ઉત્તરાખંડ બાદ કર્ણાટક, જમ્મુ ઍન્ડ કાશ્મીર પણ સેમી-ફાઇનલમાં પહોંચ્યાં
કર્ણાટકના કે. એલ. રાહુલે મૅચવિનિંગ ૧૩૦ રન ફટકાર્યા હતા
રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની ક્વૉર્ટર ફાઇનલ જંગના ચોથા દિવસે વધુ બે સેમી-ફાઇનલિસ્ટ ટીમ નક્કી થઈ હતી. ઉતરાખંડ બાદ કર્ણાટકે મુંબઈને અને જમ્મુ ઍૅન્ડ કાશ્મીરે મધ્ય પ્રદેશને હરાવીને
સેમી-ફાઇનલમાં એન્ટ્રી મારી છે. આંધ્ર પ્રદેશ અને બંગાળની રસાકસીવાળી રમતનો નિર્ણય આજે પાંચમા દિવસે આવશે. ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થનાના સેમી-ફાઇનલ જંગમાં કર્ણાટક અને ઉત્તરાખંડની ટક્કર થશે, જ્યારે આંધ્ર પ્રદેશ અને બંગાળની મૅચની વિજેતા બીજી સેમી-ફાઇનલમાં જમ્મુ ઍૅન્ડ કાશ્મીર સામે ટકરાશે.
કે. એલ. રાહુલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૪મી સદી ફટકારી
ADVERTISEMENT
કે. એલ. રાહુલના ૧૩૦ અને સ્મરણ રવિચન્દ્રનના અણનમ ૮૩ રનની મદદથી કર્ણાટક ૪૨ વખતની રણજી ચૅમ્પિયન ટીમ મુંબઈ સામે બીકેસી ગ્રાઉન્ડમાં ૩૨૫ રનના લક્ષ્યાંકને હાંસલ કરીને સેમી-ફાઇનલમાં પહોંચ્યું. અંતિમ દિવસે ૮ વિકેટ હાથમાં હતી અને ૨૧૨ રનની જરૂર હતી ત્યારે રાહુલ અને સ્મરણે ૧૪૭ રનની ભાગીદારી કરી હતી.
મુંબઈએ ૧૨૦ અને ૩૭૭ રન કરીને ૩૨૫ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૭૩ રન કરનાર કર્ણાટકે બીજી ઇનિંગ્સમાં ૭૩.૪ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૩૨૫ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. કે. એલ. રાહુલ ૨૪મી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સદી ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે ૧૮૨ બૉલમાં ૧૪ ફોર અને એક સિક્સના આધારે ૧૩૦ રન ફટકાર્યા હતા.
રજત પાટીદારની ટીમ જમ્મુ ઍૅન્ડ કાશ્મીર સામે હારી
ઇન્દોરમાં જમ્મુ ઍૅન્ડ કાશ્મીરે ૧૯૪ અને ૨૪૮ રનની ઇનિંગ્સ રમીને ૨૯૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રજત પાટીદારની મધ્ય પ્રદેશ ટીમ ૧૫૨ અને ૨૩૪ રને ઑલઆઉટ થઈને ૫૬ રને હારી હતી. ચોથા દિવસે ૭૬/૫ના સ્કોરથી ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલા મધ્ય પ્રદેશે સારાંશ જૈનની ૬૪ રનની ઇનિંગ્સના આધારે ૬૮.૩ ઓવરમાં ૨૩૪/૧૦નો સ્કોર કરીને લડત આપી હતી. ફાસ્ટ બોલર આકિબ નબી દાર ૧૨ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો. તેણે પહેલી ઇનિંગ્સમાં ૪૦ રન આપીને ૭ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ૭૦ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
પહેલી વખત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કોઈ ભારતીય ૨૯૯ રને આઉટ થયો
પહેલી ઇનિંગ્સમાં આંધ્ર પ્રદેશના ૨૯૫ રનના સ્કોર સામે બંગાળે ૧૯૯.૧ ઓવરમાં ૬૨૯ રને તમામ વિકેટ ગુમાવીને પોતાનો દાવ પૂરો કર્યો હતો. ત્રીજા ક્રમે રમીને બંગાળના સુદીપ કુમાર ૫૯૬ બૉલમાં ૩૧ ફોર અને ૬ સિક્સ ફટકારીને ૨૯૯ રને બોલ્ડ થયો હતો. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૯૯ રને આઉટ થનાર ઓવરઑલ ત્રીજો અને પહેલો ભારતીય બન્યો હતો. સુમતા ગુપ્તાએ પણ ૮૧ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.
૧૦મા ક્રમે રમીને મોહમ્મદ શમીએ ૧૬૦.૬૧ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૩૩ બૉલમાં ૭ ફોર અને ૩ સિક્સના આધારે ૫૩ રન ફટકારીને ટીમની લીડ ૩૩૪ રન સુધી પહોંચાડી હતી. ચોથા દિવસના અંતે આંધ્ર પ્રદેશે ૨૪ ઓવરમાં ૩ વિકેટે ૬૪ રન કર્યા હોવાથી તેઓ મૅચમાં હજી ૨૭૦ રન પાછળ છે.


