Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સમાચાર શોર્ટમાં: પ્રૉપર્ટી ટૅક્સ ન ભરનારા મોટા ડિફૉલ્ટરોને BMCની જપ્તીની નોટિસ

સમાચાર શોર્ટમાં: પ્રૉપર્ટી ટૅક્સ ન ભરનારા મોટા ડિફૉલ્ટરોને BMCની જપ્તીની નોટિસ

Published : 10 February, 2026 07:37 AM | Modified : 10 February, 2026 08:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCએ એવા મોટા ડિફૉલ્ટર્સને કલમ ૨૦૩ હેઠળ જપ્તીની નોટિસ ફટકારી છે જેઓ નિર્ધારિત સમયગાળામાં ટૅક્સ ચૂકવવાની ઇચ્છા રાખતા નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પ્રૉપર્ટી ટૅક્સ ન ભરનારા મોટા ડિફૉલ્ટર્સને તેમની પ્રૉપર્ટી જપ્ત કરવાની નોટિસ ફટકારી છે. વધુમાં જો ટૅક્સ તાત્કાલિક ચૂકવવામાં ન આવે તો નિયમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે વધારાનાં મ્યુનિસિપલ કમિશનર (સિટી) ડૉ. અશ્વિની જોશીએ નિર્દેશ આપ્યો છે.

BMCએ એવા મોટા ડિફૉલ્ટર્સને કલમ ૨૦૩ હેઠળ જપ્તીની નોટિસ ફટકારી છે જેઓ નિર્ધારિત સમયગાળામાં ટૅક્સ ચૂકવવાની ઇચ્છા રાખતા નથી અને આર્થિક રીતે સધ્ધર હોવા છતાં પ્રૉપર્ટી ટૅક્સ ચૂકવતા નથી. જો નિર્ધારિત સમયગાળામાં ટૅક્સ ચૂકવવામાં નહીં આવે તો BMC ઍક્ટની જોગવાઈઓ અનુસાર ઉપરોક્ત મિલકતને જપ્ત કરવામાં આવશે અને હરાજી કરીને ટૅક્સ વસૂલ કરવામાં આવશે. 



પાઇપલાઇન ફૂટી અને બન્યો ફુવારો


માહિમ કોઝવે પર સોમવારે બપોરે ૧.૩૫ વાગ્યે ૯૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઇપલાઇનમાં પંક્ચર પડતાં જબરદસ્ત પ્રેશર સાથે પાણી બહાર આવવા માંડ્યું હતું જેને લીધે હજારો લીટર પાણીનો ફુવારો ‍ઊડ્યો હતો. બાંદરા ફ્લાયઓવર પરથી પસાર થતા વાહનચાલકોએ ફુવારો જોવા તેમનાં વાહનો ધીમાં પાડી દીધાં હતાં. કેટલાક લોકોએ એ નઝારો જોવા ટૂ-વ્હીલર પાર્ક કરી દીધાં હતાં. મોટા લીકેજના અહેવાલ બાદ ખાર-વેસ્ટ અને બાંદરા-વેસ્ટના કેટલાક વિસ્તારોમાં પાણીપુરવઠો ખોરવાઈ ગયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઑફિસરે જણાવ્યું હતું કે ખોદકામ દરમ્યાન માહિમ કોઝવેના નૉર્થ સાઇડ વિસ્તારમાં બપોરે દોઢેક વાગ્યે આ ઘટના બની હતી. અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાંથી ભારે લીકેજ થતાં BMCના પાણી-વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું.


પવઈમાં હિટ ઍન્ડ રનના કેસમાં સિક્યૉરિટી ગાર્ડનું મોત

હિટ ઍન્ડ રનનો વધુ એક કિસ્સો મુંબઈના પવઈમાં શનિવારે બન્યો હતો. શનિવારે પવઈમાં હીરાનંદાની ગાર્ડન્સમાં ૪૦ વર્ષના સિક્યૉરિટી ગાર્ડ અજય સિંહનું હિટ ઍન્ડ રનમાં મોત થયું હતું એમ પવઈ પોલીસે જણાવ્યું હતું. મરનાર અજય સિંહની ૩૮ વર્ષની પત્ની મીના હાઉસ હેલ્પ તરીકે કામ કરે છે. તેણે પોતાની પોલીસ-ફરિયાદમાં જણાવ્યું હતું કે બપોરે ૧૨.૩૦ વાગ્યે એક ઝડપી ટેમ્પોએ તેના પતિને ટક્કર મારી હતી. ડ્રાઇવર તેમને મદદ કર્યા વિના ભાગી ગયો હતો.’ બપોરે ૧.૧૦ વાગ્યે હૉસ્પિટલના ડૉક્ટરોએ અજય સિંહને મૃત જાહેર કર્યો હતો. આરોપીઓને શોધવા માટે પોલીસ હિટ ઍન્ડ રન કેસમાં સંડોવાયેલા ટેમ્પોની શોધ કરી રહી છે.

દારૂ પીને ગાડી ચલાવવા બદલ રિટાયર્ડ ACP સામે કેસ

રિટાયર્ડ અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ACP)એ નશાની હાલતમાં વાહન ચલાવીને પોતાની કાર રસ્તાની બાજુમાં આવેલા ટેમ્પો સાથે અથડાવી દીધી હતી. શનિવારે સાંજે સીવુડ્સ-વેસ્ટમાં થયેલા અકસ્માતને પગલે ૫૮ વર્ષના નિવૃત્ત પોલીસ-અધિકારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને તપાસ દરમ્યાન આઇડી કાર્ડ અને પોલીસની નેમપ્લેટ મળી હતી. આરોપી મુંબઈના યલો ગેટ પોલીસ-સ્ટેશનમાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને નિવૃત્તિ પહેલાં જ તેમને અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) તરીકે બઢતી આપવામાં આવી હતી એમ પોલીસે જણાવ્યું હતું.

રાજ્ય સરકાર ૭૦,૦૦૦થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરશે

મહારાષ્ટ્ર સરકાર નવી અને અપડેટેડ સિસ્ટમ દ્વારા ૭૦,૦૦૦થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે તબક્કાવાર મેગા ભરતી ઝુંબેશ શરૂ કરશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૨૦,૦૦૦ જગ્યાઓ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) દ્વારા અને બાકીની અન્ય એજન્સીઓ દ્વારા ભરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મેનપાવર મૅનેજમેન્ટ મૉડલની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી હતી તેમ જ અન્ય રાજ્યોને આ મૉડલ અપનાવવાનું સૂચન કર્યું હોવાનું દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે ઑનલાઇન ભરતી અને ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમ દ્વારા બિનજરૂરી પેપરવર્ક, લાંબી કતારો અને પ્રક્રિયામાં થતો વિલંબ ટાળવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.

ભીમાશંકર મહાદેવનાં દર્શન નહીં થઈ શકે શિવરાત્રિ પર

બાર જ્યોતિર્લિંગમાંના એક એવા ભીમાશંકર મહાદેવનાં દર્શન શિવરાત્રિ પર નહીં થઈ શકે. પુણે જિલ્લા અધિકારીના નિર્દેશને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ મંદિરમાં સમારકામ ચાલી રહ્યું છે એથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંદિર પ્રશાસને જણાવ્યું છે. દર વર્ષે મહાશિવરાત્રિ નિમિત્તે લાખો ભક્તો ભીમાશંકરનાં દર્શન માટે આવતા હોય છે. જોકે હાલ સામારકામ ચાલી રહ્યું હોવાથી ભાવિકોની અને મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખી શિવરાત્રિ પર ભીમાશંકર મહાદેવનું મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

કંપનીની વિશ્વાસુ મહિલા અકાઉન્ટન્ટે વિશ્વાસઘાત કર્યો

કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં એક મેટલ મૅન્યુફૅક્ચરિંગ કંપનીના ડિરેક્ટરે તેની જ કંપનીમાં વર્ષોથી કામ કરતી અને ફાઇનૅન્સ અને અકાઉન્ટ્સ સંભાળતી મહિલા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. કેસની વિગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે ‘તે મહિલા કર્મચારી દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આ સિલસિલો ઑગસ્ટ ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ચાલ્યો હતો. તેણે પ્રાઇવેટ ફાઇનૅન્સર અને નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ પાસેથી કંપનીના નામે અનઑથોરાઇઝ્ડ લોન લીધી હતી. જ્યારે કંપનીના અકાઉન્ટમાં એ લોનના પૈસા ક્રેડિટ થતા કે તરત જ એ રકમ તે મહિલા કર્મચારી પર્સનલ અકાઉન્ટ અથવા થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરી દેતી હતી. જ્યારે લોનનું પેમેન્ટ ન થયું ત્યારે એ ફાઇનૅન્સરે કંપનીનો સંપર્ક સાધ્યો ત્યારે આ કાંડ વિશે જાણ થઈ હતી. પોલીસે આ કેસમાં મહિલા કર્મચારી સહિત કુલ ૧૬ જણ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.  

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK