નાના ખાતેદારો ઉપરાંત અનેક હાઉસિંગ સોસાયટી, મંદિર-દેરાસરનાં ટ્રસ્ટો, સ્કૂલ, કૉલેજોના પણ કરોડો રૂપિયા સલવાયા
ગઈ કાલે ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કની અંધેરી બ્રાન્ચ પર મોટી સંખ્યામાં ખાતાધારકો ભેગા થઈ ગયા હતા.
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના કામકાજમાં ગરબડ હોવાનું કારણ આપીને RBIએ અચાનક જ એના પર પ્રતિબંધ મૂકી દેતાં કેટલાય ખાતાધારકોની હાલત છતે પૈસે રોડ પર આવી જવા જેવી થઈ ગઈ છે. બૅન્કના બોર્ડ મેમ્બરોની બદમાશીને લીધે કોઈ બેઘર થઈ ગયું તો કોઈનાં મમ્મીના કૅન્સરની સારવારના પૈસા અટવાઈ ગયા. મીરા રોડની સોસાયટીના તો રિપેરિંગ માટે રાખેલા લાખો રૂપિયા ફસાઈ જતાં હવે રહેવાસીઓએ જીવના જોખમે રહેવું પડશે.
ADVERTISEMENT
ગઈ કાલે કાંદિવલીના મહાવીરનગરમાં ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કની બ્રાન્ચની બહાર ભેગા થયેલા ખાતાધારકો. તસવીર : નિમેશ દવે
રિઝર્વ બૅન્કે છ મહિના સુધી ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના તમામ વ્યવહાર પર પ્રતિબંધ મૂક્યો
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ મુંબઈ, થાણે, પુણે અને સુરતમાં ૩૦ બ્રાન્ચ ધરાવતી ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના તમામ પ્રકારના વ્યવહાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે કે RBI નવો આદેશ બહાર ન પાડે ત્યાં સુધી બૅન્કના અકાઉન્ટમાંથી કોઈ પણ રકમ ઉપાડી નહીં શકાય. RBIએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે બૅન્કના કામકાજમાં કેટલીક ગરબડો કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી અકાઉન્ટ-હોલ્ડરોના હિત માટે ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના વ્યવહાર પર ગુરુવારે બૅન્કના કામકાજનો સમય પૂરો થયા બાદ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે છ મહિના સુધી લાગુ રહેશે. આ સમય દરમ્યાન પ્રતિબંધની સમીક્ષા કરવામાં આવશે અને સ્થિતિ મુજબ નિર્ણય લેવામાં આવશે. બૅન્ક પર પ્રતિબંધ મૂકવાને કારણે મોટી સંખ્યામાં સેવિંગ્સ, કરન્ટ કે રિકરિંગ અકાઉન્ટ્સ હોલ્ડરો તો મુશ્કેલીમાં મુકાયા છે પણ આ બૅન્કમાં મંદિર, દેરાસર, ટ્રસ્ટ, હાઉસિંગ સોસાયટી, સ્કૂલ અને કૉલેજનાં અકાઉન્ટ્સ હોવાથી તેમના વ્યવહારને પણ અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. બૅન્કની ૩૦ બ્રાન્ચમાં લાખો અકાઉન્ટ હોલ્ડર છે.
ગઈ કાલે સવારે બૅન્ક બંધ કરી દેવામાં આવી હોવાના સમાચાર મળ્યા બાદ સવારથી બૅન્કની તમામ બ્રાન્ચમાં ખાતાધારકોનો જબરદસ્ત ધસારો થયો હતો. રૂપિયા ઉપાડવા ઉપરાંત ઇન્ક્વાયરી કરવા માટે લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. કેટલીક બ્રાન્ચમાં તો બૅન્કના સ્ટાફ અને અકાઉન્ટ-હોલ્ડરો વચ્ચે ઝઘડા થયા હોવાનું જાણવા મળ્યું હતું. પોતાના અકાઉન્ટમાં હોવા છતાં રૂપિયા ઉપાડી ન શકતાં અનેક લોકોએ બૅન્કનો સ્ટાફ આર્થિક ગરબડ કરે તો ખાતાધારકોએ ભોગવવું પડે છે એવો રોષ વ્યક્ત કર્યો હતો.
બૅન્કની આર્થિક સ્થિતિ શું છે?
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કને ૨૦૨૩માં ૩૦.૭૫ કરોડ અને ૨૦૨૪માં ૨૨.૭૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બૅન્કમાં અત્યારે સેવિંગ્સ અને ફિક્સ ડિપોઝિટમાં ૨૪૩૬ કરોડ રૂપિયા જમા છે. એની સામે ૧૧૭૫ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.
૧૯૬૮માં સ્થાપના
દિવંગત કેન્દ્રીય પ્રધાન અને યુનિયન લીડર જ્યૉર્જ ફર્નાન્ડીસે ૧૯૬૮માં બૉમ્બે લેબર કો-ઑપરેટિવ બૅન્કના નામે એની શરૂઆત ૫૫૫ મેમ્બર સાથે કરી હતી. જોકે ૧૯૭૭માં બૅન્કનું નામ બદલીને ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ કરવામાં આવ્યું હતું. બૅન્કને ૧૯૯૦માં શેડ્યુલ્ડ સ્ટેટસ મળ્યું હતું. ત્યાર બાદ ૧૯૯૯માં મુંબઈ, થાણે અને પુણે ઉપરાંત સુરતમાં પણ બ્રાન્ચ ખોલવામાં આવ્યા બાદ બૅન્કને મલ્ટિ સ્ટેટ સ્ટેટસ મળ્યું હતું.
બૅન્કના બોર્ડને ૧૨ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્ક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ગઈ કાલે ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)એ બૅન્કના બોર્ડને ૧૨ મહિના સુધી સસ્પેન્ડ કરી નાખ્યું હતું અને બૅન્કના ઍડ્મિનિસ્ટ્રેટર તરીકે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ જનરલ મૅનેજર શ્રીકાંતની નિયુક્તિ કરવામાં આવી હતી. બોર્ડની ગેરહાજરીમાં ૧૨ મહિના સુધી ઍડ્મિનિસ્ટ્રેટર બૅન્કનું કામકાજ જોશે. ઉપરાંત RBIએ સલાહકારોની એક કમિટી પણ નિયુક્ત કરી છે જે ઍડ્મિનિસ્ટ્રેટરને કામકાજમાં મદદ કરશે.
સૂત્રો મુજબ RBIની તપાસ બાદ બૅન્કના ચીફ કમ્પ્લાયન્સ ઑફિસરે મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગમાં ૧૩ ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં બૅન્કના કર્મચારીઓએ નાણાકીય ગેરરીતિ કરી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. આથી બૅન્કના ખાતેદારોના સંરક્ષણ માટે RBIએ બૅન્ક-અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા સામે છ મહિનાનો પ્રતિબંધ લાદ્યો છે. RBIએ ખાતરી આપી હતી કે બૅન્કના ખાતેદારોની પાંચ લાખ રૂપિયા સુધીની રકમનો સમાવેશ ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ ઍન્ડ ક્રેડિટ ગૅરન્ટી કૉર્પોરેશન સ્કીમમાં થાય છે એટલે ખાતેદારોના રૂપિયા સલામત છે. બૅન્કના ૯૦ ટકા અકાઉન્ટ હોલ્ડર આ સ્કીમમાં આવી જાય છે એટલે તેમણે ચિંતા કરવાની જરૂર નથી.
સિનિયર સિટિઝનોને ખાસ રાહત આપોઃ મુંબઈ ગ્રાહક પંચાયત
ગઈ કાલે અચાનક જ ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના કારભાર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતાં મુંબઈ ગ્રાહક પંચાયતે રિઝર્વ બૅન્કને એક પત્ર લખ્યો છે. પંચાયતના કાર્યાધ્યક્ષ શિરીષ દેશપાંડેએ લખેલા આ પત્રમાં રિઝર્વ બૅન્ક પાસે મીટિંગનો સમય માગીને કહેવામાં આવ્યું છે કે ‘ગ્રાહકોના હિતમાં આ પગલું ભરવામાં આવ્યું હોવાના રિઝર્વ બૅન્કે દાવો કર્યો છે, પણ તેમના આ નિર્ણયને લીધે હજારો ખાતેદારોએ હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. જોકે એમાં સૌથી વધારે ખરાબ હાલત નિવૃત્ત અને વરિષ્ઠ નાગરિકોની થઈ છે. તેમના માટે કોઈ માર્ગ નીકળી શકે એમ હોય તો એના પર ચર્ચા કરવા માટે અમારે તમારા અધિકારીઓ સાથે મીટિંગ કરવી છે.’
પાંચ લાખ કે એથી ઓછા પૈસા હશે તો મળી જશે
જે ગ્રાહકોના બૅન્કમાં પાંચ લાખ કે એનાથી ઓછા રૂપિયા છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. ધ ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ ઍન્ડ ક્રેડિટ ગૅરન્ટી કૉર્પોરેશને (DICGC) બૅન્કની ડિપોઝિટ ઇન્શ્યૉર્ડ કરી હોવાથી ખાતેદારોને તેમના પૈસા ૯૦ દિવસની અંદર મળવાની શક્યતા હોવાનું બૅન્કની દરેક બ્રાન્ચની બહાર લગાવવામાં આવેલાં બૅનર્સમાં લખવામાં આવ્યું છે.
ઘાટકોપરની જાણીતી
સ્કૂલ અને એના શિક્ષકોના પૈસા પણ અટવાયા
ઘાટકોપરની જાણીતી સ્કૂલના કૅમ્પસમાં જ ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કની બ્રાન્ચ આવેલી હોવાથી સ્કૂલનાં અકાઉન્ટ્સ સાથે શિક્ષકો અને અન્ય સ્ટાફ બધાનાં જ સૅલેરી અકાઉન્ટ એમાં છે. બૅન્ક તકલીફમાં આવતાં બધાના જ પૈસા એમાં અટવાઈ ગયા છે. તેમની હાલત કફોડી થઈ ગઈ છે. સ્કૂલની ફિક્સ્ડ ડિપોઝિટ પણ ત્યાં જ હતી. એક શિક્ષકે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘અમારા બધાના પરેસવાની કમાણી એમાં અટવાઈ ગઈ છે. હવે આગળ શું થશે એ કાંઈ જ ખબર નથી. RBI અને બૅન્કની વચ્ચેનો એ મુદ્દો છે, પણ એમાં અમારા પૈસા ફસાઈ ગયા છે. અમે સ્કૂલ તરફથી બૅન્ક સાથે વાત કરી રહ્યા છીએ, પણ અમને અમારા પૈસા પાછા મળશે કે નહીં એ કશી જ ખબર નથી.’
શું કહે છે હેરાનપરેશાન ખાતેદારો?
જીવના જોખમે હવે રહેવાનો વારો આવ્યો : મિલન ભટ્ટ, મીરા રોડ
મીરા રોડના શાંતિનગરના સેક્ટર-૩માં આવેલી જીવદયા હાઉસિંગ સોસાયટીના કમિટી-મેમ્બર મિલન ભટ્ટે કહ્યું હતું કે ‘અમારી સોસાયટીનું બૅન્ક-અકાઉન્ટ ૩૦ વર્ષથી ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કની શાંતિનગરના સેક્ટર-૧માં આવેલી બ્રાન્ચમાં છે. સોસાયટીને ત્રણ દસકા થઈ ગયા છે એટલે રિપેરિંગ કરવાની જરૂર છે. મોટા ભાગના સોસાયટીના રહેવાસી મધ્યમ વર્ગના છે અને રિપેર કરવા માટે ૨૦થી ૨૫ લાખ રૂપિયાનો ખર્ચ આવે એમ છે એટલે બે વર્ષથી અમે રિપેરિંગ કરવા માટે રૂપિયા જમા કરતા હતા. એ સિવાય લિફ્ટ બેસાડવા માટેનો પ્લાન પણ હતો. જોકે હવે બધા રૂપિયા બૅન્કમાં ફસાઈ ગયા છે એટલે અમે રિપેરિંગ નહીં કરી શકીએ. ચોમાસા પહેલાં રિપેરિંગની શક્યતા નહીંવત્ થઈ જતાં જીવનું જોખમ વધી ગયું છે.
ફ્લૅટ ખરીદવાના રૂપિયા ફસાતાં બેઘર બન્યો : નરેશ જૈન, મીરા રોડ
મીરા રોડના શાંતિનગરમાં રહેતા મારવાડી વેપારી નરેશ જૈને કહ્યું હતું કે ‘મારે નવો ફ્લૅટ ખરીદવાનો હતો એટલે મેં અત્યારે જ્યાં રહું છું એ ફ્લૅટ વેચી નાખ્યો છે અને એમાંથી મળેલા રૂપિયા ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કમાં ડિપોઝિટ કર્યા હતા. નવા ફ્લૅટનું પેમેન્ટ કરવાનું હતું, પણ સાસુનું અવસાન થતાં હું વતન ચાલ્યો ગયો હતો. બે દિવસ પહેલાં જ હું પાછો આવ્યો હતો અને નવા ફ્લૅટનું પેમેન્ટ કરવા માટેની તૈયારીમાં હતો ત્યાં જ બૅન્કે રૂપિયા આપવાનું બંધ કરી દીધું છે. અત્યારે તો અમે બેઘર થઈ ગયા છીએ.
મમ્મીની સારવાર માટે પૈસા ક્યાંથી લાવવા? : જયંતીલાલ દેઢિયા, અંધેરી
અંધેરીમાં રહેતા સિનિયર સિટિઝન જયંતીલાલ દેઢિયાએ કહ્યું હતું કે ‘૧૯૮૨માં બૅન્ક શરૂ થઈ ત્યારથી મારું ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કમાં અકાઉન્ટ છે. અચાનક બૅન્ક પર પ્રતિબંધના સમાચાર સાંભળતાં મને આંચકો લાગ્યો હતો, કેમ કે મારા સેવિંગ્સ અકાઉન્ટમાં પોણાબે લાખ રૂપિયા અને વાઇફના અકાઉન્ટમાં બે લાખ રૂપિયા પડેલા છે. હું પોતે હાર્ટનો પેશન્ટ છું, મારી વાઇફને કૅન્સર છે, મારાં મમ્મી-પપ્પા પથારીવશ છે એટલે મને ઇમર્જન્સી માટે ક્યારેય પણ કોઈની તબિયત બગડે તો રૂપિયાની જરૂર પડી શકે છે. મારા પૈસા આ બૅન્કમાં બ્લૉક થઈ જતાં મારું ટેન્શન વધી ગયું છે. મારી મમ્મીનું હૉસ્પિટલનું બિલ ચૂકવવા માટે થોડા દિવસ પહેલાં જ પાંચ લાખ રૂપિયા કઢાવી લીધા હતા. આટલી જૂની બૅન્કનું ઊઠમણું થયું હોવાથી મારા પૈસા ફસાઈ ગયા છે. હવે અમને ક્યારે અમારા પૈસા પાછા મળશે?’
દીકરીનાં લગ્ન માટે પૈસા બૅન્કમાં જમા રાખ્યા હતા : અતુલ દવે, અંધેરી
અંધેરી-ઈસ્ટના રહેવાસી અતુલ દવેએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૅરેજ પહેલાંથી જ મારી પત્નીનું અકાઉન્ટ ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કમાં હોવાથી મૅરેજ પછી એ જ અકાઉન્ટને અમે જૉઇન્ટ અકાઉન્ટ કરી નાખ્યું હતું. અમારા સેવિંગ્સ અકાઉન્ટમાં સાડાત્રણ લાખ રૂપિયા છે અને દીકરીનાં અકાઉન્ટમાં દોઢ લાખ રૂપિયા છે. આ સિવાય સાડાપાંચ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે. એક વર્ષ પછી દીકરીનાં લગ્ન છે. એના માટે પૈસા જમા કરીને રાખી મૂક્યા હતા. હવે ક્યારે પૈસા મળશે? છ મહિના પણ લાગી જાય કે વધુ સમય પણ લાગી જશે તો અમે શું કરીશું? કેટલા રૂપિયા કાઢવા આપશે એ પણ ખબર નથી. અચાનક માથે આભ તૂટી પડ્યું હોય એવું લાગી રહ્યું છે. ગુરુવારે સવારે મારી દીકરી અંધેરી વિજયનગર સોસાયટીની સામે ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કમાં પણ ગઈ હતી, પરંતુ કોઈ જવાબ આપી રહ્યું નથી. માત્ર જે લોકોનું લૉકર છે એ લોકોને કૂપન આપી રહ્યા હતા, અમારા હાથમાં તો વેઇટ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બસ વહેલી તકે લોકોના પૈસા બૅન્કે પરત કરી દેવા જોઈએ.’
બિઝનેસ-અકાઉન્ટ પણ હોવાથી થોડી તકલીફ થશે : સંદીપ વોરા, અંધેરી
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં રહેતા સંદીપ વોરાએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંદાજે ૨૭ વર્ષથી મારું અકાઉન્ટ ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કમાં છે. મને ક્યારેય બૅન્કની સર્વિસથી કોઈ પરેશાની થઈ નહોતી. બૅન્કની સર્વિસ, એના સ્ટાફનો હંમેશાં સારો સપોર્ટ મળી રહેતો, બધું સારું હતું. મારી વાઇફ, બે દીકરીઓ; બધાંનાં અકાઉન્ટ આ બૅન્કમાં છે. શુક્રવારે સવારે મહાવીરનગરમાં આવેલી બ્રાન્ચમાં પણ હું ગયો હતો. લોકોની બહુ ભીડ હતી. અહીં બોર્ડ લગાવી દીધાં હતાં કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના નિર્દેશ મુજબ બૅન્કનો કારભાર બંધ રહેશે. મારું બિઝનેસ-અકાઉન્ટ પણ હોવાથી થોડી તકલીફ થશે, પણ બે-ચાર દિવસમાં નવું અકાઉન્ટ ઓપન કરાવી લઈશ. આ સિવાય RBIની ગાઇડલાઇન મુજબ પાંચ લાખ સુધીના રૂપિયા તો પાછા મળવાના જ છે, એ જલદી મળી જાય તો સારું.’

