લુપ્ત થવાને આરે આવી ગયેલી લંગૂરની આ પ્રજાતિનાં બે બચ્ચાંમાંથી એક મૃત્યુ પામ્યું,
મુંબઈ ઍરપોર્ટ પર કસ્ટમ્સે પકડી પાડેલા સિલ્વરી ગિબનમાંથી એકનું મોત થયું હતું.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી રૅર પ્રજાતિમાં સ્થાન પામતા, સિલ્વરી ગિબન તરીકે ઓળખાતા લંગૂરનાં બે બચ્ચાંનું સ્મગલિંગ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બુધવારે પકડી પાડ્યું હતું. ચોક્કસ માહિતીના આધારે બૅન્ગકૉકથી આવેલા પૅસેન્જરની ટ્રૉલી-બૅગ ચેક કરવામાં આવતાં એમાંથી બે સિલ્વરી ગિબન મળી આવ્યાં હતાં. જોકે એમાંનું એક મૃત્યુ પામ્યું હતું. એક બચ્ચું ૪ મહિનાનું હતું અને બીજું તો અઢી જ મહિનાનું હતું. બન્ને બચ્ચાંને નાનીએવી ટોપલીમાં મૂકીને એ ટોપલી ટ્રૉલી-બૅગમાં રાખવામાં આવી હતી. તે પૅસેન્જરની ધરપકડ કરીને તેની સામે કસ્ટમ્સ ઍક્ટ અને ધ વાઇલ્ડલાઇફ (પ્રોટેકશન) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
કસ્ટમ્સ અધિકારીઓને તપાસ દરમ્યાન એવું જાણવા મળ્યું હતું કે જેની પાસેથી એ બચ્ચાં મળી આવ્યાં હતાં તે પૅસેન્જર પહેલાં મલેશિયાથી થાઇલૅન્ડ ગયો હતો. થાઇલેન્ડમાં દુર્લભ પ્રાણીઓની દાણચોરી કરતી ગૅન્ગના એક સભ્યે તેને આ બૅગ આપી હતી જે તેણે ભારત પહોંચાડવાની હતી.
ADVERTISEMENT
આ સિલ્વરી ગિબન લુપ્ત થવાના આરે છે. આખા વિશ્વમાં એ ફક્ત ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર જ જોવા મળે છે. હાલ એમની સંખ્યા માત્ર ૨૫૦૦ની આસપાસ છે. એથી ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચરે એમને રૅર પ્રજાતિમાં મૂક્યા છે. એક ઑફિસરે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ પ્રકારનાં પ્રાણીઓ બહુ ઓછી સંખ્યામાં બચ્યાં હોવાથી એમને સાચવવાં જરૂરી છે. જ્યારે એમને બંધ બૅગમાં ઍર-ટ્રાવેલ કરાવાય છે ત્યારે એમના મૃત્યુના ચાન્સિસ વધી જાય છે એટલું જ નહીં, એમને એમના રહેવાના કુદરતી વાતાવરણથી બહાર કાઢવામાં આવે છે ત્યારે પણ તેઓ લાંબું સર્વાઇવ નથી કરી શકતા.’


