એ સમયે મને બીજી કસરત સાથે વેઇટલિફ્ટિંગ કરવાનું ખૂબ ગમતું હતું. ચાર-પાંચ મહિના સુધી જિમમાં કસરત કર્યા બાદ સફળતાપૂર્વક ૨૦૦ કિલો વજન હું ઉપાડી લેતો હતો
૧૭ વર્ષના જીત રાજપૂત
નેપાલના કાઠમાંડુમાં આયોજિત એશિયન પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2025માં ઘાટકોપર-વેસ્ટની કામા ગલીની કર્મકિરણ સોસાયટીમાં રહેતા ૧૭ વર્ષના જીત રાજપૂતે અન્ડર-18 માટે આયોજિત સબ-જુનિયર કૅટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નેપાલી યુથ ફિટનેસ ઍન્ડ કૅલિસથેનિક્સ દ્વારા ૧૫થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા અમેરિકા, પાકિસ્તાન, બંગલાદેશ, શ્રીલંકા સહિત ૧૦ કરતાં વધારે દેશોમાંના રમતવીરોએ ભાગ લીધો હતો. એ ઉપરાંત ભારતભરમાંથી ૭૦ જેટલા રમતવીરોએ પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.
વિદ્યાવિહારની એસ. કે. સોમૈયા કૉલેજમાં બારમા ધોરણમાં ભણતા જીતે ગોલ્ડ મેડલની સિદ્ધિ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપર-ઈસ્ટના રાજાવાડીમાં આવેલા પર્ફેક્ટ ફિટનેસ જિમમાં હું ઑક્ટોબર ૨૦૨૪ જોડાયો હતો. એ સમયે મને બીજી કસરત સાથે વેઇટલિફ્ટિંગ કરવાનું ખૂબ ગમતું હતું. ચાર-પાંચ મહિના સુધી જિમમાં કસરત કર્યા બાદ સફળતાપૂર્વક ૨૦૦ કિલો વજન હું ઉપાડી લેતો હતો. એ દરમ્યાન મારા જિમના સર પ્રશાંત જાધવે મને વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં હાથ અજમાવવાનું સૂચન કર્યું હતું. એ માટેની તૈયારી કરીને ફેબ્રુઆરીથી હું પ્રૅક્ટિસ કરવા માંડ્યો હતો. જૂનમાં પાવરલિફ્ટિંગની સ્ટેટ લેવલની સ્પર્ધા વિક્રોલીમાં યોજાઈ હતી જેમાં મને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ત્યાર બાદ ઑગસ્ટની શરૂઆતમાં નૅશનલ લેવલની પાવરલિફ્ટિંગ સ્પર્ધા ગુજરાતના મહેસાણામાં યોજાઈ હતી એમાં પણ મેં સિલ્વર મેડલ મેળવ્યો હતો. સાથે-સાથે મેં એશિયન પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2025 માટે પણ તૈયારી કરી લીધી હતી. ૧૫ ઑગસ્ટે આયોજિત અન્ડર-18 માટેની સબ-જુનિયર કૅટેગરીમાં મેં ૩૨૦ કિલો વેઇટલિફ્ટિંગ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.’

