મસ્જિદ-માટુંગાના પદયાત્રી પુલો જોખમી જાહેર થયા બાદ બંધ કરવાનો લેવાયો નિર્ણય, તહેવાર દરમ્યાન વધનારી ભીડને વૈકલ્પિક માર્ગે વાળવી મહાનગરપાલિકા અને રેલવે માટે મોટો પડકાર
૪ મહિનાથી બંધ પડેલો ભંડારી સ્ટ્રીટ ફુટ ઓવર બ્રિજ (FOB) અને એના પર લગાડવામાં આવેલું બૅનર.
ગણપતિબાપ્પા પધાર્યા છે અને નવરાત્રિ-દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે એ સમયે મુંબઈની લોકલ ટ્રેનોમાં અને રેલવે-સ્ટેશનો પર ભીડ વધવાની છે ત્યારે મસ્જિદ બંદર સ્ટેશનના ફુટ ઓવર બ્રિજ (FOB) બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના સ્ટ્રક્ચરલ ઑડિટમાં પુલોના મહત્ત્વના ભાગો જર્જરિત જોવા મળતાં તાત્કાલિક અવરજવર રોકવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે પ્રશાસનના આ નિર્ણય અને બ્રિજ બંધ થવાથી મસ્જિદ બંદરના વેપારીઓ નારાજ થઈને આક્રોશ વ્યક્ત કરતાં કહે છે કે સુરક્ષા માટે લેવાયેલા આ નિર્ણયથી તહેવારોના સમયે અમારી હાલાકી વધી છે અને અમારા બિઝનેસ પર એની અસર જોવા મળી રહી છે, તહેવારોના સમયે મસ્જિદ બંદર સાથે જોડતા મુંબઈના બે FOB પ્રશાસને બંધ કરી દીધા છે, મુંબઈગરાઓ માટે આ એક મોટો આંચકો છે.
સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ ચિંતિત છે કે થાણે તરફના બ્રિજ પર થતી ભીડને કારણે ગમે એ સમયે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
ADVERTISEMENT
કયા-કયા બ્રિજ બંધ થયા?
મુંબઈ મહાનગરપાલિકા અને રેલવેના અધિકારીઓની ૨૭ ઑગસ્ટની સંયુક્ત તપાસ બાદ IIT-બૉમ્બેએ ૩૧ ઑગસ્ટે ચારેય પુલના અલગ-અલગ ઑડિટ-રિપોર્ટ આપ્યા એ પછી મસ્જિદ બંદરનો ભંડારી FOB, મસ્જિદ સ્ટેશન FOB, ભાઉદાજી રોડનો માટુંગા લેવલ-ક્રૉસિંગ FOB અને ગુરુનાનક હાઈ સ્કૂલ નજીકનો માટુંગા-ધારાવી FOBને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા છે. આમાંથી મસ્જિદ બંદરનો ભંડારી FOB તો છેલ્લા ૪ મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો છે. રેલવેના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ IITએ આ ચારેય બ્રિજને પદયાત્રીઓની અવરજવર માટે તાત્કાલિક બંધ કરવાની અને જરૂર પડે તો પુલો તોડીને નવેસરથી બનાવવાની ભલામણ કરી છે.
ભીડને વૈકલ્પિક માર્ગે વાળવાનો પડકાર
પુલો બંધ કરવાથી મુસાફરોને અન્ય FOB, સબવે અથવા રોડ-ક્રૉસિંગ તરફ વાળવા પડશે એમ જણાવતાં સ્થાનિક વેપારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમ્યાન દર્શન, મંડપો અને ધાર્મિક કાર્યક્રમોને કારણે મસ્જિદ બંદરમાં ભીડ રહેતી હોય છે. આવા સંજોગોમાં અવરજવર માટે ડાઇવર્ઝન ક્યાં છે? અને મુસાફરોને એની જાણ કેવી રીતે થશે? જેવા પ્રશ્નો મહત્ત્વના બની ગયા છે. રેલવે અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) માટે માત્ર બૅરિકેડ્સ લગાવવાં પૂરતું નહીં રહે. વૈકલ્પિક માર્ગોની સ્પષ્ટ સાઇનેજ, સ્ટેશન પર જાહેર સૂચનાઓ, ભીડવાળાં સ્થળોએ સ્ટાફની હાજરી અને પીક સમય દરમ્યાન સતત દેખરેખ જરૂરી બનશે, જેથી એક સ્થળની ભીડ બીજા સ્થળે જોખમી રીતે એકઠી ન થાય. પ્રશાસન માટે આ એક મોટો પડકાર બની શકે એમ છે.’
સુરક્ષિત વિકલ્પ જરૂરી
મસ્જિદ બંદરના વેપારીઓએ વધુમાં કહ્યું હતું કે ‘અમે સમજી શકીએ છીએ કે IIT-મુંબઈના ઑડિટ બાદ લેવાયેલો આ નિર્ણય મુસાફરોની સલામતી માટે જરૂરી છે. જોકે તહેવાર દરમ્યાન વધનારી ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષિત વૈકલ્પિક પદયાત્રી માર્ગ તૈયાર કરવો પણ એટલો જ મહત્ત્વનો છે. આ ઘટના મુંબઈના જૂના પદયાત્રી પુલોની સમયસર તપાસ, મરામત અને પુનર્નિર્માણની વ્યવસ્થા વિશે પણ સવાલ ઊભો કરે છે. સ્ટ્રક્ચરલ ખામી મળ્યા બાદ પુલ બંધ કરવાની સ્થિતિ ઊભી થાય એ પહેલાં જ જરૂરી કામગીરી થઈ શકે એવી વ્યવસ્થા કેટલી અસરકારક છે એની પણ સમીક્ષા જરૂરી છે.’
બંધ થયેલા ૪ FOB
ભંડારી FOB — મસ્જિદ
મસ્જિદ સ્ટેશન FOB
માટુંગા લેવલ ક્રૉસિંગ FOB — ભાઉદાજી રોડ
માટુંગા-ધારાવી FOB — ગુરુનાનક હાઈ સ્કૂલ નજીક

બે ફુટ ઓવર બ્રિજ બંધ થવાથી થાણે તરફના બ્રિજ પરની ભીડ.

મસ્જિદ બંદરના વેપારીઓ શું કહે છે?
મોટી ઉપાધિ થઈ ગઈ છે
જ્યાં રોજ લાખો લોકોની અવરજવર છે એવા મસ્જિદ બંદર સ્ટેશન પર અન્ય બ્રિજ બંધ થઈ ગયા છે અને એક જ પુલ ચાલુ હોવાને કારણે મેઇન રોડ અને સ્ટેશન પર ખૂબ ભીડ થાય છે. પ્લૅટફૉર્મથી બહાર આવતાં આઠથી ૧૦ મિનિટ લાગે છે. સ્ટેશનની બહાર ફેરિયાઓનો અડિંગો છે એટલે રોડ પર ખૂબ ગિરદી થાય છે. અત્યારે ગણેશોત્સવમાં અને આવી રહેલા તહેવારોમાં આ ભીડમાં વધારો થશે. મુંબાદેવી જવા માટે આ જ એક રસ્તો છે અને આમ પણ નવરાત્રિમાં અહીં ખૂબ ભક્તો આવતા હોય છે એટલે તકલીફ વધશે. પ્રશાસન જો દિવાળી સુધી બ્રિજના રિપેરિંગ અને રિનોવેશનને રોકી શકે તો સારું, નહીં તો અહીંની એશિયાની સૌથી જૂની મેવા મસાલા માર્કેટના વેપારને અને નજીકની અન્ય જથ્થાબંધ બજારોને મોટી અસર થશે. ભગવાન કરે ને કોઈ દુર્ઘટના ન સર્જાય. - યોગેશ ગણાત્રા, મુંબઈ મેવા મસાલા મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ
૪૦ વર્ષમાં આવી હાલાકી નથી જોઈ
મસ્જિદ બંદર સ્ટેશન મુંબઈનું સૌથી મોટું અને મહત્ત્વનું વેપારી હબ છે. ઉપનગરોમાંથી લાખો લોકો રોજ મસ્જિદ બંદર અવરજવર કરે છે. સુરક્ષા માટે આ સ્ટેશનના બધા જ બ્રિજને જોખમી જાહેર કરીને બંધ કરતાં પહેલાં પ્રશાસને વેપારીઓ અને તેમના ગ્રાહકોની પણ ચિંતા કરવી અત્યંત જરૂરી હતી. હું છેલ્લાં ૪૦ વર્ષથી મારા હાર્ડવેરના બિઝનેસ માટે નાગદેવી સ્ટ્રીટમાં મસ્જિદ બંદર સ્ટેશન ઊતરીને આવું છું. બ્રિજ બંધ થવાથી જે હાલાકી વેપારીઓ અને ગ્રાહકો ભોગવી રહ્યા છે એ અગાઉ ક્યારેય જોવા મળી નથી. પ્રશાસને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની જરૂર હતી. પ્રશાસન એમાં નિષ્ફળ ગયું છે. - અશોક ગાંધી, હાર્ડવેરના વેપારી, નાગદેવી સ્ટ્રીટ
મહિલાઓ અસુરક્ષિત
મસ્જિદ બંદર ખાતે દક્ષિણ તરફનો પુલ છેલ્લા ૪ મહિનાથી બંધ હતો અને બે દિવસથી વચ્ચેનો પુલ જે અભેચંદ ગાંધી માર્ગ અને વડગાદી માર્કેટને જોડે છે એ પણ બંધ કરવામાં આવ્યો છે એને કારણે ગણપતિમાં અને અન્ય તહેવારોની ખરીદી માટે આવતા લોકોને ખૂબ ત્રાસ સહન કરવો પડે છે. ફક્ત યુસુફ મેહર અલી રોડ તરફનો બ્રિજ કાર્યરત હોવાથી ભીડમાં વધારો થયો છે, જેને કારણે આવતી-જતી મહિલાઓએ ધક્કામુક્કી અને અણછાજતાં અડપલાં સહન કરવાં પડે છે. ચોરોની ઘણી ગૅન્ગ છે જે બૅગની ચેઇન ખોલીને ચોરી કરે છે. મેઇન રોડ પર ફેરિયાઓને લીધે રસ્તો સાંકડો થયો છે અને પબ્લિક ડબલ થઈ ગઈ છે. કેમિકલબજાર અને કાથાબજારમાં કામ કરતા લોકોએ ફરીને આવવું પડે છે. રેલવેએ અને મહાનગરપાલિકાના પ્રશાસને તહેવારો પૂરા થયા પછી FOBનું રિપેરિંગ કે નૂતનીકરણ શરૂ કરવાની જરૂર હતી. - ઉષા મકવાણા, સ્થાનિક રહેવાસી, ટેલર, મસ્જિદ બંદર
