નાલાસોપારાની ગમખ્વાર ઘટના : લોકોએ ગુસ્સામાં ટ્રકને આગ ચાંપી દીધી
ટ્રકની નીચે સ્કૂટી સવાર આવી જવાથી તેનો જીવ ગયો હતો અને ત્યાર પછી કોઈએ ટ્રકને આગ ચાંપી દીધી હતી.
નાલાસોપારામાં શ્રીરામનગર અને ગૌરાઈ પાડાની વચ્ચે રોડ પરના ખાડામાં સ્કૂટી સ્કિડ થવાથી સ્કૂટી ચલાવતો મહેશ દેસાઈ રસ્તા પર પટકાયો હતો અને પાછળથી આવી રહેલી ટ્રકનું પાછળનું પૈડું તેના માથા પરથી ફરી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની પાછળ બેસેલા તેના સહકારી લવકુશ વર્માને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તરત જ સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતની આ ઘટના બનતાં ટ્રક-ડ્રાઇવર ત્યાં જ ટ્રક મૂકીને નાસી ગયો હતો. એ પછી થોડી વારે આ ઘટનાને કારણે ગુસ્સામાં આવીને કોઈ વ્યક્તિએ ટ્રકને આગ લગાડી દીધી હતી. આ ઘટના શનિવારે બપોરે ૩.૪૦ વાગ્યે બની હતી.
નાલાસોપારાના રસ્તા પરના ખાડાઓને લઈને પહેલેથી જ લોકો પરેશાન છે. એમાં ગઈ કાલે અકસ્માત થતાં અને ત્યાર બાદ ટ્રકમાં આગ લગાવી દેવાતાં બધો ટ્રાફિક અટકી ગયો હતો અને લોકોએ પારાવાર હાડમારી ઉઠાવવી પડી હતી. નાલાસોપારાના લોકોનું કહેવું છે કે રસ્તા પર અનેક ખાડા છે, પણ પ્રશાસન એના પર ધ્યાન આપતું જ નથી. ખાડાને કારણે અકસ્માત થવાથી લોકોનો જીવ જાય છે એટલે વહેલી તકે ખાડા પૂરવામાં આવે એવી માગણી તેમણે કરી હતી. એની સાથે જ આ ખાડા માટે જે કોઈ જવાબદાર હોય તેમની સામે પણ કડક પગલાં લેવાય એવી ડિમાન્ડ લોકોએ કરી હતી.


