રવિવારે સવારે શહેરનાં ઉપનગરોમાં વરસાદે દેખા દીધી
પ્રતીકાત્મક તસવીર
હવામાન ખાતાએ એક પછી એક તારીખ આપ્યા બાદ આખરે મૉન્સૂનનો પહેલો વરસાદ મુંબઈમાં રવિવારે વરસ્યો હતો. હવામાન ખાતાએ જણાવ્યા અનુસાર મૉન્સૂનનો પહેલો વરસાદ ગઈ કાલે રવિવારે વરસ્યો હતો. મુંબઈમાં અનેક વિસ્તારો ઉપરાંત થાણેમાં પણ વરસાદ વરસ્યો હતો જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી.
હવામાન ખાતાની આગાહી મુજબ ૨૩ જૂન બાદ મૉન્સૂન મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં બેસવાની પૂરી તૈયારી છે અને એના કારણે મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતાં જળાશયોના વિસ્તારમાં પણ વરસાદ વરસતાં પાણીકાપની સમસ્યા દૂર થવાની શક્યતા છે.
ADVERTISEMENT
પહેલાથી જ મૉન્સૂન મોડું થવાના કારણે મુંબઈગરાઓને પાણીકાપની સમસ્યા વેઠવી પડી રહી છે. જળાશયોમાં પાણીનો કુલ જથ્થો ૯ ટકાથી પણ ઓછો બચ્યો છે.
થાણેમાં પણ ૯.૩૦થી ૧૧.૩૦ વાગ્યા દરમ્યાન બે મિ.મી. વરસાદ પડ્યો હતો. ભિવંડી, ટિટવાલા, બદલાપુર જેવા વિસ્તારોમાં પણ રવિવારે હળવો વરસાદ જોવા મળ્યો હતો.
બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ આજે અને આવતી કાલે મુંબઈમાં યલો અલર્ટ જાહેર કરાયો છે અને ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે એવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
પચીસ જૂન પછી મહારાષ્ટ્રમાં ભારે વરસાદ
હવામાન ખાતાની આગાહી મુજબ પચીસ જૂન બાદ મુંબઈ સહિત રાજ્યમાં જોરદાર વરસાદ પડશે. રવિવારે મુંબઈ, થાણે સિવાય પુણે કોંકણ, સાતારા જેવા મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.
સોલાપુરમાં ૧૪ દિવસ રોકાયાં વાદળાં
ભારતના આકાશમાંથી વરસાદી વાદળાં ગાયબ હોવાની સૅટેલાઇટ ઇમેજિસ જાહેર કરાઈ હતી અને પવનની દિશા બદલાતાં વરસાદી વાદળો બીજે ફંટાઈ ગયાં હોવાનું જણાવાયું હતું. મહારાષ્ટ્રમાં ચોમાસું વાદળાં સોલાપુરમાં ૧૪ દિવસ સુધી રોકાયેલાં રહ્યાં હોવાના કારણે ચોમાસું બેસવામાં વિલંબ થયો હતો.
