શિક્ષણપ્રધાનને પત્ર લખીને BJPના વિધાનસભ્ય નીતેશ રાણેની માગણી- HSCની પરીક્ષા ૧૧ ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ દરમ્યાન અને SSCની પરીક્ષા ૨૧ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમ્યાન લેવામાં આવશે.
નીતેશ રાણે
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) દ્વારા લેવામાં આવતી સ્કૂલ સેકન્ડરી સર્ટિફિકેટ (SSC) અને હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (HSC)ની પરીક્ષા આવતા મહિને શરૂ થઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય અને રાજ્યના કૅબિનેટ પ્રધાન નીતેશ રાણેએ ગઈ કાલે રાજ્યના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દાદા ભુસેને પત્ર લખીને એક્ઝામ સેન્ટરમાં બુરખો પહેરીને આવનારી વિદ્યાર્થિનીઓને પ્રવેશ ન આપવાની માગણી કરી છે. નીતેશ રાણેએ પત્રમાં લખ્યું છે કે ‘SSC અને HSCની પરીક્ષા આવતા મહિને શરૂ થઈ રહી છે એમાં બુરખો પહેરીને એક્ઝામ સેન્ટરમાં આવનારી વિદ્યાર્થિનીને પ્રવેશ ન આપો તેમ જ પરીક્ષા વખતે જરૂર પડે તો તપાસ કરવા માટે મહિલા પોલીસ-અધિકારી કે શિક્ષિકાને નિયુક્ત કરવામાં આવે. SSC અને HSCની પરીક્ષા મહત્ત્વની હોય છે જેના પર વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થાય છે. આથી આ પરીક્ષા પારદર્શકપણે અને કોઈ પણ કૉપી ન કરી શકે એવી રીતે લેવામાં આવવી જોઈએ. પરીક્ષા સેન્ટરમાં વિદ્યાર્થિનીને બુરખો પહેરીને પ્રવેશ આપવામાં આવશે તો પરીક્ષામાં કૉપી કરવા માટે કોઈ મોબાઇલ, ઇલેક્ટ્રિક રેકૉર્ડર અથવા તો ચિઠ્ઠી લઈને ગયું હોય તો ખબર નથી પડતી, કારણ કે બુરખામાં આવેલી વિદ્યાર્થિનીની તપાસ નથી કરી શકાતી. આથી બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી વિનંતી છે.’