Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પરિવારમાં મતભેદ, પતિ અને પત્નીમાં ઝઘડા તથા દીકરાનો રોષ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ હોઈ શકે

પરિવારમાં મતભેદ, પતિ અને પત્નીમાં ઝઘડા તથા દીકરાનો રોષ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ હોઈ શકે

Published : 24 August, 2026 08:43 AM | IST | Chhatrapati Sambhaji Nagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંગીતા અને કુણાલના મૃતદેહના અંતિમ સંસ્કાર સંગીતાના પિયરના ગામ મુકુંદવાડી લઈ જઈને કરવામાં આવ્યા હતા. 

ચાંદગુડે ફૅમિલી.

ચાંદગુડે ફૅમિલી.


છત્રપતિ સંભાજીનગરના ૧૯ વર્ષના કુણાલ ચાંદગુડેએ ખવડ્યા ડુંગર પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી, તેના પિતા મુરલીધર તેને બચાવવા જતાં પટકાયા અને તેમને બન્નેને પટકાયેલા જોઈને કુણાલની મમ્મી સંગીતાએ પણ ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું. આમ સામૂહિક આત્મહત્યાની આ ચોંકાવનારી ઘટના બાબતે અલગ-અલગ થિયરીઓ ચાલી રહી છે. જોકે કુટુંબમાં બધું સમુંસૂતરું નહોતું એવું હવે ધીરે-ધીરે બહાર આવી રહ્યું છે. પહેલા દીકરાના મોત બાદ પતિથી અલગ રહેતી યુટ્યુબર સંગીતાએ હાલમાં જ પોસ્ટ કરેલા યુટ્યુબ વિડિયો પર પણ એ બાબતે અંદેશો-ક્લુ આપતી હોવાનું હવે જણાઈ રહ્યું છે.

પહેલી થિયરી એવી હતી કે કુણાલે આઇફોન પર્ચેઝ કરી લીધો હતો અને એના હપ્તા ભરવાના મુદ્દે પરિવારમાં વિવાદ થયો હતો. કુણાલના પિતા મુરલીધર ડ્રાઇવર હતા અને તે ઘરમાં સતત ચાલતા રહેતા વિવાદને કારણે મોટા ભાગનો સમય ઘરની બહાર જ વિતાવતા હતા એવું કહેવાય છે. તે ૩ મહિના પછી હાલમાં જ ઘરે આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે મુરલીધર ચાંદગુડેએ ૨૦ વર્ષ પહેલાં સંગીતા સાથે લવ-મૅરેજ કર્યાં હતાં અને એ વખતે પરિવારને જાણ કરી નહોતી. એ વખતે બહેન સાથે થયેલા ઝઘડાને કારણે મુરલીધરે તેને તેમની જમીનમાંથી એક ટુકડો બહેનને આપ્યો હતો અને એ મુદ્દે પણ મુરલીધર અને પત્ની સંગીતા વચ્ચે વિવાદ થતા રહેતા હતા. 



ઘટનાના એક દિવસ પહેલાંના વિડિયોમાં હિન્ટ


સંગીતાએ ઘટનાના એક જ દિવસ પહેલાં પોસ્ટ કરેલો વિડિયો તેના પતિ મુરલીધર સાથેના સંબંધો વિશે ઘણું કહી જાય છે. એ વિડિયોમાં સંગીતાએ કહ્યું છે કે ‘તમે તમારું બધું જ બીજાને આપવાની તૈયારી રાખો એની ના નથી; પણ એવી વ્યક્તિને જેને તમારી કદર હોય, તમારા પ્રેમની કિંમત હોય. જો તમે કોઈ એક વ્યક્તિને ગણતરીમાં જ ન લેતા હો તેના માટે જે કંઈ કરો છો એની તેને કિંમત જ ન હોય તો એવી વ્યક્તિ માટે કંઈ પણ કરવાનો અર્થ જ રહેતો નથી. રોટલી પણ ત્યારે જ સારી લાગે જ્યારે બન્ને તરફથી બરાબર શેકાઈ હોય. એવું જ સંબંધોનું પણ છે. જો બન્ને પાત્રો એની વૅલ્યુ કરે, બન્ને કિંમત કરે તો જ એવા સંબંધોમાં રહો, નહીં તો એક વ્યક્તિ ઘસાતી જ રહે અને બીજાને અેની પડી જ ન હોય એવા સંબંધોનો કોઈ અર્થ રહેતો નથી. આવા સંબંધોમાંથી બહાર નીકળી જવું ક્યારેય પણ સારું જ છે.’ બીજા એક વિડિયોમાં સંગીતાએ તેની નણંદ સાથેના તેના ભૂતકાળના કડવા અનુભવને શૅર કર્યા છે. તેમનો મોટો દીકરો બીમારીમાં ગુજરી ગયો એ પછી તેની નણંદે તેને માનસિક ત્રાસ આપવામાં કંઈ જ બાકી નહોતું રાખ્યું.

પતિ-પત્નીના અંતિમ સંસ્કાર જુદા-જુદા ગામમાં થયા
એક જ પરિવારના ૩ સભ્યોનાં મૃત્યુ બાદ પોસ્ટમૉર્ટમ કરીને પોલીસે તેમના પરિવારને તેમના મૃતદેહ સોંપ્યા હતા. જોકે મુરલીધર ચાંદગુડેના મૃતદેહના અંતિમ સંસ્કાર તેમના વતનના પૈતૃક ગામમાં કરવામાં આવ્યા હતા, જ્યારે સંગીતા અને કુણાલના મૃતદેહના અંતિમ સંસ્કાર સંગીતાના પિયરના ગામ મુકુંદવાડી લઈ જઈને કરવામાં આવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 08:43 AM IST | Chhatrapati Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK