Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળમાં પુષ્પા ઝુક ગયા

પશ્ચિમ બંગાળમાં પુષ્પા ઝુક ગયા

Published : 20 May, 2026 10:17 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાલ્તામાં પુન: મતદાન થવાનું છે ત્યારે મતદાનના ૪૮ કલાક પહેલાં મમતા બૅનરજીના પક્ષના જહાંગીર ખાને કહ્યું કે હું ચૂંટણીની રેસમાંથી બહાર છું

જહાંગીર ખાન

જહાંગીર ખાન


પશ્ચિમ બંગાળમાં ફાલ્તા વિધાનસભા મતવિસ્તારમાં પુનઃ મતદાનના બે દિવસ પહેલાં ગઈ કાલે તૃણમૂલ કૉન્ગ્રેસના ઉમેદવાર, મમતા બૅનરજીના ભત્રીજા અભિષેક બૅનરજીના સહાયક અને પોતાને ‘પુષ્પા’ ગણાવતા જહાંગીર ખાને જાહેરાત કરી હતી કે હું હવે કોઈ ચૂંટણી નહીં લડું, હું આ ચૂંટણીની રેસમાંથી બહાર છું.

તૃણમૂલ કૉન્ગ્રેસનો ગઢ મનાતી સાઉથ 24 પરગણાની આ બેઠક પર જહાંગીર ખાનનો મુકાબલો BJPના ઉમેદવાર દેવાંગશુ પાંડા, ડાબેરી પક્ષના શંભુ કુર્મી અને કૉન્ગ્રેસના અબ્દુર રઝાક વચ્ચે થવાનો હતો; પણ જહાંગીર ખાને નામ પાછું ખેંચવાથી BJPના ઉમેદવારનો રસ્તો ઘણો સરળ થયો છે. જહાંગીર ખાને અચાનક પોતાનું નામ પાછું ખેંચવાની જાહેરાત કરી હોવા છતાં ૨૧ મેએ મતદાન નિર્ધારિત સમય મુજબ થશે. આ ચૂંટણી પહેલાં ૨૯ એપ્રિલે થઈ હતી, પણ મતદાનમાં ધાંધલીના પગલે એને રદ કરવામાં આવી હતી અને ૨૧ મેએ ફરી મતદાન થવાનું છે.
પ્રચારના છેલ્લા દિવસે ગઈ કાલે જહાંગીર ખાને એક પ્રેસ-કૉન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે ‘હું હવે આ ચૂંટણી લડવાનો નથી. મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ ફાલ્તાના વિકાસ માટે ખાસ પૅકેજ જાહેર કર્યું છે. હું આ ચૂંટણીમાંથી ખસી રહ્યો છું.’



જોકે તેમણે સ્પષ્ટતા કરી નહોતી કે આ નિર્ણય અભિષેક બૅનરજીના નિર્દેશ પર કે તૃણમૂલ કૉન્ગ્રેસના ટોચના નેતૃત્વના નિર્દેશ પર લેવામાં આવ્યો હતો. બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ આ અંગે કમેન્ટ કરતાં કહ્યું હતું કે તેઓ એટલા માટે ભાગી ગયા છે કારણ કે તેમને કોઈ મતદાન એજન્ટ પણ નહીં મળે.


સુવેન્દુ અધિકારીના PAની હત્યા કરનારા મુખ્ય શૂટરની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીના પર્સનલ અસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની હત્યા કરનાર મુખ્ય શૂટર રાજકુમારની ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ મુઝફ્ફરનગર પોલીસ સાથે મળીને રાજકુમારની ધરપકડ કરી હતી. CBIએ આરોપી માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા છે અને તેને કલકત્તાની સ્પેશ્યલ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી બીજા ત્રણ-ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

નિયમ શું કહે છે?
નૉમિનેશન પાછું ખેંચવાની અંતિમ તારીખ પસાર થઈ ગઈ હોવાથી જહાંગીર ખાનનું નામ અને ચૂંટણી-પ્રતીક ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) પર રહેશે, પરંતુ તેઓ વ્યક્તિગત રીતે રેસમાંથી બહાર થઈ ગયા છે.


તુમ સિંઘમ હો તો મૈં પુષ્પા, ઝુકેગા નહીં
ચૂંટણીપ્રચાર દરમ્યાન જહાંગીર ખાન પોતાની દબંગ શૈલી અને નિવેદનો માટે સતત હેડલાઇન્સમાં રહેતા હતા. ચૂંટણીપંચે ઉત્તર પ્રદેશના પ્રખ્યાત ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી અજય પાલ શર્માને ફાલ્તામાં નિરીક્ષક તરીકે મોકલ્યા હતા. આ વિસ્તારમાં પહોંચ્યા પછી અજય પાલ શર્માએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જહાંગીર ખાન સે કહ દેના, ગુંડાગર્દી નહીં ચલને દૂંગા.
આના જવાબમાં જહાંગીર ખાને ફિલ્મી શૈલીમાં એક જાહેર સભામાં કહ્યું હતું કે અગર તુમ સિંઘમ હો તો મૈં પુષ્પા હૂં... પુષ્પરાજ ઝુકેગા નહીં. જહાંગીર ખાનનું આ નિવેદન સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું હતું અને જહાંગીર ખાનની ઘણી રીલ્સની પણ ચર્ચા થઈ હતી, પરંતુ હવે આ જ પુષ્પાએ મતદાન પહેલાં જ ચૂંટણીનું મેદાન છોડી દીધું છે.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2026 10:17 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK