરૂર છે. એ વિશે વાત કરતાં જાણીતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘સામાન્ય રીતે ખીલ થાય અને એ પાકે એટલે લોકોને એ ખીલ ફોડવાની આદત હોય છે. આપણે જે ત્રિકોણ વિશે વાત કરતા હતા આ એ એરિયા જ છે જ્યાં ખીલ થતા રહેતા હોય છે. એટલે ખીલ થાય એનો વાંધો નથી; પણ એ ખીલને ફોડવાના નથી, નખથી ખોતરવાના નથી. જો આવું કરીએ તો સ્કિન મારફત ઇન્ફેક્શન સીધું મગજ સુધી જઈ શકવાની પૂરી શક્યતા છે. મગજમાં જો ઇન્ફેક્શન થાય તો વ્યક્તિને આ ઇન્ફેક્શન મૃત્યુ સુધી લઈ જઈ શકે છે. જોકે મારાં આટલાં વર્ષોના અનુભવમાં એવો એક પણ કેસ સામે આવ્યો નથી કે વ્યક્તિને આવું થયું છે. જોકે એનો અર્થ એવો પણ નથી કે એવું થઈ ન શકે. શરીરરચના અનુસાર એવું ચોક્કસ થઈ શકે છે. જે વિજ્ઞાનને આપણે જાણીએ અને સમજીએ છીએ એ અનુસાર એક નાનકડી ખીલ ફોડવા જેવી ઍક્ટિવિટી તમને મોટા સંકટમાં મૂકી શકે છે અને જીવનું જોખમ ઊભું કરી શકે છે.’
એક પ્રકારનું ઇન્ફેક્શન
આ ખતરનાક ત્રિકોણ વિશે જાણતાં પહેલાં અમુક મૂળભૂત બાબતો સમજાવતાં, એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘આ બાબતને સમજવા માટે પહેલાં તો એ સમજવું પડે કે ચામડી એક એવું લેયર છે જે શરીરને ઉપરથી પ્રોટેક્ટ કરે છે. ચામડીનું કામ એ જ છે કે બહારથી કોઈ વાઇરસ કે બૅક્ટેરિયા સીધો શરીરમાં ન પ્રવેશી શકે એનું ધ્યાન રાખવું. બીજું એ કે પિમ્પલ કે ખીલ બીજું કંઈ નહીં પરંતુ ચામડી પર થનારું બૅક્ટેરિયલ ઇન્ફેક્શન છે.’
તો હવે લાગે કે જો એ ઇન્ફેક્શન છે તો એનો અર્થ એ કે એનો ઇલાજ કરવો જરૂરી છે, પણ ઘણા લોકો છે જે ખીલનો ઇલાજ કરાવતા નથી. તો શું એ ખોટું છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘ખીલ એક ઇન્ફેક્શન છે પણ એ સેલ્ફ-લિમિટિંગ છે. સ્કિનના એ નાનકડા ભાગ પર થયેલું એવું ઇન્ફેક્શન જેની સાથે આપણું શરીર લડી શકે એમ છે. ખીલનો ઇલાજ એટલે નથી કરાવવાનો હોતો કે એ એક ઇન્ફેક્શન છે, પરંતુ લોકો એટલે કરાવે છે કારણ કે એ ખીલ ક્યારેક ચહેરા પર સ્કાર કે ડાઘ છોડીને જાય છે જેને દૂર કરવો બિલકુલ સરળ નથી. એ સ્કાર ન થાય અને ખીલવાળો ચહેરો સારો ન દેખાય એટલે લોકો એનો ઇલાજ કરાવે છે. ખીલનો ઇલાજ અતિ સરળ છે. સ્કિનની કોઈ પણ તકલીફ શરૂ થાય અને ત્યારે તમે ઇલાજ કરાવો તો એ તમને નુકસાન કર્યા વગર, સરળતાથી દૂર થાય છે. જો એ ન કરાવો તો એ તકલીફ લંબાય છે અને એને કારણે કૉમ્પ્લેક્સિટી ઉત્પન્ન થાય છે.’
ખીલને ખોદો નહીં
પરંતુ ખીલ તો આખા ચહેરા પર થઈ શકે છે તો પછી આ ત્રિકોણમાં જ એવું શું છે જેને કારણે આ બાબત ગંભીર સાબિત થઈ શકે છે? આ બાબત સમજાવતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘આમ તો આખા શરીરની રક્તવાહિની એકબીજા સાથે જોડાયેલી છે અને મગજ સુધી પહોંચે છે, પરંતુ જે ત્રિકોણની આપણે વાત કરી રહ્યા છીએ એ જગ્યાની રક્તવાહિની સીધી મગજ સાથે જોડાયેલી છે. જ્યારે તમે ખીલને ખોદો છો કે તોડો છો ત્યારે એ ભાગ ખુલ્લો બને છે. તમારા નખમાંથી કે બહારથી કે પછી ખીલ જે પોતે એક બૅક્ટેરિયલ ઇન્ફેક્શન જ છે એમાંથી જ વાઇરસ કે બૅક્ટેરિયા એમાં પ્રવેશી શકે છે અને એ રક્તવાહિનીઓમાંથી સીધો મગજ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. હજી પણ એ વાત એટલી જ સાચી છે કે આવી રીતે મૃત્યુ થવાના કેસ ભાગ્યે જ જોવા મળે પણ સમજવાનું એ છે કે શરીરવિજ્ઞાન મુજબ એવું થઈ જ શકે છે એટલે ખીલ ખોદવું નહીં. એ ભાગમાં ખીલ થાય અને એ એની મેળે ફૂટે ત્યારે પણ ધ્યાન રાખવું કે એને ડિસઇન્ફેક્ટન્ટ ક્રીમ લગાડી દેવી પણ ખોદવું તો નહીં જ.’
ખીલને ફોડવાને બદલે શું કરવાનું?
ખીલ પર ગરમ શેક કરી શકાય. ગરમ પાણીમાં કપડું નિચોવીને ચહેરા પર ખીલ હોય ત્યાં ૧૦-૧૫ મિનિટ લગાડવું જેનાથી એમાં રહેલું પસ બહાર આવી જાય અને હીલિંગ પ્રોસેસ જલદી શરૂ થઈ શકે. આજની તારીખે ખીલ પર લગાડવા માટે પૅચ આવે છે જે આખું પસ ચૂસી લે છે અને પ્રોસેસ સરળ બનાવે છે. જો તમને વધુ ખીલની સમસ્યા હોય તો ડર્મેટોલૉજિસ્ટને મળો અને ઇલાજ શરૂ કરી શકો છો.
ડરવું નહીં, સાવધાન રહેવું જરૂરી
જો નાક પાસેનો ભાગ આટલો સંવેદનશીલ હોય તો મોટા ભાગના વાઇરલ અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શનની અસર આ ભાગ પર તો થાય છે તો શું ત્યારે એ ઇન્ફેક્શન મગજમાં નથી પહોંચતું? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘ના, આ ઇન્ફેક્શનને કારણે આવતો કફ કે મ્યુકસ હાડકાં અને સ્નાયુઓને અસર કરે છે. એને લોહી સાથે કોઈ નિસબત નથી, જ્યારે ખીલનું ઇન્ફેક્શન લોહી સાથે સીધો સંબંધ ધરાવે છે. એટલે શરદી થાય કે સાયનસની તકલીફ થાય તો એ ઇન્ફેક્શન મગજમાં ફેલાવાની બીક રહેતી નથી. પણ ખીલનું ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. સાંભળવામાં એવું લાગે કે ખીલ થાય તો એનાથી કોઈ માણસ મરી થોડું જાય? શારીરિક રીતે એ શક્ય છે, પણ ભાગ્યે જ એવું બને છે. એટલે ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાન રહેવું જરૂરી છે.’
ફિલર્સ
નાક આમ પણ અતિ સંવેદનશીલ જગ્યા છે એ સમજાવતાં ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘ફિલર્સ ઘણા સેફ હોઈ છે છતાં હું ક્યારેય નાક પર ફિલર્સ લગાડતી નથી. એનું કારણ છે કે ત્યાં ફિલર્સ નુકસાનકારક હોય શકે છે. એક તો જગ્યા ઓછી છે અને મગજ સાથેના સીધા કનેક્શનને તમે અવગણી ન શકો. એટલે ચહેરાના બીજા ભાગોમાં ફિલર્સ જે એકદમ સેફ છે એ નાક માટે ન કહી શકાય.’

