પાંચ જણનો જીવ લેનારી મુંબ્રા લોકલ ટ્રેન ટ્રૅજેડીમાં સેન્ટ્રલ રેલવેના બે એન્જિનિયરો સામે FIR : બે ફાસ્ટ ટ્રૅક વચ્ચેનું અંતર અને જોખમી વળાંક પરની સ્પીડ-લિમિટ જેવી મહત્ત્વની ગણતરીમાં ભૂલ થઈ હોવાની શક્યતા
					
					
દુર્ઘટનાની ફાઇલ તસવીરો
મુંબ્રા રેલવે-સ્ટેશન નજીક જૂનમાં ચાલતી ટ્રેનમાંથી પાટા પર પડી ગયેલા પાંચ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આ બનાવને અત્યાર સુધી અકસ્માત તરીકે જોવામાં આવ્યો હતો અને રેલવે-ટ્રૅકની ડિઝાઇન તથા લોકલ ટ્રેનની ભીડને દોષ આપવામાં આવતો હતો, પણ ગવર્નમેન્ટ રેલવે પોલીસે (GRP) આ ઘટના માટે સેન્ટ્રલ રેલવેના બે એન્જિનિયરો વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.
૯ જૂને મુંબ્રામાં બનેલી દુર્ઘટના માટે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને એની તપાસ હાથ ધરવામાં આવી હતી. મહિનાઓની સઘન તપાસ બાદ થાણે GRPએ રવિવારે સેન્ટ્રલ રેલવેના બે એન્જિનિયરોની બેદરકારીને લીધે આ અકસ્માત થયો હોવાના આરોપસર હવે ADRને FIRમાં ફેરવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
તપાસ દરમ્યાન એન્જિનિયરિંગ અને મેઇન્ટેનન્સને લગતા અમુક ચોક્કસ સવાલ અને એના જવાબની ટેક્નિકલ દૃષ્ટિએ થયેલા ઍનૅલિસિસને પગલે રેલવે-પોલીસ દુર્ઘટના માટે બે જવાબદાર અધિકારીઓની સંડોવણીના નિષ્કર્ષ સુધી પહોંચી હતી. મુંબ્રા રેલવે-સ્ટેશન પર ટ્રૅકના જોખમી વળાંક પર ૧૦૫ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ-લિમિટ પર ટ્રેન દોડાવી શકાય અને વળાંકવાળા સ્ટ્રેચ પર બે ફાસ્ટ ટ્રૅક વચ્ચેના અંતર (લૅટરલ ડિસ્ટન્સ) વિશે લેવાયેલા મૂળ નિર્ણયને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો તેમ જ દુર્ઘટના પહેલાં એ સ્થળે મેઇન્ટેનન્સ અને રિપેરિંગના કામની શું સ્થિતિ રહી હતી એવી બાબતોને ધ્યાનમાં લઈને આ કેસમાં બે એન્જિનિયરોની બેદરકારી હોવાના આરોપસર FIR નોંધવામાં આવ્યો છે.
સેન્ટ્રલ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઇન્ટર્નલ તપાસ હાથ ધરશે અને જો વધુ અધિકારીઓની સંડોવણી જણાશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની તૈયારી બતાવવામાં આવી છે.
		        	
		         
        

