સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે ‘શિવસેના કોની એ નિર્ણય હજી સુધી સુપ્રીમ કોર્ટ ૪ વર્ષમાં આપી શકી નથી એ તેમના દબાણને કારણે
સંજય રાઉત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમની કોલ્હાપુરની મુલાકાત દરમ્યાન જાહેરમાં કહ્યું હતું કે હવે એક જ શિવસેના રહી છે અને એકનાથ શિંદે એના અધ્યક્ષ છે એ વાતને લઈને શિવસેના (UBT)માં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે. શિવસેના (UBT)ના રાજ્યસભાના સભ્ય અને નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ‘આ હિન્દુ હૃદયસમ્રાટ શિવસેના-પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું અપમાન છે. અમિત શાહ અવારનવાર મહારાષ્ટ્રનું અને શિવસેના-પ્રમુખનું અપમાન કરતા હોય છે. મૂળમાં શિવસેના એક જ છે અને એ બાળાસાહેબ ઠાકરેની અને ઉદ્ધવ ઠાકરેની છે. જે રીતે અત્યંત દ્વેષબુદ્ધિથી, વેર રાખીને અમિત શાહે મિંધે (એકનાથ શિંદે)નો ઉલ્લેખ શિવસેના-પ્રમુખ એ રીતે કર્યો એ તેમના મનમાં રહેલો મહારાષ્ટ્ર, શિવસેના-પ્રમુખ અને મરાઠી માણૂસ પ્રત્યેનો દ્વેષ છે. એકનાથ શિંદે અમિત શાહનું ટેસ્ટટ્યુબ બેબી છે અને એને ૪ વર્ષ થયાં છે. અમિત શાહે તેમણે તૈયાર કર્યા છે. તમે જેટલા દ્વેષથી શિવસેના-પ્રમુખનું અપમાન કરશો એટલા જ દ્વેષથી મહારાષ્ટ્રની જનતા તમારી સામે ઊભી રહેશે.’
આ શું સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે? એવો સવાલ કરીને સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે ‘શિવસેના કોની એ નિર્ણય હજી સુધી સુપ્રીમ કોર્ટ ૪ વર્ષમાં આપી શકી નથી એ તેમના દબાણને કારણે. સુપ્રીમ કોર્ટ તેમના દબાણના કારણે નિર્ણય આપતી નથી. તમે જ્યારે સુપ્રીમ કોર્ટનો અધિકાર લઈને કહો છો કે શિવસેના કોની છે તો એ બાબત જ સ્પષ્ટ કરે છે કે અમિત શાહના દબાણના કારણે જ સુપ્રીમ કોર્ટ નિર્ણય નથી આપી રહી. અમિત શાહના દબાણના કારણે જ ઇલેક્શન કમિશને શિવસેના પક્ષ અને એનું ચિહન મિંધે જૂથને આપ્યું. વળી અમિત શાહની દહેશત અને દબાણને કારણે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને કારણે શિવસેના ફોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈ કાલે તેમણે જે કહ્યું એ તેમના પેટમાં ઝેર હતું એ હોઠ પર આવી ગયું હતું. શિવસેના-પ્રમુખની જગ્યા લેવાની પ્રેરણા એકનાથ શિંદેને અમિત શાહે આપી. એથી જ મહારાષ્ટ્રનું બહુ જ નુકસાન થયું છે. આમ હોવા છતાં જો મિંધે જૂથ તેમનું કહ્યું માનતું હોય તો એ મહારાષ્ટ્રની માટીથી, તેમની જનનીથી ગદ્દારી કરી રહ્યા છે.’
