ઍનલૉગ પનીર સર્વ કરનારને થશે ૬ મહિનાથી લઈને આજીવન કેદની સજા તથા ૧ લાખ રૂપિયાથી લઈને ૧૦ લાખ રૂપિયા સુધોની દંડ
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે પબ્લિક હેલ્થ અને ફૂડ-સેફ્ટીના નિયમોના વારંવારના ઉલ્લંઘનને કારણે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા ઍનલૉગ પનીરના મૅન્યુફૅક્ચરિંગ, પ્રોસેસ, સ્ટૉક, ડિસ્ટ્રિબ્યુશન અને સેલ પર એક વર્ષનો રાજ્યવ્યાપી પ્રતિબંધ મૂકી દીધો છે. મહારાષ્ટ્રના ફૂડ સેફ્ટી કમિશનર તુકારામ મુંઢે દ્વારા જાહેર કરાયેલા ગૅઝેટ નોટિફિકેશન દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ પગલા સાથે છત્તીસગઢ પછી મહારાષ્ટ્ર ઍનલૉગ પનીરના વેચાણ પર પ્રતિબંધ મૂકનાર બીજું રાજ્ય બન્યું છે.
ફૂડ અૅન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) અનુસાર, છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલા નિરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે ઘણી હોટેલ, રેસ્ટોરાં, કેટરર્સ ગ્રાહકોને મેનુ, ઇન્વૉઇસ અથવા ડિસ્પ્લે બોર્ડ દ્વારા જાણ કર્યા વિના પરંપરાગત ડેરી પનીરની જગ્યાએ ઍનલૉગ પનીર પીરસી રહી હતી. FDA કહે છે કે ગ્રાહકોને એ વિશે જાણ કર્યા વિના એ વેચવામાં આવ્યું હતું.
ઍનલૉગ પનીર એ દૂધની ચરબીને બદલે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, ઇમલ્સિફાયર અને અન્ય ફૂડ એડેટીવ્સનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલું પનીર છે. ડેરીના દૂધમાંથી બનેલા પરંપરાગત પનીર કરતાં અેનું ઉત્પાદન નોંધપાત્ર રીતે સસ્તું છે અને અેમાં સામાન્ય રીતે પ્રોટીનનું સ્તર ઓછું હોય છે.
FDAએ જણાવ્યું હતું કે ‘ગ્રાહકોને ઘણી વાર જાણ કરવામાં આવતી નથી કે તેમને ઍનલૉગ પનીર પીરસવામાં આવી રહ્યું છે જે ફૂડ સેફ્ટી અૅન્ડ સ્ટાન્ડર્ડ્સ અૅક્ટ હેઠળ ગેરમાર્ગે દોરતા ફૂડ-લેબલિંગ અને અન્યાયી વેપારપ્રથાઓ સમાન છે.’
FDAના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ફૂડ સેફ્ટી અૅન્ડ સ્ટાન્ડર્ડ્સ અૅક્ટ આવા પ્રતિબંધાત્મક આદેશોને મહત્તમ એક વર્ષ માટે જ મંજૂરી આપે છે. ઍનલૉગ પનીરમાં ખૂબ જ ઓછું પોષણમૂલ્ય હોય છે, પરંતુ આવા પ્રકારના પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે અમારા માટે કોઈ કાનૂની સમર્થન નથી. વર્ષભરના અભિયાન દરમ્યાન ઉલ્લંઘનો જોવા મળ્યા બાદ FDA દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.’
ADVERTISEMENT
FDAએ ચેતવણી આપી હતી કે કોઈ પણ ફૂડ બિઝનેસ ઑપરેટર ગ્રાહકોને ઍનલૉગ પનીર સર્વ કરતા જોવા મળશે તો તેમને ફૂડ સેફ્ટી અૅન્ડ સ્ટાન્ડર્ડ્સ અૅક્ટ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે. ઉલ્લંઘનની પ્રકૃતિ અને એનાં પરિણામોના આધારે ૬ મહિનાની જેલ અને અેક લાખ રૂપિયાના દંડથી લઈને ૧૦ લાખ રૂપિયાનો દંડ અથવા આજીવન કેદ થઈ શકે છે.
