મુંબઈનો સ્વિમર હીર શાહ ભારતીય સ્વિમિંગ ટીમ સાથે એશિયન ગેમ્સમાં ભાગ લેવા જપાન માટે રવાના થયો
હીર શાહ
પહેલી વાર એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલો મુલુંડનો હીર શાહ વાશીમાં છેલ્લા એકાદ વર્ષથી કરી રહ્યો હતો આકરી મહેનત: એશિયન ગેમ્સમાં સ્વિમિંગમાં ૫૦ મીટરની ફ્રી સ્ટાઇલ અને ૪ X ૧૦૦ મીટરની રીલે સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરશે
જપાનમાં રમાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ગઈ કાલે ભારતીય સ્વિમિંગ ટીમ સાથે મુંબઈનો સ્વિમર હીર શાહ રવાના થયો હતો. ઉત્સાહથી ભરપૂર ટીમના સભ્યો સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની ખેવના સાથે જઈ રહેલી ટીમના સભ્ય હીર શાહે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘ભારત માટે એશિયન ગેમ્સમાં પહેલી વાર રમવાનો મોકો મળ્યો છે તો દેશ માટે મેડલ જીતી લાવીશ.’
ADVERTISEMENT
અમદાવાદમાં ભારતીય સ્વિમિંગ ટીમના સેન્ડ-ઑફ સમારંભમાં અધિકારીઓ અને મહાનુભાવોએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
જપાનના આઇચી-નાગોયા ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે પસંદગી પામેલી ભારતીય સ્વિમિંગ ટીમનો સેન્ડ-ઑફ સમારંભ અમદાવાદમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના નૅશનલ સેન્ટર ફૉર સ્પોર્ટ્સ એક્સલન્સ ખાતે ગઈ કાલે યોજાયો હતો. કોચિંગ સ્ટાફ અને અધિકારીઓએ એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓને તિલક કરીને મેડલ જીતવા માટેની શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
મુલુંડમાં રહેતા હીર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એશિયન ગેમ્સમાં હું પહેલી વાર ભાગ લેવા જઈ રહ્યો છું જેમાં હું ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ અને ૪ X ૧૦૦ મીટર રીલે સ્પર્ધામાં ભાગ લેવાનો છું. નવી મુંબઈના વાશીમાં આવેલા ફાધર અગ્નેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં કોચ ગોકુલ કામતના માર્ગદર્શનમાં સ્વિમિંગની પ્રૅક્ટિસ કરું છું. તે મને છેલ્લાં ૧૦ વર્ષથી કોચિંગ કરાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સખત પ્રૅક્ટિસ કરી છે. પહેલી વાર એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યો છું અેથી બહુ જ એક્સાઇટેડ છું. મને મેડલ જીતવાની પૂરી આશા છે. કન્ટ્રીને રીપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો છે તો દેશ માટે મેડલ જીતવાની તમન્ના છે અને આશા રાખું છું કે સ્વિમિંગની સ્પર્ધામાં મેડલ જીતી લાવીશ.’
કમ્પ્યુટર સાયન્સમાં બૅચલર થયેલા પચીસ વર્ષના હીર શાહે કહ્યું હતું કે ‘મારા પિતા ગીતેશ શાહ, મમ્મી પ્રીતિ અને બહેન આસ્થાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. તેઓ તો મારા કરતાં પણ મારી રમત માટે વધુ ઉત્સુક છે. હું મેડલ જીતી લાવું અે માટે આશીર્વાદ આપ્યા છે. અત્યાર સુધીમાં મેં સ્ટેટ અને નૅશનલ લેવલની સ્વિમિંગ સ્પર્ધાઓમાં ઓવરઑલ ૧૫ જેટલા મેડલો જીત્યા છે જેમાં નૅશનલ લેવલે બે ગોલ્ડ મેડલ સહિત સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.’
