દિલ્હી હાઈ કોર્ટે સલમાન ખાનની અરજી પર સુનાવણી ૬ જુલાઈ સુધી મુલતવી રાખી
ફિલ્મો પોસ્ટર
ગઈ કાલે દિલ્હી હાઈ કોર્ટે સલમાન ખાન દ્વારા ફિલ્મ ‘કાલા હિરન : ધ બૅટલ ફૉર લીગલ’ની રિલીઝ પર રોક લગાવવાની માગણી કરતી અરજીની સુનાવણી ૬ જુલાઈ સુધી મુલતવી રાખી હતી. કોર્ટે નોંધ્યું કે ફિલ્મ હજુ સુધી રિલીઝ માટેના પ્રમાણપત્ર માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન પાસે મોકલવામાં આવી નથી.
સલમાન ખાનના વરિષ્ઠ વકીલે દલીલ કરી હતી કે ફિલ્મની સંભવિત રિલીઝ અટકાવવા માટે તાત્કાલિક આદેશ જરૂરી છે. જોકે ફિલ્મના નિર્માતાઓ તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે ૬ જુલાઈ સુધી ફિલ્મને સેન્સર બોર્ડ પાસે સર્ટિફિકેશન માટે મોકલવામાં આવશે નહીં.
ADVERTISEMENT
સલમાને ગયા મહિને દિલ્હી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે આ ફિલ્મ તેની સાથે જોડાયેલા કાળા હરણના શિકારના કેસ પર આધારિત હોવાનું જણાય છે અને એ પર્સનાલિટી રાઇટ્સને સુરક્ષિત રાખતા હાઈ કોર્ટના અગાઉના આદેશનું ઉલ્લંઘન કરે છે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે રાજસ્થાનની એક અદાલતે સલમાનને આર્મ્સ ઍક્ટ હેઠળના આરોપોમાં નિર્દોષ જાહેર કર્યો હતો, પણ ફિલ્મના પોસ્ટરમાં મુખ્ય પાત્રને બંદૂક સાથે દર્શાવવામાં આવ્યું છે જે તેની બદનક્ષી કરે છે.
અરજીમાં ફિલ્મનિર્માતાઓ પર એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ કાળા હરણના શિકારના કેસને જાણીજોઈને સનસનાટીભર્યો બનાવીને સલમાન ખાનની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાના ભોગે ચર્ચા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
