થાણેના જે ભાગમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે એની બાજુમાં ૧૩૦૦ એકરમાં આ બિઝનેસ-હબ ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું
ફાઇલ તસવીર
મુંબઈની મોટા ભાગની સરકારી ઑફિસો, મોટી-મોટી કંપનીઓની ઑફિસો અને વિવિધ માર્કેટો સહિત કૉર્પોરેટ ઑફિસો દિક્ષણ મુંબઈમાં આવેલી હોવાથી લાખો મુંબઈગરાઓ રોજ સવારે સાઉથ મુંબઈ ભણી નોકરી-ધંધા માટે જાય છે અને સાંજે પાછા ફરે છે એટલે ભારે ભીડ રહે છે. મુંબઈની એ ભીડ ખાળવા થાણેમાં બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) જેવું બિઝનેસ-હબ અને એ પણ BKC કરતાં મોટું ડેવલપ કરવાનું નક્કી થયું છે. આ માટે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનને જ મૉડલ એજન્સી બનાવવામાં આવી છે. થાણેના જે ભાગમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે એની બાજુમાં ૧૩૦૦ એકરમાં આ બિઝનેસ-હબ ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ જપાન ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન એજન્સીના સહકાર સાથે ડેવલપ કરવામાં આવશે. આ આધુનિક બિઝનેસ-હબમાં ઊંચા દરજ્જાનું અર્બન પ્લાનિંગ, આધુનિક મૂળભૂત સુવિધાઓ અને બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાને કારણે થાણે ભવિષ્યમાં ‘ઇન્ટરનૅશનલ બિઝનેસ સિટી’ની ઓળખ પામશે.
આ પ્રોજેક્ટને કારણે થાણે વિસ્તારમાં ઉદ્યોગો, IT પાર્ક અને મલ્ટિનૅશનલ કંપનીઓનું ઇન્વેસ્ટમેન્ટ વધશે. એને કારણે રોજગારની તકો ઊભી થશે અને થાણે-કલ્યાણ ફાઇનેન્શિયલી સ્ટ્રૉન્ગ થતાં જશે. એક્સપર્ટ્સનું તો કહેવું છે કે એ માત્ર થાણેના જ નહીં, મહારાષ્ટ્રના નકશા પર પણ ફાઇનેન્શિયલ હબ તરીકે ઊભરી આવશે.
ADVERTISEMENT
થાણેમાં ક્યાં બનવાનું છે આ બિઝનેસ-હબ?
થાણે અને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની હદનાં ૧૦ ગામડાંઓનો ૧૩૦૦ એકરનો વિસ્તાર આ માટે પસંદ કરવામાં આવ્યો છે. એમાં દાતિવલી, મ્હાતાર્ડી, બેતવડે, આગાસન, આયરે, કોપર, ભોપર, નાંદિવલી, પંચાનંદ અને કાટઈ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામની જમીન એ પ્રોજેક્ટ્સ માટે હસ્તગત કરવાની પ્રોસેસ ઑલરેડી ચાલુ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ તબક્કાવાર ડેલવપ કરવામાં આવશે.
કનેક્ટિવિટી
આ બિઝનેસ પાર્કને અન્ય મહત્ત્વના બિઝનેસ સેન્ટર સાથે જોડવાનું પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. નિળજે ગ્રોથ સેન્ટર, ઐરોલી–કાટઈ માર્ગ અને કલ્યાણ-તળોજા મેટ્રો લાઇનને આ નવા બિઝનેસ-હબ સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત ખારઘરમાં ડેવલપ થઈ રહેલા પ્રસ્તાવિત બિઝનેસ પાર્કને પણ એની સાથે જોડવામાં આવશે.


