Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > જે ટીવી-સિરિયલ માટે સારી નોકરી છોડી એમાં માત્ર ૪ દિવસ કામ કરવા મળ્યું

જે ટીવી-સિરિયલ માટે સારી નોકરી છોડી એમાં માત્ર ૪ દિવસ કામ કરવા મળ્યું

Published : 26 April, 2025 03:37 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

અનુપમા સિરિયલથી અતિ લોકપ્રિયતા મેળવનાર અનુજ કાપડિયાએ હાલમાં સેલિબ્રિટી માસ્ટરશેફ જીતીને લોકોના દિલમાં અલગ જગ્યા બનાવી લીધી છે 

ગૌરવ ખન્ના

જાણીતાનું જાણવા જેવું

ગૌરવ ખન્ના


કાનપુરથી મુંબઈમાં ભણવા માટે આવેલા ગૌરવ ખન્નાને અનાયાસ મૉડલિંગની ઑફર મળી અને પછી ટીવીની ઑફરો મળવા માંડી. છેલ્લાં ૨૦ વર્ષમાં તેણે વીસથી પણ વધુ સિરિયલોમાં કામ કર્યું છે. અનુપમા સિરિયલથી અતિ લોકપ્રિયતા મેળવનાર અનુજ કાપડિયાએ હાલમાં સેલિબ્રિટી માસ્ટરશેફ જીતીને લોકોના દિલમાં અલગ જગ્યા બનાવી લીધી છે 


ઘણા લોકો મુંબઈ દરરોજ ઍક્ટર બનવા માટે આવે છે. પોતાના શહેરથી અલગ મુંબઈ નગરીમાં પોતાની જગ્યા બનાવવા આવે છે. છતાંય મુંબઈ તેમને એ તક આપે કે નહીં એની કોઈ ગૅરન્ટી હોતી નથી. જોકે કેટલાક લોકો એવા છે જેમને મુંબઈ સામેથી બોલાવે છે. તેમના માટે પોતે તક ઊભી કરે છે. કોઈએ ઍક્ટર બનવાનું કોઈ સપનું જોયું ન હોય છતાં મુંબઈ તેને કહે છે કે તું આ કામ કર. જ્યારે તે વ્યક્તિ મુંબઈની આપેલી આ આજ્ઞા માથે ચડાવે છે, પોતાની પૂરી મહેનત અને લગન સાથે કામ કરવા લાગે છે ત્યારે ભલે તેણે એ સપનું નથી જોયું હોતું, પણ હકીકતમાં તે લોકોના મન પર રાજ કરતી થઈ જાય છે. આવી જ એક વ્યક્તિ એટલે ગૌરવ ખન્ના, જે હાલમાં ભારતનો પહેલો સેલિબ્રિટી માસ્ટરશેફ બની ચૂક્યો છે અને ઘર-ઘરમાં અનુજ કાપડિયા નામના કિરદાર સાથે લોકોના મનમાં વસેલો છે.



મમ્મી-પપ્પા સાથે


તોફાની છતા હોશિયાર

હાલમાં ૪૩ વર્ષનો ગૌરવ મૂળ કાનપુરમાં એક સાધનસંપન્ન બિઝનેસ ફૅમિલીમાં જન્મ્યો. મોટી બહેન પછી ઘરનો નાનો દીકરો એટલે ખૂબ લાડકોડથી ઊછર્યો. પોતાના બાળપણ વિશે વાત કરતાં તે કહે છે, ‘હું તોફાની અને મસ્તીખોર હતો. ભણવામાં ખાસ મહેનત નહોતો કરતો પણ હોશિયાર હતો એટલે ૯૦ ટકા માર્ક્સ એમ જ આવી જતા. કોઈ આર્ટ-ફૉર્મ શીખ્યો નહોતો, પણ બધી જગ્યાએ મારે ભાગ તો લેવો જ હોય. એલોક્યુશન હોય કે ડિબેટ, આપણે એમાં ભાગ લેવા પહોંચી જ ગયા હોઈએ. હું પેઇન્ટિંગ ખૂબ સારું કરતો. પપ્પા તરફથી એ આર્ટ મને વારસામાં મળેલી. ઘરે બધાને લાગતું કે એક દિવસ હું આર્ટિસ્ટ જ બનીશ અને ચિત્રો બનાવીશ. કાનપુરમાં એક પણ એવી સ્પર્ધા નહીં હોય જે મેં જીતી ન હોય. આ બધાને કારણે મારો સ્ટેજ-ફિઅર રહ્યો નહીં. મારો આત્મવિશ્વાસ ઘણો વધ્યો. કૅમેરા ફેસ કરતાં હું ક્યારેય ડર્યો નહીં એનું કદાચ આ જ કારણ હોઈ શકે.’


ગ્રૅજ્યુએશન કાનપુરમાં કર્યા પછી MBA થવા માટે ગૌરવનાં મમ્મી-પપ્પા બન્નેના મત જુદા હતા. એ વિશે વાત કરતાં ગૌરવ કહે છે, ‘મમ્મી ઇચ્છતી હતી કે હું દિલ્હી જાઉં પણ પપ્પાને એમ હતું કે હું મુંબઈ આવું. મને દિલ્હીની કૉલેજમાં ઍડ‍્મિશન પણ મળી ગયું હતું પણ પછી પપ્પાનો દુરાગ્રહ કામ કરી ગયો. એટલે હું મુંબઈ આવ્યો. અંધેરીના વર્સોવામાં હું રહેતો. કાનપુરમાં હું સ્પોર્ટ‍્સ રમતો, જિમ જતો. એટલે મુંબઈ આવીને પણ મેં એ ચાલુ જ રાખ્યું હતું. જિમ ગયા વગર મને ચાલે નહીં. ત્યાં વર્સોવાના જિમમાં હું એકલો જ હતો જે સ્ટુડન્ટ હતો. બાકી મોટા ભાગના લોકો ઇન્ડસ્ટ્રીમાં કામ શોધવા આવેલા કે કામ કરતા હતા. હું દેખાવમાં સારો એટલે બધાને એમ જ લાગતું કે હું તેમનામાંનો જ કોઈ એક છું. ત્યારે બધાને કહેવું પડતું કે ના-ના, હું તો મુંબઈ ભણવા આવ્યો છું. એમાં એક દિવસ મારા એક મિત્રને હું આરામનગર ઑડિશન આપવા લઈ ગયો. ક્યુરિયોસિટીથી હું અંદર ગયો અને તેમણે મને ઑડિશન આપવાવાળો સમજીને લાઇનમાં બેસાડી દીધો. એ સમયે લાગ્યું કે ચાલો, આપી દઉં. તેમને મને પૂછ્યું કે પ્રોફાઇલ આપો. ત્યારે મેં તેમને કહ્યું કે હું તો લાવ્યો નથી, કારણ કે માર્કેટિંગના ફીલ્ડમાં પ્રોફાઇલ એટલે હું સમજ્યો કે બાયોડેટા માગે છે. તેઓ હસી પડ્યા. મને પૂછ્યું કે પહેલી વાર ઑડિશન આપે છે? મેં કહ્યું હા. તો તેમણે મને શીખવ્યું કે લેફ્ટ અને રાઇટ પ્રોફાઇલ ફેસની હોય, આ રીતે ફોટો પડાવવાના હોય. નવાઈની વાત એ છે કે એ એક ઍડનું ઑડિશન હતું. મને એ મળી ગઈ. જે દુનિયા વિશે મને કશી જ ખબર નહોતી એના દરવાજા મારી સામે આપોઆપ ખૂલી ગયા હતા એટલે મેં અંદર ડગ માંડી દીધું.’

પત્ની આકાંક્ષા સાથે

નોકરી છૂટી અને કામ ચાલુ

આ રીતે મૉડલિંગ અને જાહેરાતોની દુનિયામાં ગૌરવે એન્ટ્રી મારી. એ સમયે ગૌરવનું MBA પતી ગયેલું અને તેને મુંબઈની જ એક IT કંપનીમાં જૉબ મળી ગઈ હતી. શરૂઆતમાં જ ૫૦-૫૫ હજાર જેવી સૅલેરી સાથે તેણે શરૂઆત કરી હતી. એ સમયે મૉડલિંગમાંથી જે પૈસા મળતા એ તેની ઇન્કમમાં વધારો હતો એટલે તેને એ સારા લાગતા એટલે નોકરી મળી ગયા પછી પણ તેણે એ કામ ચાલુ રાખ્યું હતું. તાતા ઇન્ડિકૉમ જેવી બ્રૅન્ડ લૉન્ચ થઈ એની ઍડ તેણે કરેલી, તેને મળેલી જૉબથી પણ તે ખુશ જ હતો. એવામાં ટીવીની ઑફર આવી. એ વિશે વાત કરતાં ગૌરવ કહે છે, ‘મને ઍક્ટિંગ વિશે કોઈ અંદાજ નહોતો. શરૂઆતમાં જે ઑફર આવેલી એ નાનકડા રોલ જ હતા. ઘણામાં તો એક ડાયલૉગ પણ ન હોય, ફક્ત ઊભા રહેવાનું હોય. આવું કરતાં-કરતાં સમજ પડી કે શૂટિંગ કઈ રીતે હોય, ઍક્ટિંગ કોને કહેવાય, એ માટે શું કરવાનું હોય વગેરે. કોઈ પણ વસ્તુ પા-પા પગલી સાથે એટલે કે સ્ટેપ-બાય-સ્ટેપ જ આવે જીવનમાં, પણ સાચું કહું તો હું એ સમયે ફક્ત વધારાની આવક માટે જ આ કામ કરી રહ્યો હતો. સરળતાથી મળતું હતું એટલે કરતો હતો. એવામાં મને ‘ભાભી’ નામની સિરિયલમાંથી ઑફર આવી. તેમણે મને કહ્યું કે એક દિવસના શૂટિંગના તને ૬ હજાર રૂપિયા મળશે અને ૨૦ દિવસનું કામ છે. ગણિત શરૂ થઈ ગયું. એક લાખ વીસ હજાર રૂપિયા મને આમાં મળશે. એટલે કે મને મહિનાનો જે પગાર મળતો હતો એનાથી ઘણા વધારે. તો પછી નોકરી છોડી શકાય. એમ વિચારી મેં મારી સારી નોકરી મૂકી દીધી અને ૪ દિવસમાં ‘ભાભી’નું કામ પતી ગયું. મારો રોલ એમણે ટૂંકાવી નાખ્યો. બોલો, પૈસા પણ ગયા અને નોકરી પણ. મેં એ વખતે ઘરે મમ્મી-પપ્પાને કહ્યું જ નહીં કે મેં નોકરી મૂકી દીધી છે, પણ આ બનાવે મને સમજાવ્યું કે ટીવી- ઇન્ડસ્ટ્રી કઈ રીતે કામ કરે છે. લોકોને લાગે છે કે આ ઍક્ટર્સનું મીડિયમ છે; પણ એવું નથી, આ પ્રોડ્યુસરનું મીડિયમ છે. અહીં હંમેશાં એકતરફી કૉન્ટ્રૅક્ટ બનતા હોય. વાર્તાની માગ હોય તો તમે શોમાં ટકો. એટલે કોઈ કહી ન શકે કે તમારો રોલ કેટલો લાંબો ચાલશે.’

મહેનત અનલિમિટેડ

એ પછી ગૌરવને સતત કોઈ ને કોઈ કામ મળતું ગયું અને તે કરતો જ ગયો. ‘કુમકુમ - એક પ્યારા સા બંધન’, ‘તેરી ડોલી મેરે અંગના’, ‘જીવનસાથી-હમસફર ઝિંદગી કે’, ‘CID’, ‘તેરે બિન’, ‘પ્રેમ યા પહેલી-ચંદ્રકાંતા’ જેવી ઘણી સિરિયલો કરી. ૨૦૦૫માં તેણે ટીવીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને ૨૦૨૧માં તેને ‘અનુપમા’ સિરિયલ મળી. એ વિશે વાત કરતાં ગૌરવ કહે છે, ‘૨૦૦૫માં મને કશું જ આવડતું નહોતું. એ સમયે મને શીખવું કઈ રીતે એ આવડતું હતું. મેં સેટ પર જઈને મારા કામને સંપૂર્ણ રીતે સમજવાની કોશિશ કરી. લાઇટમૅન, કૅમેરામૅન, સાઉન્ડ દાદા, મેકઅપમૅન બધા પાસેથી મેં આ ક્રાફ્ટને સમજવાની, આત્મસાત‍્ કરવાની કોશિશ કરી.’

રિયલિટી શો

ગૌરવનું ફીમેલ ફૅન-ફૉલોઇંગ ઘણું છે. ૮૦ વર્ષનાં દાદીથી લઈને ૧૮ વર્ષની છોકરીઓનો તે ફેવરિટ બની ગયો છે. એ ચાર્મ વિશે વાત કરતાં તે કહે છે, ‘હું નાનપણથી જ એવો હતો. ચાર્મ તો મને મારા પેરન્ટ્સ તરફથી મળ્યો છે. મેં એના માટે કશું કર્યું નથી, પણ મારી સફળતાનું શ્રેય ભલે લોકો ચાર્મને આપે, હું મારી મહેનતને આપીશ. હું અતિ મહેનતુ છું. એ હમણાં માસ્ટરશેફમાં પણ લોકોએ જોયું. કોઈ પણ વસ્તુ પામવા માટે હું મારા ૧૦૦ ટકા આપી દઉં છું. બીજો ફાયદો માસ્ટરશેફનો એ થયો કે જ્યારે હું ‘અનુપમા’નો અનુજ બનતો ત્યારે હું લોકોને કહેતો કે મારા માટે આ કિરદાર એટલે ફળ્યું કારણ કે મહદ અંશે હું આવો જ છું. પણ ઘણા લોકોને લાગતું કે હું તો ખાલી કહું છું, પણ માસ્ટરશેફમાં લોકોને ખબર પડી કે હું એવો જ છું. પહેલાં લોકો અનુજ કાપડિયાને પ્રેમ કરતા હતા, મને ખુશી છે કે રિયલિટી શોને કારણે હવે લોકો ગૌરવ ખન્નાને પ્રેમ કરતા થયા છે.’

પત્ની મારી મિત્ર

ગૌરવનાં લગ્નને ૯ વર્ષ થઈ ગયાં છે. એક ઑડિશન આપવા ગયેલા ગૌરવને આકાંક્ષા સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો અને ૮-૯ મહિનામાં તેમણે લગ્ન કરી લીધાં. જોકે લગ્ન પછી પણ એ બન્ને એકબીજાથી ઘણાં દૂર રહ્યાં કામને કારણે. કોવિડે બીજાં અઢળક કપલ્સની જેમ તેમના પર પણ કૃપા કરી. એ દરમિયાન બન્નેએ એકબીજા સાથે ઘણો સમય વિતાવ્યો. ખૂબ ગપ્પાં માર્યાં. કોવિડમાં ક્યારે પતિ-પત્ની દિલોજાન મિત્રો બની ગયાં એ સમજ ન પડી. એ વિશે વાત કરતાં ગૌરવ કહે છે, ‘તે મારી પત્ની પછી અને મિત્ર પહેલાં છે અને એટલે જ એકબીજાને અમે સમજી શકીએ છીએ, માન આપીએ છીએ. મને પેરન્ટહુડની અપેક્ષા છે પણ આકાંક્ષાને હમણાં બાળકની ઇચ્છા નથી. એટલે મેં તેની ઇચ્છાને માન આપ્યું છે. તે મારી સૌથી મોટી ક્રિટિક છે. જો આકાંક્ષા સાથે આજે મારે જેટલી મિત્રતા છે એ ન હોય અને સિમ્પલ પતિ-પત્ની હોત તો લાઇફ આટલી રોમૅન્ટિક ન હોત, બોરિંગ બની જાત. બને કે કંકાસભરી પણ બની ગઈ હોત. મને હૅપી-ગો-લકી પ્રકારનું જીવન ગમે છે, જે અમે જીવી રહ્યાં છીએ.’

ગૌરવ ખન્ના સાથે જલદી ફાઇવ

  જીવનમાં કશું રહી ગયું છે?

જેને વગર માગ્યે બધું મળતું જ ગયું હોય તેની પાસે ફરિયાદો કે અસંતોષ ન હોય, ગ્રેટિટ્યુડ હોય. એટલે કશું રહી તો નથી ગયું.

  કોઈ ફોબિયા?

હું એક વર્કોહૉલિક માણસ છું. મને શૂટ પર એક દિવસની પણ રજા આપે તો હું બેબાકળો થઈ જાઉં છું. મને સતત કામ કરવા મળે એ મારી જરૂરિયાત બની ગયું છે.

  યાદગાર અનુભવ

સૌથી સુખી અનુભવ મારા જીવનના ત્યારે છે જ્યારે હું મારાં મમ્મી-પાપાનાં મોઢાં પર મારે કારણે સ્માઇલ જોઉં છું. એ સ્માઇલમાં એવો ભાવ છે કે મારા દીકરાએ કશુંક કર્યું. બસ, જીવનભર એ સ્માઇલ જોઈ શકું એવી ઇચ્છા છે.

  ઍક્ટિંગ સિવાય શું ગમે?

હું ફૂડી છું. બસ, મને સારું ખાવાનું આપો એટલે મસ્ત. બાકી મમ્મી સાથે આજે પણ કાનપુરમાં નીકળી પડું. શૉપિંગ કરતી વખતે બાર્ગેનિંગ કરાવું, તેમના થેલા ઉપાડું, શેરી-ગલીઓમાં જેમ પહેલાં ખાતો એમ જ ખાઉં. એકદમ નૉર્મલ જીવન જીવું.

  હવે આગળ ફૂડ કે ઍક્ટિંગ?

હજી વિચાર્યું નથી. માસ્ટરશેફમાં ભાગ લેનારા ઘણા લોકો રેસ્ટોરાં ખોલવાની વાત વિચારી રહ્યા છે. પણ હું હંમેશાંથી રિયલિસ્ટિક સપનાંઓ જોઉં છું. એટલે હમણાં એવો કોઈ પ્લાન નથી.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2025 03:37 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK