Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: ઇન્સ્ટાગ્રામ પર પિસ્તોલ સાથે ફોટો જોઈને પોલીસ ઍક્શનમાં આવી, યુવકને આત્મહત્યા કરતો બચાવ્યો

ન્યૂઝ શોર્ટમાં: ઇન્સ્ટાગ્રામ પર પિસ્તોલ સાથે ફોટો જોઈને પોલીસ ઍક્શનમાં આવી, યુવકને આત્મહત્યા કરતો બચાવ્યો

Published : 23 February, 2026 07:10 AM | Modified : 23 February, 2026 09:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે યુવકને શોધીને ધરપકડ કરી ત્યારે જણાયું હતું કે આત્મહત્યા કરવા માટે તેણે પિસ્તોલ લીધી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાગપુરમાં ૨૩ વર્ષના એક યુવકે પિસ્તોલ સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્યો ત્યારે સતર્કતાથી પોલીસે દુર્ઘટના ટાળી હતી. પોલીસે યુવકને શોધીને ધરપકડ કરી ત્યારે જણાયું હતું કે આત્મહત્યા કરવા માટે તેણે પિસ્તોલ લીધી હતી. યુવકના મિત્ર પર અગાઉ ગેરકાયદે રીતે પિસ્તોલ રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેની પણ હથિયાર સપ્લાય કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ આ યુવકના પપ્પાનું તાજેતરમાં જ મૃત્યુ થયું હતું. એને કારણે તે તનાવમાં રહેતો હતો અને બેરોજગાર પણ હતો. તેણે મિત્ર પાસેથી પિસ્તોલ લીધી હતી અને એની ગોળી બે દિવસ પછી મળવાની હતી. દરમ્યાન યુવકે પિસ્તોલ સાથેનો તેનો ફોટો ક્લિક કરીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. આ પોસ્ટ પોલીસના ધ્યાનમાં આવતાં જ પોલીસે સર્ચ-ઑપરેશન કર્યું ત્યારે પકડાયેલા યુવકે કબૂલ્યું હતું કે તેણે આત્મહત્યા કરવા માટે પિસ્તોલ લીધી હતી. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.

AI સમિટના ડેક્લેરેશન પર બંગલાદેશે કર્યા હસ્તાક્ષર



દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત AI ઇમ્પૅક્ટ સમિટ 2026ના સમાપન પર રજૂ કરાયેલા  ‘નવી દિલ્હી ડેક્લેરેશન’ પર ૮૮ દેશોએ સહી કરી હતી અને એના એક દિવસ બાદ ગઈ કાલે બંગલાદેશે પણ હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે અમેરિકા, રશિયા, ચીન, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, જપાન, બ્રાઝિલ અને મૉલદીવ્ઝ સહિત ૮૯ દેશોએ આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. કુલ ૮૯ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સમર્થિત આ ડેક્લેરેશન સહયોગી, વિશ્વસનીય, સ્થિતિસ્થાપક અને સમાવિષ્ટ AI વિકાસ માટે એક સહિયારો વૈશ્વિક દૃષ્ટિકોણ રજૂ કરે છે.
બંગલાદેશનું સમર્થન સમાનતા, સુલભતા અને વૈશ્વિક સહયોગમાં મૂળ રહેલા ‘બધા માટે AI’ માટેના ભારતના આહ્‍વાન માટે વધતા પ્રાદેશિક સમર્થન પર ભાર મૂકે છે. આ ઘોષણાપત્ર ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સિદ્ધાંત દ્વારા સંચાલિત છે, જેમાં ભાર મૂકવામાં આવ્યો છે કે AIના લાભ સમગ્ર માનવતામાં સમાન રીતે વહેંચાયેલા હોવા જોઈએ.


ટ્રમ્પના ફ્લૉરિડાના રિસૉર્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરનારો યુવાન ઠાર મરાયો

શનિવારે મધરાત બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો એસ્ટેટમાં આશરે ૨૦ વર્ષની ઉંમરના એક યુવાને ગેરકાયદે રીતે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પણ અમેરિકાના સીક્રેટ સર્વિસ એજન્ટો અને પામ બીચ કાઉન્ટી શેરિફ ઑફિસના ડેપ્યુટી દ્વારા તેના પર ગોળીઓ છોડવામાં આવી હતી જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના સ્થાનિક સમય મુજબ શનિવારે મધરાત બાદ ૧.૩૦ વાગ્યે બની હતી જ્યારે આ યુવાન પ્રૉપર્ટીના નૉર્થ દરવાજા પાસે શૉટગન અને ફ્યુઅલ કેન લઈને જોવા મળ્યો હતો. એજન્ટો અને શેરિફના ડેપ્યુટીએ તેનો સામનો કર્યો અને એન્કાઉન્ટર દરમ્યાન ગોળીબાર કરવામાં આવ્યો. તે યુવાનને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.


બંગલાદેશ-ભારત વચ્ચે મૈત્રી બસ-સર્વિસ શરૂ

બંગલાદેશમાં તારિક રહમાન વડા પ્રધાન બન્યા પછી ભારત અને બંગલાદેશના સંબંધો ફરીથી મજબૂત બની રહ્યા છે. વીઝા-સર્વિસ ચાલુ થયા પછી હવે ૨૪ ફેબ્રુઆરીથી ‘મૈત્રી બસ-સર્વિસ’ ફરી શરૂ થશે. આ સર્વિસ અગરતલાથી ઢાકા અને કલકત્તા વચ્ચે ચાલશે. એનાથી અનેક યાત્રીઓને રાહત મળશે. આ પહેલ બન્ને દેશો વચ્ચે વિશ્વાસ અને સહયોગ વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. 

શ્રીલંકામાં સંસદસભ્યોને હવે પેન્શન નહીં મળે 

પાર્લમેન્ટમાં કાર્યકાળ પૂરો થયા પછી સંસદસભ્યોને આજીવન પેન્શન મળતું હોય છે. જોકે હવે શ્રીલંકામાં નિવૃત્ત થયેલા સંસદસભ્યોને પેન્શન નહીં મળે. આ વિશેનો ખરડો શ્રીલંકા સરકારે ગયા મંગળવારે સંસદમાં ભારે બહુમતી સાથે પાસ કર્યો હતો. રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સત્તા પર આવ્યા હતા ત્યારે જ તેમણે લોકોને વચન આપ્યું હતું કે સંસદસભ્યોને મળતું પેન્શન બંધ કરવામાં આવશે. તેમણે આ વચન પૂરું કર્યું હતું. ભારતમાં પણ પાંચ વર્ષના કાર્યકાળ પછી સંસદસભ્યોને પેન્શન અને અન્ય ભથ્થાં મળતાં હોય છે. 

અમેરિકામાં હિન્દુઓ સૌથી વધુ ભણેલો-ગણેલો ધાર્મિક સમુદાય 

અમેરિકામાં ક્રિશ્ચિયન સમુદાયની વસ્તી કુલ વસ્તીના લગભગ ૭૦ ટકા જેટલી છે, પરંતુ ગ્રૅજ્યુએટ થનારા ક્રિશ્ચિયનોની ટકાવારી ખૂબ જ ઓછી છે. પ્યુ રિસર્ચ સેન્ટરે કરેલી ૨૦૨૩-’૨૪ની રિલિજિયસ લૅન્ડસ્કેપ સ્ટડીમાં નોંધાયું છે કે અમેરિકામાં રહેતા ૭૦ ટકા હિન્દુ પુખ્તો કમસે કમ બૅચલર ડિગ્રી કે એનાથી ઉચ્ચ શિક્ષા પામેલા છે. આ આંકડા રાષ્ટ્રીય સરેરાશથી અનેકગણા વધુ છે. અમેરિકામાં કુલ પુખ્તોના ૩૫ ટકા લોકો પાસે જ બૅચરલની ડિગ્રી કે એનાથી ઊંચું ભણતર છે. હિન્દુઓ પછી યહૂદીઓ ભણતરના મામલે બીજા નંબરે છે. ૬૫ ટકા યહૂદીઓ પાસે બૅચરલની ડિગ્રી છે.

કોસ્ટલ રોડ નજીક આગ લાગી, આખો રસ્તો કાળા ધુમાડાથી ભરાઈ ગયો

મરીન ડ્રાઇવના દરિયાકાંઠે ગઈ કાલે એક કેબલમાં આગ લાગી હતી અને એ પછી દરિયાના પવનના જોરે કાળો ધુમાડો આખા રસ્તા પર ફેલાઈ ગયો હતો. એને લીધે થોડી વાર વાહનોને અટકાવીને ફાયર-બ્રિગેડે કામગીરી હાથ ધરવી પડી હતી. આગ પર કાબૂ મેળવી ત્યાં સુધી સુરક્ષાના પગલારૂપે કોસ્ટલ રોડ પર વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. તસવીર : આશિષ રાજે

હલકી ગુણવત્તાના રોડ બનાવવા બદલ ૯ કૉન્ટ્રૅક્ટરને ૩૭.૫૭ કરોડ રૂપિયાનો દંડ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ રસ્તાના કામમાં હલકી ગુણવત્તા અને વિલંબ કરવા બદલ ૯ રોડ-કૉન્ટ્રૅક્ટરો પાસેથી ૩૭.૫૭ કરોડ રૂપિયા દંડ વસૂલ કર્યો છે. રોડ સિમેન્ટ-કૉન્ક્રીટાઇઝેશન (CC) કામોના પ્રથમ તબક્કામાં વિલંબ માટે ૪ કૉન્ટ્રૅક્ટરો પર ૩૨ કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો, જ્યારે CC રોડનાં કામોના બીજા તબક્કામાં લગભગ ૬ કૉન્ટ્રૅક્ટરો દંડાયા છે. અત્યાર સુધીમાં BMCએ ૧૬.૩૩ કરોડ રૂપિયા દંડ વસૂલ કર્યો છે, જ્યારે ૨૧.૧૭ કરોડ રૂપિયા વસૂલ કરવાના બાકી છે. એક કૉન્ટ્રૅક્ટરને બે વાર દંડ ફટકારવામાં આવ્યો હતો. કામ શરૂ કરવામાં વિલંબ થવા બદલ બે કંપનીઓને ૧૨ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેના પગલે કુલ દંડની રકમ ૪૯ કરોડ રૂપિયા થઈ છે. BMCએ ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૬૯૩.૮૫ કિલોમીટરના રસ્તાઓનું કૉન્ક્રીટીકરણ હાથ ધર્યું છે, જેમાંથી ૨૫૩ કિલોમીટરના CC રસ્તાઓનું કામ પૂરું થયું છે. 

હવે કાંદિવલી-ઈસ્ટના ઠાકુર વિલેજમાં ગેરકાયદે ફેરિયાઓ અને બાંધકામો પર BMCનું બુલડોઝર ફરી વળ્યું

ફુટપાથ પર અને રસ્તાઓ પર ગેરકાયદે બેસતા ફેરિયાઓ અને દુકાનોની બહારની જગ્યા પર ગેરકાયદે અતિક્રમણ કરનારાઓ પર હાલ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અતિક્રમણ વિભાગ દ્વારા જોરદાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારે રાત્રે કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં BMCએ જોરદાર કાર્યવાહી કરી હતી. એ પછી કાંદિવલી-ઈસ્ટના ઠાકુર વિલેજમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીનાં સ્થાનિક નેતા મયૂરી બંગેરા અને નિશા પરુળેકર બંગેરાએ એ કાર્યવાહી પર દેખરેખ રાખી હતી. JCB અને ડમ્પર સાથે લઈને કરવામાં આવેલી કાર્યવાહી વખતે ભારે પોલીસ-બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.   

રસ્તા પર બૉક્સ-ક્રિકેટ રમાતું જોયું છે ક્યારેય?

આપણા દેશમાં ક્રિકેટનો ક્રેઝ એવો છે કે ગલી-ગલીમાં જ્યાં જગ્યા મળે ત્યાં લોકો ક્રિકેટ રમતા જોવા મળે છે, પણ ભરરસ્તે રોડના અમુક ભાગને ચારે તરફથી કવર કરીને બૉક્સ-ક્રિકેટ માટેનું નાનકડું ગ્રાઉન્ડ બનાવી દેવામાં આવ્યું હોય એવું ક્યારેય જોયું છે? બાજુમાંથી પસાર થતા ટ્રાફિક વચ્ચે આ રીતે બાંદરા-ઈસ્ટમાં કલેક્ટર ઑફિસની નજીક અન્ડરઆર્મ ક્રિકેટ રમાતું જોવા મળ્યું હતું. રસ્તા પરથી પસાર થતા લોકોને પણ અચાનક આ ઍક્શન જોવાની મજા પડી ગઈ હતી. તસવીર: રાજેશ થાવાણી.

સાપ સાથે સ્ટન્ટ કરવામાં ગુમાવ્યો જીવ

વિરારમાં દારૂના નશામાં ૪૦ વર્ષના રાજુ બરાડેએ સાપ પકડ્યો હતો. એ પછી એની સાથે સ્ટન્ટ કરવા જતાં તેણે જીવ ગુમાવવો પડ્યો હતો. તેણે કરેલા સ્ટન્ટનો વિડિયો વાઇરલ થયો હતો. એ વિડિયોમાં દેખાઈ રહ્યું હતું કે તેણે બે હાથથી સાપને પકડ્યો અને એ પછી સાપને કિસ કરી. એ વખતે લોકોએ તેને ચેતવણી આપી હતી કે સાપ સાથે સ્ટન્ટ ન કરો. જોકે ત્યાર બાદ સાપે તેના હાથમાંથી છટકીને તેને ડંખ માર્યો હતો. ગંભીર હાલતમાં રાજુને ખારોડીની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ બેલાપુર બચાવો ઝુંબેશ

નવી મુંબઈમાં આવેલી બેલાપુર હિલ પર ગેરકાયદે બાંધકામો સામે ગઈ કાલે સેવ બેલાપુર હિલ્સ ફોરમ અને નેટકનેક્ટ ફાઉન્ડેશન દ્વારા એક વિશાળ માનવસાંકળ રચીને વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ દાવો કર્યો હતો કે બેલાપુર હિલ પર જમીન ધસી પડવાનું જોખમ હોય એવાં સ્થળો પર ૩૦ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યાં છે. જમીન ધસી પડવાને કારણે આ વિસ્તારના લોકોને જીવનું જોખમ ઊભું થાય છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો આશરે ૨.૩ લાખ ચોરસફુટ જાહેર જમીન પર વિસ્તર્યાં છે. 

બાંદરા ટર્મિનસ પર અવધ એક્સપ્રેસમાંથી ૧૪ કિલો ચરસ મળ્યો

બાંદરા ટર્મિનસ પર અવધ એક્સપ્રેસના જનરલ કોચમાંથી ૧૪ કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ જપ્ત કરેલા ચરસની અંદાજિત બજારકિંમત ૧૩.૮૩ કરોડ રૂપિયા છે. શનિવારે સવારે ગોરખપુરથી બાંદરા આવેલી ટ્રેનના જનરલ કોચમાં સીટ નીચે રાખેલી એક શંકાસ્પદ બૅગની તપાસ કરતાં એમાંથી ચરસનો મોટો જથ્થો પકડાયો હતો. બૅગમાંથી ચરસનાં કુલ ૩૧ પૅકેટ મળી આવ્યાં હતાં. GRPના અધિકારીએ જણાવ્યું હતું કે બાંદરા રેલવે પોલીસ-સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK