પોલીસની ટીમે જ્યારે એની તપાસ કરી ત્યારે ખબર પડી કે રાજસ્થાનનો રજિસ્ટ્રેશન-નંબર ધરાવતી એ કારનો ડ્રાઇવર ગાડી છોડીને નાસી ગયો છે
NRI પોલીસ-સ્ટેશનના ઑફિસર કારની તપાસ કરી રહ્યા છે (ડાબે), કારના ગ્લવ-કમ્પાર્ટમેન્ટમાંથી મળી આવેલી રિવૉલ્વર અને ૬ લાઇવ બુલેટ્સ (ઉપર), કારમાંથી મળી આવેલી ડ્રગ્સની બૅગ (નીચે)
નવી મુંબઈના પામ બીચ રોડ પર સીવુડ્સના અક્ષર સિગ્નલ પાસે એક કારનો ઍક્સિડન્ટ થયો હોવાનો કૉલ ટ્રાફિક-પોલીસને પરોઢિયે ૪.૩૦ વાગ્યે મળતાં તરત જ ટીમ રવાના કરવામાં આવી હતી. પોલીસની ટીમે જ્યારે એની તપાસ કરી ત્યારે ખબર પડી કે રાજસ્થાનનો રજિસ્ટ્રેશન-નંબર ધરાવતી એ કારનો ડ્રાઇવર ગાડી છોડીને નાસી ગયો છે. તેનું ટાયર બર્સ્ટ થયું હોવાથી ઍક્સિડન્ટ થયો હોવાની શક્યતા જણાઈ રહી હતી. વધુ તપાસ કરતાં કારના ગ્લવ-બૉક્સમાંથી એક રિવૉલ્વર અને ૬ લાઇવ બુલેટ મળી આવી હતી. ત્યાર બાદ કારની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. એમાં ડિકીના પોર્શનમાંથી દસથી ૧૫ કિલો જેટલું અફીણ અને વીસથી પચીસ કિલો જેટલું કેમિકલ (ડ્રગ બનાવવાનું રૉ મટીરિયલ હોવાની શંકા છે) મળી આવ્યું હતું. એ બદલ સિનિયર્સને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ કેસની તપાસ NRI પોલીસ-સ્ટેશનને સોંપવામાં આવી હતી.
વધુ તપાસમાં જણાઈ આવ્યું હતું કે કારના બે ડ્રાઇવર ગણપત બિશ્નોઈ અને સંજય બિશ્નોઈ એને છોડીને નાસી ગયા હતા અને એમાંથી ડ્રગ્સ અને રિવૉલ્વર મળી આવતાં તેમની સામે આર્મ્સ ઍક્ટ અને નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ હતી.
