શ્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર ઍનિમલ હૉસ્પિટલની આધારશિલાનું પૂજન
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા મુંબઈમાં આયોજિત પર્યુષણ મહાપર્વ ઉજવણી માટે વિશ્વભરમાંથી ઊમટેલો માનવ મહેરામણ.
તાજેતરના સમયમાં મુંબઈનું સૌથી મોટું ઇન્ડોર સ્ટેડિયમ-NSCI ડોમ જૈનોના સૌથી મોટા આધ્યાત્મિક સમારોહમાંના એકનું સાક્ષી બન્યું હતું, જ્યાં પર્યુષણ મહાપર્વની ઉજવણીઓમાં જૈન ધર્મના તમામ સંપ્રદાયના અને વિવિધ ક્ષેત્રોના ભાવિકો દરરોજ સવાર-સાંજ એકત્રિત થતા હતા. આ ભવ્ય ઉજવણીના કેન્દ્રસમ પૂ. ગુરુદેવશ્રી રાકેશજીનાં ગહન છતાં સરળ અને સચોટ પ્રવચનોએ તીર્થંકરોના પ્રાચીન માર્ગને આધુનિક જીવન માટે સુસંગતતા સાથે પ્રકાશિત કર્યો હતો. તર્ક, વિજ્ઞાન અને હૃદયસ્પર્શી કરુણા દ્વારા શાશ્વત જ્ઞાનને સમજાવવાની તેમની અજોડ ક્ષમતાએ ફક્ત આ હજારો ભાવિકોને જ નહીં, પરંતુ વિશ્વભરના લાખો ડિજિટલી ટ્યુન ઇન કરનારા ભાવિકોને પણ મોહિત કર્યા હતા. અહીં તેમના સત્સંગ અને અન્ય પવિત્ર પ્રસ્તુતિઓ દ્વારા સાત્ત્વિક આનંદ અને ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ઉત્સાહનું અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું હતું.
આ મહાપર્વના છઠ્ઠા દિવસે, ૨૬ ઑગસ્ટની સાંજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન માનનીય શ્રી દેવેન્દ્ર ફડણવીસજી પૂ. ગુરુદેવશ્રી રાકેશજીના આશીર્વાદ અર્થે પધાર્યા હતા. આ પ્રસંગે પૂ. ગુરુદેવશ્રી રાકેશજી અને શ્રી દેવેન્દ્ર ફડણવીસજીએ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા મુંબઈના મલાડમાં ૮૬,૦૦૦ ચો. ફુટમાં નિર્માણ થનારી શ્રીમદ્ રાજચંદ્ર ઍનિમલ હૉસ્પિટલના આધારશિલાનું પૂજન અને તકતીનું અનાવરણ કર્યું હતું. ૧૦૦ બેડની નાનાં-મોટાં તમામ પ્રાણીઓ માટેની આ હૉસ્પિટલ પશુ આરોગ્ય-સંભાળનું એક અત્યાધુનિક મૉડલ હશે, જેમાં પાંચ ઑપરેશન થિયેટર, ૨૪/૭ ઇમર્જન્સી વિભાગ, એક્સ-રે, સી. ટી. સ્કૅન અને MRI તથા કેથ લૅબ અને પેથ લૅબ સહિત કાર્ડિયોલૉજી, ઑન્કોલૉજી, ઑપ્થોમોલૉજી, દંત-ચિકિત્સા સાથે જનરલ સર્જરી, વિશિષ્ટ સર્જરીની અનેક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
ADVERTISEMENT
મહાપર્વના છઠ્ઠા દિવસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસ પૂ. ગુરુદેવશ્રી રાકેશજીના આશીર્વાદ અર્થે પધાર્યા હતા.
શ્રી દેવેન્દ્ર ફડણવીસજીએ આ પ્રસંગે કહ્યું કે ‘પર્યુષણનું નિમિત્ત લઈને આપણી અધ્યાત્મિક ચેતનાને જાગૃત કરી રહ્યા છે એવા પૂ. ગુરુદેવશ્રી રાકેશજીને હું પ્રણામ કરું છું. ભગવાન મહાવીરે આપણને શીખવ્યું છે કે સમાજે ફક્ત પોતાના માટે નહીં, પણ જીવ માત્ર માટે વિચારવાનું છે. મારા માટે અત્યંત ગર્વની વાત છે કે આજે પર્યુષણ મહાપર્વના પ્રસંગે એક નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે જ્યારે મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા આધુનિક પશુ હૉસ્પિટલનો પાયો નખાઈ રહ્યો છે. મુંબઈ માટે આ એક મોટી ભેટ છે. આવા શુભ કાર્ય માટે મને આમંત્રિત કર્યો એ બદલ હું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર અને પૂ. ગુરુદેવશ્રીનો ખરેખર આભારી છું. શ્રીમદ્ રાજચંદ્રજી જેવા સંતના વિચારોને પૂજ્ય ગુરુદેવશ્રી અત્યંત સમર્થતા સાથે આગળ ધપાવી રહ્યા છે. એ અત્યંત પ્રેરણાદાયક છે કે તેઓ યુવાઓને કેવી રીતે જોડે છે. હું બધાને વિનંતી કરું છું કે પૂ. ગુરુદેવશ્રી આજના સમયમાં યુવાનોનું નેતૃત્વ કઈ રીતે કરી રહ્યા છે, એ જોવું જોઈએ. આગામી SRMD ગ્લોબલ યુથ ફેસ્ટિવલ એ જ દિશામાં એક પ્રયાસ છે. મને વિશ્વાસ છે કે એ ખૂબ જ સફળ થશે અને યુવાઓને દિશા બતાડશે.’
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી.
આ અષ્ટદિવસીય ઉજવણીઓમાં સવાર-સાંજ પૂ. ગુરુદેવશ્રી રાકેશજીનાં સંવેગવર્ધક પ્રવચનોની અદ્ભુત સરવાણી વહી હતી. સવારનાં પ્રવચનો ‘નાટક સમયસાર’ના સંવર અધિકાર પર અને સાંજનાં પ્રવચનો શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત : પાત્રાંક ૫૦૫ પર આધારિત ‘સંસારરોગનું હિતકારી ઔષધ’ આ વિષય પર હતાં. આ સત્સંગ-શ્રેણીઓએ શ્રોતાઓ પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. તો સવારની સ્નાત્રપૂજા અને સાંજની વિવિધ ભક્તિમય પ્રસ્તુતિઓ, નાટ્યપ્રયોગ-એક આતમરાસી કી અનોખી કહાની, બાળકો દ્વારા હૃદયસ્પર્શી પ્રસ્તુતિ–ગૅલૅક્સી ઑફ ગ્રેસ, વિધ્યાત્મન-શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ યુનિવર્સિટીની પરિકલ્પના, ભગવાન મહાવીરના જન્મોત્સવની ઉજવણીઓ, જયવીરાય સૂત્ર પારાયણ-પરમાત્મા પ્રત્યે ૧૩ પ્રાર્થના વગેરે ઉત્સવનું ભવ્ય વાતાવરણ સર્જ્યું હતું. તો આઇ લવ પર્યુષણનાં આનંદદાયક સત્રોએ ૬થી ૧૬ વર્ષનાં બાળકોને રસમય રીતે ધર્મની સમજણ આપી હતી.
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં નિર્માણ થનારી ‘શ્રીમદ્ રાજચંદ્ર ઍનિમલ હૉસ્પિટલ’ની આધારશિલાનું પૂજન કર્યું હતું.
આ અષ્ટદિવસીય ઉજવણીઓમાં પૂ. ગુરુદેવશ્રી રાકેશજી લિખિત પુસ્તક ‘સુણો સમજો સાધો’નું ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં વિમોચન કરવામાં આવ્યું હતું, એને ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. ‘ઑન લાઇન કોર્સ ઑન શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’નો પણ શુભારંભ કરવામાં આવ્યો, જે આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીની સર્વોત્તમ કૃતિના શાશ્વત જ્ઞાનને વિશ્વભરના સાધકો માટે અંગ્રેજીમાં સુલભ બનાવશે. બુધવાર, ૨૭ ઑગસ્ટે આ ક્ષમાપર્વની પવિત્ર પરાકાષ્ઠાના દિને અત્યંત ભાવવાહી અને હૃદયસ્પર્શી સાંવત્સરિક આલોચનામાં સૌની આંખો અને હૃદય ભીંજાયાં હતાં અને સૌએ આંતરિક શુદ્ધિનો અનુભવ કર્યો હતો.
આમ પૂ. ગુરુદેવશ્રી રાકેશજીની નિશ્રામાં ઊજવાયેલ પર્યુષણપર્વ સ્વયંની નિકટતા કેળવતું અને સર્વ જીવ પ્રત્યેની મૈત્રીને વર્ધમાન કરતું ઉત્કૃષ્ટ ક્ષમાપર્વ બની રહ્યું. સમાજના અગ્રગણ્ય મહાનુભાવોની અહીં ઉપસ્થિતિ અને સમર્થન તેમના વિશ્વાસ અને ચાહનાનું પ્રમાણ છે.

