અંધેરીના દીપેશ પાસડ કહે છે કે ટેરરિસ્ટોના જે સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે એમાંથી એક અટૅકના એક દિવસ પહેલાં બૈસરન વૅલીમાં શંકાસ્પદ રીતે ફરતા માણસ સાથે મળતો આવે છે
દીપેશ પાસડને લાગે છે કે જમ્મુ ઍન્ડ કાશ્મીરની પોલીસે લશ્કર-એ-તય્યબાના પાકિસ્તાની ટેરરિસ્ટ હાશિમ મુસાનો જે સ્કેચ જાહેર કર્યો છે એની સાથે તે મળતો આવે છે.
મંગળવારે પહલગામની બૈસરન વૅલીમાં નિર્દોષ ટૂરિસ્ટોને ગોળીએ વીંધી નાખનારા આતંકવાદીઓએ ત્યાં થોડા દિવસથી રેકી કરી હોઈ શકે એની સાબિતી તાજેતરમાં પહલગામથી પરત ફરેલા મુંબઈના એક ગુજરાતી ટૂરિસ્ટ દીપેશ પાસડે ‘મિડ-ડે’ સાથે શૅર કરેલા એક ફોટોથી મળે છે. દીપેશ પાસડને લાગે છે કે તેમની પાસેનો એક ફોટો આતંકવાદીઓના જે સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે એમાંના એક સાથે મળે છે. તેમનું કહેવું છે કે આ ઘટના ઘટી એના એક દિવસ અગાઉ એટલે કે સોમવારે લગભગ એ જ સમયે તેઓ બૈસરન વૅલીમાં ફરી રહ્યા હતા અને પોતાની ફૅમિલી સાથે ફોટો પાડી રહ્યા હતા ત્યારે આ શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો તેમના મોબાઇલમાં આવ્યો હતો.
સોમવારે બૈસરન વૅલીમાં અંધેરીના દીપેશ પાસડે પાડેલો શંકાસ્પદ માણસનો ફોટો. દીપેશ પાસડને લાગે છે કે જમ્મુ ઍન્ડ કાશ્મીરની પોલીસે લશ્કર-એ-તય્યબાના પાકિસ્તાની ટેરરિસ્ટ હાશિમ મુસાનો જે સ્કેચ જાહેર કર્યો છે એની સાથે તે મળતો આવે છે.
ADVERTISEMENT
આ સંદર્ભે વિગતે વાત કરતાં અંધેરીમાં રહેતા દીપેશ પાસડે ‘મિડ-ડે’ને કહ્યું હતું ‘અમે સોમવારે ફૅમિલી સાથે બૈસરન વૅલીમાં ફરતા હતા. ત્યાંનું કુદરતી સૌંદર્ય એટલું મનમોહક હતું કે તમે ત્યાં ફોટો પાડો એટલા ઓછા. અમે પણ અલગ-અલગ સ્પૉટ ઉપર જઈને ફોટો પાડી રહ્યા હતા. એક વખત અમે ફોટો લઈ રહ્યા હતા ત્યારે ત્યાં પાછળ બ્લૅક જૅકેટ અને ટ્રૅક-પૅન્ટમાં એક માણસ ઊભો હતો અને આમતેમ જાણે કંઈક રેકી કરી રહ્યો હોય એવી રીતે બધે જોયે રાખતો હતો. અમે તેને સાઇડ પર હટી જવા માટે જણાવ્યું તો તેણે એવી રીતે વર્તાવ કર્યો જાણે તેને અમારા કહેવાનો કોઈ ફરક જ પડ્યો ન હોય. એકદમ રૂડ કહી શકાય એ રીતે અમારી સામે જોયું એટલે અમે તેને બીજી વખત પણ રિક્વેસ્ટ કરી, ત્યારે પણ તેણે અજીબ જ રીઍક્શન આપ્યાં જે હું એક્સ્પ્લેન કરવા અસમર્થ છું, પણ એ સમયે મને એવું લાગ્યું કે આ વ્યક્તિ પ્રૉપર નથી. પછી અમે જગ્યા ચેન્જ કરીને ફોટો પાડ્યો. અમારા એક ફૅમિલી-ફોટોમાં તેનો ફોટો પણ આવી ગયો હતો. આ માણસના આવા રીઍક્શનને લીધે મારી નજર તેના પરથી હટી રહી નહોતી અને વારંવાર મારું ધ્યાન તેની તરફ જ જતું હતું. તે ત્યાં એવી રીતે એકલો ફરી રહ્યો હતો જાણે બધું માર્ક કરી રહ્યો હોય. તેના મુખ ઉપર કોઈ હાવભાવ હતા નહીં, ખૂબ જ અજીબ લાગ્યો એટલે મેં તેનો અલગથી ફોટો લીધો હતો. જોકે તેની ચાલ, હાવભાવ અને આંખમાં એવું ખુન્નસ મેં અનુભવ્યું હતું કે મને તેનો નજીકથી ફોટો લેવાની હિંમત થઈ નહીં, પણ દૂરથી તેનો ફોટો લઈ શક્યો હતો.’

