મહિલાનું માથું ટાંકીની બહાર જોઈને પાડોશીઓએ દોડીને બચાવી લીધી, પણ તેના બન્ને દીકરાઓના જીવ જતા રહ્યા
જનેતાએ પાણીની આ ટાંકીમાં બે પુત્રોને ડુબાડીને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પુણે જિલ્લાના હવેલી તાલુકાના થેઉર ગ્રામપંચાયતની હદમાં આવેલા દત્તનગરમાં ગઈ કાલે સવારે અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. સવારે સાડાઆઠ વાગ્યે એક મહિલાએ તેના બે મહિના પહેલાં જન્મેલા ટ્વિન્સને પાણીની ટાંકીમાં નાખીને મારી નાખ્યા બાદ પોતે પણ ડૂબીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકો નાનાં હતાં એટલે ૧૦૦૦ લીટરની પાણીની ટાંકીમાં ડૂબી ગયાં હતાં, પણ મહિલાએ ટાંકીમાં ઝંપલાવ્યું ત્યારે ટાંકીમાં પાણી વધારે હતું એટલે મહિલા એમાં પડી ત્યારે તેનું માથું ટાંકીની બહાર બેથી ત્રણ વખત આવ્યું હતું એ પાડોશીએ જોઈ લીધું હતું. પાડોશીએ દોડીને મહિલાને ટાંકીની બહાર ખેંચી લીધી હતી એટલે તે બચી ગઈ હતી, પણ તેનાં બન્ને બાળકો પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યાં હતાં. આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરી જતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
સ્થાનિક લોણી કાળભોર પોલીસે જણાવ્યું હતું કે પ્રતિભા હેમંતકુમાર મોહિતેએ બે મહિના પહેલાં બે પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રોની તબિયત જન્મ થયા બાદથી સતત ખરાબ રહેતી હતી એટલે પ્રતિભા થોડા દિવસ પહેલાં તેના પિયરમાં આવી હતી. સવારના સમયે ઘરમાં માતા-પિતા સૂતાં હતાં ત્યારે પ્રતિભા તેના બન્ને પુત્રોને લઈને અગાસી પર ગઈ હતી. તેણે પહેલાં પુત્રોને ટાંકીમાં નાખી દીધા હતા અને બાદમાં પોતે પણ ડૂબીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પુત્રોની બીમારીથી કંટાળીને પ્રતિભા મોહિતેએ આ પગલું ભર્યું હોવાનું જણાયું હતું.

