કપિલ સિબલે દલીલ કરતાં કહ્યું કે જો પહેલાં જ સુનાવણી થઈ હોત તો એકનાથ શિંદેની સરકાર બની જ ન હોત
સુપ્રીમ કોર્ટ
ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં શિવસેના પક્ષના નામ તથા ચિહ્નના વિવાદ વિશે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી ચોથી ઑગસ્ટે નક્કી કરી છે. ગઈ કાલે સુનાવણી દરમ્યાન આ કેસમાં શિવસેના (UBT)ની બાજુ માંડતાં વરિષ્ઠ વકીલ કપિલ સિબલે સંસદસભ્યોની અપાત્રતાના મુદ્દે દલીલ કરતાં કહ્યું હતું કે જો સંસદસભ્યોને અપાત્ર ઠરાવવા વિશે સમયસર નિર્ણય લેવામાં આવ્યો હોત તો એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર જ ન બની હોત. આ વિશે તાત્કાલિક નિર્ણય લેવામાં આવવો જોઈએ એવી દલીલ કપિલ સિબલે કરી હતી. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે તેમને ટેકો આપતા સંસદસભ્યોને લઈને સંગઠિત શિવસેનાનાથી છૂટા પડ્યા અને સ્વતંત્ર પક્ષની રચના કરી ત્યાર પછી ખરી શિવસેના ઉદ્ધવ ઠાકરેની કે પછી એકનાથ શિંદેની એ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
