Satara: નશામાં ધૂત રિક્ષાચાલક ખંડોબા માળથી માર્કેટ યાર્ડ રોડ સુધી મહિલાને ઘસેડીને લઇ ગયો હતો. તે દરમિયાન તેણે કેટલાક અન્ય ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરને પણ અડફેટે લીધા હતા
વાઈરલ વિડિયોમાંથી સ્ક્રીન શૉટ
સતારા (Satara)માંથી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક નશામાં ધૂત રિક્ષાચાલકે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ઘસડી નાખી હતી. સતારામાં ખંડોબા માળથી લઈને ઠેઠ માર્કેટ યાર્ડ સુધી રિક્ષાચાલકે આ ગેરવર્તન કર્યું હતું. તેણે એકસાથે અનેક અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા. રિક્ષાચાલકે મહિલા પોલીસ ઇન્સ્પેકટરને લગભગ ૧૦૦ મીટર સુધી ઘસડી હતી. મહિલા પોલીસને ઘણી ઈજાઓ પહોંચી છે.
રિપોર્ટ અનુસાર નશામાં ધૂત રિક્ષાચાલક ખંડોબા માળથી માર્કેટ યાર્ડ રોડ સુધી મહિલાને ઘસેડીને લઇ ગયો હતો. તે દરમિયાન તેણે કેટલાક અન્ય ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરને પણ અડફેટે લીધા હતા. ટ્રાફિક શાખાની મહિલા કોન્સ્ટેબલે જ્યારે આ રિક્ષાચાલકને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ડ્રાઈવરે તેનો હાથ પકડી લીધો હતો અને ઝડપી ગતિએ રિક્ષા ચલાવી હતી. જેને કારણે લગભગ ૧૦૦ મીટર સુધી મહિલા કોન્સ્ટેબલ રસ્તા પર ઘસડાઈ હતી આ દરમિયાન (Satara) લોકો માર્કેટ યાર્ડની શેરીઓમાં આ મહિલાને બચાવવા માટે દોડતા જોવા મળ્યાં હતા. આ બીનામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. મહિલા કોન્સ્ટેબલને ઘસડીને લઈ જતા રિક્ષા ચાલકથી તેને છોડાવવા માટે બીજા લોકો રિક્ષાની પાછળ દોડ્યા હતા. પણ પેલા નરાધમે રિક્ષા એટલી પૂરગતિએ હંકારી હતી કે મહિલાના હાલ બેહાલ થઇ ગયા હતા. આખરે લોકોએ રિક્ષાને રોકી નાખી હતી. ડ્રાઈવર દારૂના નશામાં હોઈ એને કોઈ ભાન નહોતું. ઈજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હાલ, પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
આ ઘટના (Satara)નો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જે આ બનાવ બન્યો તે વિસ્તારમાંની દુકાનોમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ઝડપાયો હતો. ઘટનાનું ભયાનક દ્રશ્ય જોઈ લોકોમાં રોષ ફેલાયો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે લોકો મહિલા કોન્સ્ટેબલને ઓટોની પાછળ ઢસડાતી જોઈને તેને બચાવવા ભાગી રહ્યાં છે. આખરે સ્થાનિકોએ રિક્ષાચાલકને પકડી જ પાડ્યો હતો અને તેને પોલીસને સોંપી દીધો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના બાદ સતારા (Satara)માં ટ્રાફિકના નિયમોમાં થતાં ભંગનો પ્રશ્ન ફરી તેજ બન્યો છે. હવે તેમાં રિક્ષાચાલકોના આવા ખોટા વર્તનથી લોકોમાં નારાજગી છે. લોકો કહી રહ્યાં છે કે ઓટો રિક્ષાચાલકો ક્યારેય ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી અને મુસાફરો પાસેથી અતિશય દરે પૈસા વસુલે છે. એટલું જ નહીં લોકો દારૂ પીને વાહન ચલાવવાની અને મહિલાઓની પજવણીની પણ ફરિયાદ કરી રહ્યા છે.
હાલ તો આ મહિલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાથી સારવાર ચાલી રહી છે. રિક્ષાડ્રાઈવરે બીજા છથી સાત વાહનોને પણ અડફેટે લીધા હતા. અન્ય કોઈના ઘાયલ થયાના અહેવાલ નથી.

