Mumbai Rains: આગામી ત્રણ દિવસ મુંબઈ શહેર અને ઉપનગરમાં ભારે વરસાદ સાથે પૂરનું પણ જોખમ, આઇએમડીએ ૨૧ ઓગસ્ટ સુધીની ચેતવણી આપી
સોમવારે સાયનના એવરાર્ડ નગરમાં પાણી ભરાયેલા રસ્તા પર લોકો વાહન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા (તસવીરઃ શાદાબ ખાન)
છેલ્લા ચાર-પાંચ દિવસથી મુંબઈ (Mumbai)માં વરસાદનું ભારે જોર છે. આજે બીજા દિવસે પણ શહેર અને ઉપનગરમાં ધોધમાર વરસાદ (Mumbai Rains) ચાલુ જ છે. ત્યારે હવામાન વિભાગે મુંબઈકર્સને સાચવવાની સલાહ આપી છે અને શહેર તેમજ ઉપનગરમાં ૨૧ ઓગસ્ટ સુધી ભારે વરસાદ અને પૂરના જોખમની ચેતવણી આપી છે.
ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department - IMD)એ સોમવારે જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ સુધી મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે. બંગાળની ખાડી (Bay of Bengal), અરબી સમુદ્ર (Arabian Sea) અને પશ્ચિમ કિનારા (West Coast) પર હાલમાં સક્રિય અનેક હવામાન પ્રણાલીઓને કારણે આ ભારે વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
IMDના જણાવ્યા અનુસાર, પશ્ચિમ-મધ્ય અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર એક સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર ચાલુ છે, જે ઉત્તર આંધ્રપ્રદેશ (Andhra Pradesh) અને દક્ષિણ ઓડિશા (Odisha)ના દરિયાકાંઠે ફેલાયેલો છે, અને સરેરાશ સમુદ્ર સપાટીથી ૯.૬ કિમી ઉપર ચક્રવાતી પરિભ્રમણ સાથે સંકળાયેલ છે.
ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાત (Gujarat) પર એક ઉપરી-હવા ચક્રવાતી પરિભ્રમણ પણ છે, જ્યારે ૧૯°N અક્ષાંશ પર એક શીયર ઝોન અને દક્ષિણ કોંકણ (Konkan)થી ઉત્તર કેરળ (Kerala) સુધી એક ઓફશોર ટ્રફ ચોમાસાની પ્રવૃત્તિને વધુ વધારી રહ્યા છે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
આ સંયુક્ત પ્રભાવ હેઠળ, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક વરસાદની ગતિવિધિઓ જોવા મળે તેવી શક્યતા છે. જેમાં ૨૧ ઓગસ્ટ સુધી અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને છૂટાછવાયા અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ, વીજળી અને ક્યારેક ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે.
એટલે માછીમારોને ખુલ્લા સમુદ્રમાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ મહારાષ્ટ્ર (Maharashtra)ના દરિયાકાંઠે બંદર ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યાં પવનની ગતિ ૪૫થી ૫૫કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે, જે ૬૫ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરમિયાન, મુંબઈ અને કોંકણના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
મુંબઈમાં વરસાદની વાત કરીએ તો, સોમવારે સવારે ૮ વાગ્યાથી મંગળવારે સવારે ૮ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં સરેરાશ વરસાદની વાત કરીએ તો આઇલેન્ડ સિટીમાં ૧૮૬.૪૩ મીમી, પૂર્વીય ઉપનગરોમાં ૨૦૮.૭૮ મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં ૨૩૮.૧૯ મીમી વરસાદ નોંધાયો છે.
ધોધમાર વરસાદને લીધે મુંબઈ અને ઉપનગરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં છે. વાહનવ્યવહાર અને રેલ વ્યવહારને પણ અસર પડી છે. જોકે સત્તાવાળાઓ મુંબઈ અને મુંબઈકર્સની સુરક્ષા માટે સતત કાર્યરત છે અને જરુરી પગલાં લઈ રહ્યાં છે.

