ભાવનગરના કાળા નાળા વિસ્તારમાં ગઈ કાલે દેવ પૅથોલૉજી લૅબોરેટરીમાં આગ લાગી હતી
પ્રતીકાત્મક તસવીર
ભાવનગરમાં પૅથોલૉજી લૅબના કચરામાં લાગેલી આગે આખા કૉમ્પ્લેક્સને ઝપટમાં લઈ લીધું-આસપાસની ચાર હૉસ્પિટલો પણ ખાલી કરાવવામાં આવી, કાચ તોડીને દરદીઓને પહેલા માળેથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. ભાવનગરના કાળા નાળા વિસ્તારમાં ગઈ કાલે દેવ પૅથોલૉજી લૅબોરેટરીમાં આગ લાગી હતી. આ આગ શરૂઆતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા કચરામાં લાગી હતી, પણ એ કઈ રીતે આખા કૉમ્પ્લેક્સમાં ફેલાઈ ગઈ એની ખબર જ ન પડી. સવારે ૯ વાગ્યાની આસપાસની આ ઘટના છે જ્યારે અચાનક ધુમાડો થતાં દોડધામ મચી ગઈ હતી. આ કૉમ્પ્લેક્સની આસપાસ નાની-મોટી દસેક હૉસ્પિટલો અને દવાની દુકાનો છે. આગનો ધુમાડો પહેલા માળે આવેલી હૉસ્પિટલોમાં ઘૂસતાં આખા બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું હતું. લગભગ ૨૦ જેટલા દરદીઓને સ્થાનિક લોકોએ સીડીની મદદથી બીજી તરફથી રેસ્ક્યુ કર્યા હતા. કેટલાંક તો નવજાત બાળકો હતાં. તેમને ફર્સ્ટ ફ્લોર પરથી ચાદરમાં લપેટીને નીચે ઉતારવામાં આવ્યાં હતાં.
કાંદિવલીના હાઇરાઇઝ બિલ્ડિંગના ૨૮મા માળે આગ લાગી
ADVERTISEMENT

કાંદિવલી-ઈસ્ટના ગોકુલ કૉન્કૉર્ડ હાઇરાઇઝ બિલ્ડિંગના ૨૮મા માળે ગઈ કાલે સાંજે ૮ વાગ્યે આગ લાગી હતી. ઘરમાં આગ લાગતાં બિલ્ડિંગના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. પ્રાથમિક તપાસમાં શૉર્ટ-સર્કિટને લીધે આગ લાગી હોવાનું જણાયું હતું. તસવીર: નિમેશ દવે
ઘાટકોપરના બિલ્ડિંગમાં લાગી આગ, સબ સલામત

ઘાટકોપર-વેસ્ટના અમૃતનગર સર્કલ વિસ્તારમાં આવેલા વસંત વિલા બિલ્ડિંગમાં ગઈ કાલે સાંજે આગ લાગી હતી. બિલ્ડિંગની C વિંગના ત્રીજા માળે રૂમ-નંબર ૪૭માં શૉર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી. એને કારણે ઘરમાં ભારે નુકસાન થયું હતું. સદ્નસીબે આ ઘરમાં રહેતી પરબ ફૅમિલી બનાવ વખતે ત્યાં હાજર નહોતી એટલે જાનહાનિ ટળી ગઈ હતી. ફાયર-બ્રિગેડે ટૂંક સમયમાં જ આગ ઓલવી નાખી હોવાથી આસપાસના ફ્લૅટને વધુ નુકસાન થયું નહોતું.


